આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત

આકાશમાંથી એક સિતારો ખર્યાની વાત
બેસો, કહું છું તમને હું મારા મર્યાની વાત

વળગણ બધાંયે છૂટી ગયાં તમને જોઈને
મારા મહીંથી ધીમે-ધીમે હું સર્યાની વાત

તમને ય તે હવે તો ખરી લાગતી હશે
જન્માક્ષરો મારા ને તમારા વર્યાની વાત

‘રાહી’! અબળખા કોઇ હવે બાકી ક્યાં રહી?
કેવળ રહી છે મન મહીં તમને સ્મર્યાની વાત

રાહી ઓધારિયા

જિંદગી આમ તો પળોજણ છે,

જિંદગી આમ તો પળોજણ છે,
પણ ન છૂટી શકે એ વળગણ છે.

આ તે અસ્તિત્વ છે કે છે આરસ ?
છે સુંવાળું, છતાંય કઠ્ઠણ છે !

કોઈ રણદ્વીપ જોઈ લ્યો જાણે !
આયખું લીલુંછમ, છતાં રણ છે !

મન રહે છે સતત તણાવોમાં,
રામ એમાં છે, એમાં રાવણ છે !

હાથમાં ક્યાં છે અંત કે આદિ ?
એ જ તો ‘રાહી’ની મથામણ છે.

– રાહી ઓધારિયા                                  

%d bloggers like this: