ના જડ્યું

ના જડ્યું

આભ જેવું ઊંચેરું કોઈ ના મળ્યું

મન જેવું ઊંડેરું કોઈ ના જડ્યું

પુષ્પ જેવું રુપાળું કોઈ ના મળ્યું

હાસ્ય જેવું મધુરું કોઈ ના જડ્યું

વૃક્ષ જેવા દાતા કોઈ ના મળ્યા

પંચેન્દ્રીય જેવું રત્ન કોઈ ના જડ્યું

જળ જેવું ઝીલનારું કોઈ ના મળ્યું

માત જેવું મોંઘેરું કોઈ ના જડ્યું

પવન જેવું પાતળું કોઈ ના મળ્યું

પ્રેમ જેવું સુંવાળું કોઈ ના જડ્યું

કૂંપળો જેવું નાજુક કોઈ ના મળ્યું

દરિયા જેવું દિલદાર કોઈ ના જડ્યું

જ્યાં જુઓ ત્યાં મળ્યો પણ ના મળ્યો

સત્ય જેવું જગે સુંદર કોઈ ના જડ્યું

રમેશ પટેલ(આકાશદીપ)

પતંગ

ઉત્તરાયણ એય ગુજરાતની અને કાઈટ ફેસ્ટીવલની ધમાધમ, સાબરમતી રિવર ફ્રન્ટની

શોભા અને દેશ અને વિદેશી પતંગબાજોના આકાશી ખેલ..તો આવો પતંગની મસ્તીથી

ગીત ગાતા વ્યોમે વિહરીએ.

પતંગ

મસ્ત થઈ ઝૂમતી હું રે પતંગ

વહોને વાયરા ધીરે,મારે ઊડવું ગગન

મકર સંક્રાંતિનો પાવન છે પર્વ

પ્રકૃતિ પ્રેમ દોરે , મારે બાંધવું બંધન

હું ને પતંગ

પતંગ તને ઊડવું ગમે

ને મને ઊડાડવું ગમે

નખરાળો પવન તને સતાવે ભલે

મોજથી મનગમતા પેચ લપટાવીએ હવે

નીરખે ગોગલ્સમાં કોઈ તને

દૂરથી જુએ કોઈ છાનું મને

એક આંખવાળો પાવલો સતાવે ભલે

હાલને મજીયારો આનંદ લૂંટીએ જગે

ઓલો વિદેશી ઢાલ કેવો હંફાવી હસે

ને તારી જબરી શ્રીમતી લોટાવે મને

ખાઈ માલપૂડા ખખડાવ હવે થાળી ખાલી

લે હું પણ મારું અમદાવાદી ખેંચ છાનીછાની

દાદા દાદી જરા કાઢજો ને ગૂંચ

સૂરતી દોરીની મોટી છે લૂમ

લાગે ઉત્તરાયણ આજ વહાલી વહાલી

ઊંધીયા જલેબીથી ભરીએ મોટી થાળી

આકાશે ચગી અમારે દેવા સંદેશ

દાદા સૂરજ હાલ્યા મકરને દેશ

ઘરઘરનો દુલારો મારો ઉત્તરાયણ તહેવાર

રૂપલે મઢી પતંગથી છાયો કલશોર

રમેશ પટેલ(આકાશદીપ)

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું – રમેશ પટેલ ‘આકાશદીપ’

નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું

બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું

બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી સાથે ભાવે મુજને પ્યારા પિત્ઝા ને કોક
ખાઉ થોડું બગાડું ઝાઝું,તોય વહાલ કરે રુપાળું
ખુશી ખુશી હું બોલું

બા કહે ફ્રોક પહેરી ,તું મજાની ઢીંગલી જેવી લાગું
શોર્ટ ટી ~શર્ટ પહેરી, મમ્મી સાથે હાઈ ફાઈ માં ભાગું
રોજ રોજ નાવલી વાતું, હસતી રમતી માણું
ખુશી ખુશી હું બોલું

બા ગવડાવે માના ગરબા, દાદા શીખવે હાથ જોડીને રામ
મમ્મી પપ્પા ઊપડે કામે, બોલાવી બાય બાયના જાપ
હસી હસી હું રમું ભમું,થાકી દાદા પાસે દોડું
ખુશી ખુશી હું બોલું

વાત કહી મેં મારી છાની ,બોલો તમને કેવી હું લાગું
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું

– રમેશ પટેલ ‘આકાશદીપ’

હેલે ચઢી તમારી યાદ – રમેશ પટેલ ‘આકાશદીપ’

હેલે ચઢી તમારી યાદ

સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ

ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ

રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ

રમેશ પટેલ ‘આકાશદીપ’

કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા

દિવાળી

મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન

લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
પ્રકાશ પર્વના છલકે છે પ્રેમ ભર્યા પૂર
ઝીલો ઝીલો હૈયે દોડી આજ ઉમંગી નૂર

શુભ સંકલ્પની જ્યોતી,ભાઈબીજની રે ખુશી
હૈયાને હરખે હીંચોળી, પૂરીએ રુડી રંગોળી
ફટાકડાએ દે જો નવરંગોથી દિવાળી ઉજાળી
ને વધાવીએ નવ વર્ષને વેરઝેર ડુબોડી
કે આજ મીઠી લાગે મારી રુપલી દિવાળી
રમેશ પટેલ(આકાશદીપ)

ગીતા સુધા

bhagavadgita210x300ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય

એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર

શ્રીવેદવ્યાસજીએ.

ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે ,માટે

ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં

ઝીલતાં,ગીતા જયન્તી એ ,મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત

કરતાં અહોભાવથી વંદન.

ગીતા સુધા

અઢાર અક્ષૌહિણી સેનાના રક્તથી ભીંજાશે અવની અંગ
કેવો આ મહાસંગ્રામ પિતામહ ગુરુ સ્વજનોને સંગ
હે કેશવ! ન જોઈએ આ રાજ લઈ મહા હત્યાનું પાપ
ગાંડીવ સરે મમ કરથી નથી હૈયે યુધ્ધની હામ

ક્ષાત્ર ધનુર્ધર પાર્થ વદે વિષાદથી વિહ્વળ વાણી
યુધ્ધ અવસરે કાયર થઈ પૂછે , ઓ ચક્રપાણી!
રક્ત રંજિત યુધ્ધ ખેલી શાને કરવો મહા સંહાર
પાપ મોહ અહંકારથી કેમ મણવો વિજયશ્રીનો ઉપહાર

ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે છે દિન માગસર સુદ એકાદશી
શ્રીકૃષ્ણ મુખે વહી દિવ્ય જ્ઞાન ગીતા અવિનાશિની
પ્રબોધ્યું દર્શન પાર્થને અઢાર અધ્યાયે સાતસો શ્લોકમાં
છેદ્યાં સંશય , ઉઘડ્યાં દ્વાર ભક્તિ કર્મ બ્રહ્મ યોગનાં

ધર્મ સંકટ નિહાળું હું , ન સમજાય વિધિની વક્રતા
મનમાં સંશય રમે આ જીવનની કેવી વિંટબણા
સમજ મારી દીઠી કુંઠિત, ભાવિના ભણકારા કરતા રુદન
સુખ દુઃખ જય પરાજયના પડઘા ભાસે ગુંજાવતા ગગન

શ્રી કૃષ્ણ વદે, સુણ અર્જુન સખા, ગીતા છે મમ હૃદય
સોંપી લગામ પ્રભુને હાથ આવી જા તું મમ શરણ
આત્માને અમર જાણ દેહની નશ્વરતાને પહેચાન
થાતું મુક્ત મોહ માયાથી લઈ ગીતાનું જ્ઞાન

સુણ પાર્થ, જીવન મરણને જાણ પૂર્ણ પુરુષોત્તમ હાથ
થા માત્ર નિમિત્ત, કરવાં સઘળાં કલ્યાણી ઈશ્વરીય કામ
અર્પણ કર કર્તાને સર્વ કર્મનાં બંધન, કર્તવ્ય ધર્મ નિભાવ
ત્યજી આસક્તિ, યોગ સ્થિત થઈ લે ગાંડીવ તુ જ હાથ

આતતાયીઓ છે દમનકારી,શિક્ષામાં વિલંબ ન કર પળવાર
જીવન મરણ કલ્યાણ અકલ્યાણનો નથી તુ જ અધિકાર
થઈ નિર્વિકારી , થા અનાસક્ત , આજ તું સ્વધર્મ સંભાળ
નથી પવિત્ર જ્ઞાન સમ આ સંસારે , નિશ્ચયે તું જાણ

થયો મૂઢ પાર્થ, પરિસ્થિતિથી પ્રભાવિત,દીઠો કર્તવ્ય વિમુખ
પરમ લીલાને પ્રગટ કરતાં, શ્રી કૃષ્ણે ધરિયું વિશ્વ સ્વરુપ
તું છે મારો ભક્ત સખા ને , જ્ઞાન વીર ધીર ભૂપ
હું જ કાળ, હું જ નિયંતા, નીરખ પાર્થ મમ મહાકાળનું રુપ

અનંત ઐશ્વર્ય મહાકાળ રુપ જોઈ વિશુધ્ધ થયો અર્જુન
હાથ જોડી નત મસ્તકે અરજ ગુજારે ક્ષમા કરો ભગવંત
છે પારસમણિ જ્ઞાન ગીતાનું , પામ્યો પ્રેરણા પાન
દુવૃત્તિ સામે ઝુકાવવું જંગે , એ જ સમજાઈ જીવનની શાન

જાણ નિશ્ચયે, કહે કેશવ,મારું વચન સાંભળ ઓ પાર્થ
રક્ષીશ સાધુ સંત ભક્તોને છોડી વહાલું વૈકુંઠ ધામ
આ પૃથ્વીપટે અવતરીશ યુગેયુગે, ધર્મ રક્ષવા કાજ
સમય આવિયો,ધર્મ પક્ષે,કર હવે શંખ દેવદત્તનો નાદ

યોગેશ્વર છે સારથિ કુંતેય,લઇ ગાંડીવ નાખ સિંહની ત્રાડ
હૈયે પૂરી પહાડશી હામ , પ્રભુએ પૂર્યા પાર્થમાં પ્રાણ
લઈ ગાંડીવને હાથ , ઉભો થયો માત કુંતાનો ભાણ
સાધુના કરવા છે પરિત્રાણ, વરસાવ જગ કલ્યાણે બાણ

કર ગાંડીવ સર સંધાણ ,ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ
જુ એ રથી મહારથી વાટ , યુધ્ધે કર આજ પાર્થ પ્રયાણ
અર્જુન ગજાવ અંબર આણ,મહાભારત માણે શૌર્ય પ્રમાણ
કંડાર પાર્થ વિજયનો પાથ, તારા સારથિ શ્રીજય જગન્નાથ
જય સંગ્રામે દિસજે પહાણ, ધનુર્ધર યુધ્ધ એ જ કલ્યાણ

ધર ધનુષ્ય કર ટંકાર, ક્ષાત્ર ધર્મ કરે પુકાર
લઈ ગાંડીવ કર હુંકાર, છે આણ કુંતેય કુમાર
ધા ધરમની વહાર, બિરાજે ધ્વજે કપિકુમાર
ધન્ય ધન્ય શૂરવીરો, દુઆ દે વસુધા અપાર

તૂટ્યા મોહ કર્મનાં બંધન , ગદ ગ દ્ થઈ પાર્થ ઉવાચ
કર્તવ્ય ધર્મ નિભાવવા દેજો , દૈવી શક્તિ મમ હાથ
ગહન જ્ઞાન લાધ્યું,આત્મા પરમાત્માનો જાણ્યો ભેદ જ્ઞાનેથી
જીવાત્મા છે અક્ષર પણ અભિભૂત મોહ માયા બંધનથી

સત્ ચિત્ત આનંદથી સર્વ જીવ દિસે એકરુપ ને વ્યક્ત
અક્ષરથી ઉત્તમ પૂર્ણ પુરુષોત્તમ નિર્બંધ અખંડ અનંત અવ્યક્ત
જીવન દર્શન જાગ્યું તવ પ્રતાપે ,મોહ નષ્ટ થયો મમ અંતર
શિર જાશે પણ નહીં જાય શાન,મહાભારત ખેલવું મારે યોગેશ્વર

થા અર્જુન તું મહા યુધ્ધનો નાયક , હું છું એનો વિધાતા
તુજ રથ ધ્વજાએ બિરાજે હનુમંત ,થા અગ્રેસર અર્જુન ભ્રાતા
ગુરુ ઢ્રોણનો તું ધનુર્ધર શિષ્ય,વિનયથી લે ભીષ્મપિતાના આશીર્વાદ
હણી અન્યાય અધર્મ ધારકો , ધરણીએ ગજાવ સત ધર્મનો નાદ

આર્પણ તુજને તારી છાયા , પૂરજો હૈયે હામ
શંખનાદથી ગાજ્યું કુરુક્ષેત્ર , ધર્મ ધજા લઈ હાથ
તુજ શરણમાં ચરણે ધરવા , સર્વ કર્મનો ભાર
કર્તવ્ય ધર્મ બજાવવા પાર્થે જોડ્યા પ્રભુને હાથ

તામ્રવર્ણ દિશે અર્જુન , રક્તની છાયી લાલીમા નયન
ક્ષાત્રભૂજા સળવળી થઈ સર્પ , કીધો ધનુષ્ય ટંકાર ગગન
વ્યોમે ગાજ્યા દુંદુભી નાદ, નક્કી હવે ઊતરશે અવની ભાર
શંખનાદે ગુંજ્યા આકાશ, જગદીશ્વરનું મુખ મલક્યું અપાર

સમર્પી આજ જીવન તવ ચરણે , હવે ખેલવો મહા સંગ્રામ
તું છે કર્તા તુંજ ભર્તા , તુજ વિશ્વાસે કરવું મહા નિર્માણ
પાર્થે કીધું સર સંધાણ , જગદીશ્વર ભાખે યુગ કલ્યાણ

‘આકાશદીપ’અરજ ગુજારે ગાજો સાંભળજો ગીતાનો આ મહાતોલ
હૃદયે ઝીલજો યોગેશ્વરના બોલ , પામશો જીવન સુધા અણમોલ

રમેશ પટેલ(આકાશદીપ)

એજ ગુલાબી ગુલાબ અમને ગમતું ,એજ તમને ગમતું,ગમતું એજ ગુલાબી ગુલાબ

તમે ચૂંટી ,અમને દીધું, પ્રેમપાશનું કામણગારું વહાલ

નયનો ઢાળી,ઝીલી આનંદ ને ખીલી સંધ્યાની લાલી

મોગરો મહેંકે ,કેશ ફરકે,વસંતની વાયરી લાગે વહાલી

કોરા કાગળે ઉરમાં મધ્યે,એક સ્નેહલ શબ્દ તમે દાબ્યો

સાગર ઉછળે,સોમ દર્શને, મારા ઉરમાં જઈ ને લાગ્યો

લજ્જા લહરે,કોમળ અંગે,પ્રસન્નતાના મંગલ ત્રિકોણમાં ઝાંખું

નયનોમાં નચાવી તસવીર તમારી,પવન પાવડી લઈ પોંખું

ગામને પાદરે નાના ઉપવને, તમે કેસરિયા ફૂલ થઈ શોભો

વ્યોમ અટારીએ ઉષા રાણીને,કાયાના રંગ કસુંબલે શરમાવો

તકદીર બનીને આંગણે પધારી,શ્રાવણ ઝૂલે ઝુલાવ્યા બેફામ

પ્રેમ પાલવડે ગુલાબી ગાલે,શમણે શમણે અમે થયા બેહાલ

મીઠા બોલે ગુંજી ગલી, અંતરમાં ગુંજ્યો મધુર મલકાટ

પ્રેમ પારેવાં રમાડે દિલડાં, ગુલાલે રમે જિંદગીનો તલસાટ

રમેશ પટેલ(આકાશદીપ) Tags: GUJARATI, આકાશદીપ’, રમેશપટેલ, ‘

ધુમ્મસ – રમેશ પટેલ ‘ આકાશદીપ’

વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ

દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ

વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે

પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ

કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ

સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય

જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ

રમેશ પટેલ ‘આકાશદીપ’

વિશ્વ તારું જટીલ

કુદરતની સમીપે જઈ,તેની વિવિધતા,

ગૂઢતા અને અસ્ત્-ઉદયનું ચક્ર વિસ્મય પમાડે છે

આ ચીંતનને ગઝલમાં વણ્યું છે

છંદ વિધાન..ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા

વિશ્વ તારું જટીલ

વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું

અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે

ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ

મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે

તપ્યો જલધિ તું વિસરવા જગનો ખાર દરિયા દિલે

સંવરે સૃષ્ટિ ઐશ્વર્યથી ને વૈભવ ગુંજારવ કરે

ખર્યા પાન શૂષ્ક થઈ ત્યાંતો સજતી આ કૂંપળો

ખીલ્યાં પૂષ્પ ને બીજ પોષે વિશ્વને ગૌરવ ઋણ્રે

હું જ વામન હું જ વિરાટનો દે દાખ વૃક્ષ બીજનો

થા જે સરળ, મંત્ર જપતું અટ્ટહાસ્યનું પગરવ ધમે

અસ્ત ગૂઢ ને ઉદયના ચક્રે તું હિતૈષી દિસે

ને આ ‘દીપ યાત્રા , ધરે અવિરત કલરવ જગે

રમેશ પટેલ(આકાશદીપ)

પ્રભાત નૂતન વર્ષનું

આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા
પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા

સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા
પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા

સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ વણી
મ્હોંર્યા ભાવ અંતર વિશ્વે ને શુભ સંકલ્પના પ્રમાણ ધર્યા

સુસ્વાગતમ્ શુભેચ્છાએ નિર્મલ મનના આવકાર ખીલ્યા
ઝૂલ્યા તોરણીયા દિલ આવકારે ને અન્નકૂટના થાળ ધર્યા

વ્યોમે ખીલી રંગ ક્યારીઓ ને ઘરઘર આજ મંદિર થયા
ફૂટ્યા ફટકડા હરખ વેરતા ને સમય ચક્રે સંધાન ધર્યા

ભૂલશું વેરઝેર તો પ્રગટે આનંદ એવા કુટુમ્બ ભાવ રમ્યા
આજ હતું તે કાલ થયું ને ‘દીપે નવયુગના મંડાણ ધર્યા

રમેશ પટેલ(આકાશદીપ)

વ્હાલું રતન મારું ગુર્જર વતન

MainPage_30

પહેલી મે એ પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા

બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન

સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન

સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું શૂરાતન
પ્રાણથીય પ્યારી પુનિત ધરતી મંગલ
કરશું વંદન શીરે બાંધી કફન

નવયુગના ઝૂમે આજ સ્વપ્નો ગગન
અહીંસા આદરથી રેલાવીએ અમન
ગાંધી સરદાર અમારી વિભૂતીઓ મહાન
માત ગુર્જરીને કરીએ ભાવે વંદન.

વતન અમારું પ્યારું ન્યારું, અમે બહૂરંગી ફૂલ
પ્રેમ ધરમે રમાડે હૈયાં માનવતાનાં મૂલ

Ramesh Patel(Aakashdeep)

અંજની જાયો

હનુમાનજીનું હાલરડું – રમેશ પટેલ ‘આકાશદીપ’
રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ.

અંજની જાયો

પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો

ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું

માત થાશે ,તારો લાલ બડભાગી, દેવાધી દેવની દેવ પ્રસાદી
ધર્મપથી, શક્તિ ભક્તિની મૂર્તિ, પરમેશ્વરની બાંધશે પ્રીતિ

શ્રેય કરી જગ ભય હરશે, ધર્મ પથે ધર્મ યુધ્ધ ખેલશે
જગ કલ્યાણે જગદીશ રીઝવશે,રામ ભક્તિથી ભવ સાગર તરશે

ભવ કલ્યાણી અંજની નીરખે, હરખે ઉર આનંદે મલકે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

પોઢંતો પ્રતાપી, વજ્રની શક્તિ,મુખની લાલી ને આભા છે પ્યારી
જડી બુટ્ટી રામની જાણશે જ્યારે, ચારે યુગનો થાશે કલ્યાણી

ભક્ત ભગવાનનાં મિલન થાશે,ભગવદ શક્તિનો સથવારો થાશે
વીર કેસરી ગર્જના કરશે , દશે દિશાઓ હાંકથી કંપશે

દેવી કલ્યાણી અંજની નીરખે, અમીરસ અંતરે ભાવે ઉછળે
કેસરી નંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

લાલ તારો લાંધશે જલધિ, પવનવેગી ગગન ગામી ઘૂમશે અવની
હિમાળેથી સંજીવની લાવશે ઊડી, અવધપૂરી ગાશે ગાથા રુડી

પનોતી પાસ ન ઢૂંકવા દેશે, રામ ભક્તિથી અમર થાશે
કેસરીનંદને નીંદરું ના આવે, માત અંજની હેતે ઝુલાવે

રમેશ પટેલ ‘આકાશદીપ’

રમીએ રાસ

3fa5ffdf4e5d1311
દીઠો એક ચાંદલિયો રમતો આભ

બીજો ચાંદલિયો રમે સરોવર પાળ

આવો ને ભેરુ રંગે રમીએ રાસ

મને ગમે એક ફુમતું તારે પાઘ

એના સંગે રમતી મારી આંખ

આવોને સખીઓ ગરબે ઘૂમીએ આજ

મારા મહેલે ઝૂલે હાથીડાની હાર

જુએ મારા હૃદયાની રાણીની વાટ

આવોને ભેરુ રમીએ રંગે રાસ

એક પતંગ ઊડે ઊંચે આકાશ

સાથે સરકે લઈ દિલડાની આશ

આવો ને સખીઓ સાથે રમીએ રાસ

મારે આંગણિયે હરખે મોગરાનું ફૂલ

વાલમની વેણીનાં કોણ કરશે મૂલ

આવોને ભેરુ બારણે લટકાવીએ ઝૂલ

મારે મંદિરિયે બેઠી પારેવાંની જોડ

મારા મનમાં રમે કોડીલા રે કોડ

આવોને સખીઓ માથે મૂકીએ મોડ

ખીલ્યું એક કેસરિયું ફૂલ રે વાટ

બીજો કેસૂડો મોહર્યો યમુનાજીને ઘાટ

વહાલો ચાંદલિયો ખીલ્યો આકાશ

આવો ને ભેરુ રંગે રમીએ રાસ

રમેશ પટેલ(આકાશદીપ)

રંગ ભરી રમશું રાસ

18sl4

રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી

રંગ ભરી રમશું રાસ

રાધા રાણી ને રમાડે કામણગારો કાન

બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ

સહિયરમોરી,મીઠડી કરશું વાત(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

ગોવાળ ગોકુળના હાંકે ગાવલડી

ગોપીઓ છલકાવે વહાલ

ઢોલીડા જમાવે તાલીઓના તાલ

સહિયરમોરી,ચાંદની ચમકી આકાશ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

શોભતા મોર પીંછે મનમોહનજી

ખળખળ વહે યમુનાજીની ધાર

ચૂંદડીએ ચમકે તારલાની ભાત

સહિયરમોરી,શરમાવે શામળના સાથ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

ભાવે રમાડે દિલડાં હરખાવે

નટખટ નંદજીનો લાલ

ઝીલે ગોપીઓનાં ભીંના વહાલ

સહિયરમોરી, ઝાંઝરીના રણકે નાદ(૨)

હાલોને રંગભરી રમીએ રાસ

પ્રભુ સંગ ઝૂમે ભક્તોના ભાવ

સહિયરમોરી,રાધાજી છલકાવે લાડ

હાલો હાલો રંગભરી રમીએ રાસ(૨)

સહિયરમોરી,રંગભરી રમીએ રાસ

રમેશ પટેલ(આકાશદીપ)

નોરતાં

નવલાં નોરતાં ને નવલી છે રાત

ગરબે ઘૂમે આજ ભવાની માત

દઈ દઈ તાળી આજ ગાઓને રાજ

નવ નવ દેવીઓનાં દર્શનની રાત

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલે નોરતે ધબૂકિયાં રે ઢોલ

ઘૂમો ગરબે ને દો તાળી રે લોલ

કુમકુમ પગલે માડી પધારિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

જામ્યા જામ્યા ગઢ પાવાએ તાલ

સૂણો સૂણો ઝાંઝરના ઝણકાર

હોમ હવન ને ભક્તિના નાદ

માના દર્શને થયા સુખિયા રે લોલ…આવ્યાં આવ્યાં..

રમે રમે લાલ કુકડાની જોડ

ચાચરના ચોકે મા બહુચરના બોલ

ઊડે ઊડે ગુલાલો ની છોળ

ગબ્બરે હીંચે માડી અંબિકા રે લોલ

ગઢ કાંગરે થી (૨) ટહુકિયા મોરલા રે લોલ …આવ્યાં આવ્યાં…

ચૂંદડીમાં ચમક્યા આભલા રે લોલ

મંગલ વરતે માને દીવડે રે લોલ

આવ્યાં આવ્યાં માનાં નોરતાં રે લોલ

નવલાં નોરતે ધબૂકિયાં રે ઢોલ…ધબૂકિયાં રે ઢોલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

નવલે નોરતે

ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલીગુજરાત ગરબે રમતી રો જ

આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમપગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર

સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓનારણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ

ઘૂમતા રાસે ,નવલેનોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત

અંગઅંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ શણગારે શોભે માડી, અપાર આનંદઅણમોલ

હીંચે હીંડોળે , ગબ્બર ગોખે, દેતાં મંગલ આશીષ
મા વરદાયીનીને ચરણેશરણે, ભાવે નમાવીએ શીશ

ભક્તોના હૈયે ભક્તિ છલકે, મલકે મુખલડે ઓપ
ગબ્બરનાટોચે દિવડાની જ્યોતે, ઝગમગે સોનેરી ગોખ

રમેશ પટેલ(આકાશદીપ)

પ્રગટ દેવ

પ્રગટ દેવ
પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે
પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની
,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને
માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું.

પ્રગટ દેવ
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે
આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે

આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે

આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે

રમેશ પટેલ(આકાશદીપ)

આભલું નીરાળું

આભલું નીરાળું

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું

તોય મારું આભલું કેટલું રુપાળું

નથી ફૂલડું કે રેશમ રુપાળું

તોય નભ નમણું લાગે નીરાળું

ના મુગટ કુંડલ ખન ઝાંઝરું

તોય રાધાના કાન જેવું સાંવરું

ઉડે પંખી ભરતા મસ્તી આભલે

મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી

વ્યોમ હાટડે વેચતા આનંદજી

સજે ગગનને રવિ સોહામણું

માણું પાવન દર્શન તને ઢૂંકડું

ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી

પામી દર્શન લાગું પાય નાથજી

રમેશ પટેલ(આકાશદીપ)

ઓ ભાભી તમે

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી

આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)

થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

રમેશ પટેલ ‘આકાશદીપ’

જીવનપંથ પથરાળ

હરિ તમે ,દેજો અમને ઓથ,
વહાલું તારું શરણું ને સંગાથ
સમય આવે,કરજો રે સાવધાન
અમારી અધૂરી ના રહે આશ
ગાડું મારું હાલક ડોલક થાય
હરિ દીઠો , જીવન પંથ પથરાળ
ટમટમ્યા, શ્રધ્ધા દીવડા અણમોલ
માગું હરિ, જીવન ઝગમગ સમતોલ
જીવન મારું, દોડે અધ્ધર તાલ
રાતલડી લાંબી લાગે રે સરકાર
હરિતમે, હંકારો નૈયા મઝધાર
તારા વિણ દીઠો ના આધાર
ના માગું તારલિયાની ભાત
માગું એક ચાંદલિયો સરતાજ
હરિ મારે, પામવો પૂર્ણ પ્રકાશ
ઝાલી હાથ,પહોંચાડજો મંગલ ધામ
હરિ જોઉં, ઉષાની આયખે વાટ
ઉલેચવાં અંધારાં આ અવતાર
હરિ મારે, હૈયે પ્રગટ્યા ભાવ
ફૂલડે વધાવી નમીએ રે કિરતાર

રમેશ પટેલ(આકાશદીપ)

પરખ પ્રકૃતિ

પરખ ને કેટલી પ્રેમાળ છે આ પ્રકૃતિ
સુધા દેવા ધોઈ ધૂપ તો ચંદ થવાય

ભલે કાદવ કંકર ને કંટકોનો સંગ હોય
પણ ધારે તું જો તો મ્હેંકતું ફૂલ થવાય

ભલે દાબે ધરા ને લાવામાં ધખતી કાય
ઘડે સંજોગો જો કસકસાવી તો હીર થવાય

ઝીલી ખારાશ વિશ્વની ઉરે ના રાંક થાય
દીધા મીઠા મેઘલા તો સદા યશ ગવાયા

રુપ પણ ના મળે મોરનું કે ના રંગ હંસનો
મળે આ મીઠડી વાણી તો કોયલ થવાય

અરે માનવ તું ઊંચેરો મુઠ્ઠી થાયે આજ
નક્કી આ ભૂમિ જ ‘આકાશદીપ’ સ્વર્ગ થાય

રમેશ પટેલ(આકાશદીપ)

છંદ.. લગા ગાગાલગા ગાગાલગા ગાગાગાલ

યુગ કલ્યાણી

આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,પ.પૂ.પ્રમુખ
સ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં સમર્પિત રચના.
યુગ કલ્યાણી

જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા

ગુરુવર રામાનંદજીએ નામજ ધરીઆ,શ્રી સહજાનંદ સ્વામી નારાયણમુનિ
ગુર્જર પંથે ઘરઘર ગૂંજે,જયશ્રી સ્વામિનારાયણની સ્તુતિ

ભૂલી પથ ગુણીજન ઘૂમે,વરતે વિષમ કાળની છાયા
હરિસંતો હરખે અંતર અજવાળે,હેલે ચઢી ભક્તિની માયા

ભગવંત શ્રી સહજાનંદ રંગે ઉમંગે,પૂણ્યે જાગ્યા સૌભાગ્ય અનેરા
સરળ નમ્રતા સાધુતા શોભે,પથપથ પ્રગટે ગ્યાનના ડેરા

મંદિર ગુરુકુળ અક્ષરધામથી,વહે સંસ્કાર ઝરણાં આનંદે
ગુરુ પરંપરા રમે જનહીતે, પાવન દર્શને શીશ રે વંદે

વનવાસીને કર્યા સદાચારી,વિશ્વસંતની ક્રુપા અનેરી માણી
હરિમાળામાં દીઠું પ્રભુ શરણું,તપધારી સંતો દિસે યુગ કલ્યાણી

કર જોડી ‘આકાશદીપ’ વંદે,ગ્યાન ભક્તિથી અવની છે શણગારી
પ્રમુખ સ્વામીને ચરણે શરણે, ઝીલશું કરુણા વાણી હિતકારી

રચિયતા–રમેશચન્દ્ર જ. પટેલ(આકાશદીપ)-September,2007

શ્રાધ્ધ

ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ

ને છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ દેશ

દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ

સદા વરસે શીશે , પિતૃઓની પ્રીતિ વિશેષ

લઈ ખોબામાં તલ પુષ્પ ને કરું આજ સંકલ્પ

સ્મરું શ્રધ્ધાથી નામ ગોત્ર ને તમ દિવ્ય સ્વરુપ

ત્રિકાળ સ્નાન સંધ્યાથી કરું ભાવે આજ પિતૃ પૂજન

થાય અમારું શ્રાધ્ધ ફળદાયી, કૃપા કરો અમ સ્વજન

જાશું ગંગાજી કે નર્મદાજી તટે કે જાશું સરોવર તીર

ગયા, સિધ્ધપુર સરસ્વતીએ નમી અર્પીએ શ્રધ્ધા તર્પણ નીર

પધારો પિતૃલોકથી પંચમહા યજ્ઞે વિશ્વદેવોને સંગ

ઉતારીએ પિતૃ ઋણ ને પામીએ સંસારે સર્વ આનંદ

રમેશ પટેલ(આકાશદીપ)

મફતનાં કામણ

મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર

મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર

નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત

એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ

સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર

પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર

મફતનો અજંપો લાગે ના માટે નવાજાતી શિષ્ટાચારી

સેવાની કદર કરી શેઠજી, ભાવે આપજો બોણી અમારી

લાંચ શબ્દ છે અણગમતો , પણ બક્ષિસ પ્રેમે ખપે

રોકડ સોગાદ બંગલા ગાડી દેખી આજના મુનીવર ચળે

મફતનો મહિમા ના જાણી,વાંઢાજી કચકચ ના થાજો કાજી

મફત માયલેજ મળે વિમાને ને અમારે ઘરવાલી છે રાજી

રાચ રચીલું નોકર-ચાકરથી શોભે ‘મફત’ મહેલ ચૌટા વચ્ચે

સમજી જાજો શાણા થઈ, મફત મફતમાં કોણ કોને લૂંટે

મફત મફતમાં ભેગું કરેલું, સમય આવે મફતમાં સરી જાય

પુરુષાર્થે રળી દાન દઈએતો , જાણજો સાચે જ સુખી થવાય

રમેશ પટેલ(આકાશદીપ)

વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે.

વિદાય હંમેશાં લાગણી ભીંની હોયછે.
કન્યા વિદાય અને શ્યામનું ગોકુળ છોડવાના
પ્રસંગો દિલને હચમચાવી જાય છે. આવો
સાથે અનુભવીએ..

અવળા વાયરા વાયા
આ વિરહની વેદનાન શૂળ
કેમ કરી સહેશે ગૉકુળ
રોતી આંખલડીએ દેખાય મને ઝાંખું
શું સાચે જ શ્યામ, જાયછોડી ગોકુળ આખું?

કહી માખણ ચોર કિધી ભૂલ
નહીં માગીએ માખણના મૂલ
દ્રવતું અંતર ને રુંધાયા છે કંઠ
શું સૌનો માધવ, ત્યાગે વૃન્દાવન?

ના સંભળાયે મોરલાના બોલ
ભાંભરવાનું ભૂલી રડે ગૌ
યમુનાજીએ ઘોળી પીધો છે રંગ શામળો
કેમ કરી માનું! છોડે જશોદાનો લાડલો

કેમ કિધી વાતો ઠાલી ઠાલી
કે હું રાધાનો ને રાધા છે મારી
નાથ ચરણો ને આધાર આપી હરખતું
જોને કેવું રડે છે આ કદમ હીબકતું

ઠાલો કહેતો હતો કે હું વૈકુંઠ ને વ્રજનો
આજ દિઠો તને જતો થઈ મતલબનો
કેમ કરી ભૂલશું તારી બંસરીની માયા
હાય! આજ ગોકુળમાં અવળા વાયરા વાયા

રમેશ પટેલ(આકાશદીપ)

હેતે રમાડ્યો ગોપલો

image001

હેતે રમાડ્યો ગોપલો
એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

ભક્તિ તમારી ભાળી ભગવાને પરમ પ્રતાપી સરતાજ
પારણે આવી પોઢ્યો પરમેશ્વર, ઝુલાવે જશોદા માત
એય ગોકુલ તારું…..

નિષ્કપટ મનડાં દેખી તમારાં,માખણ ચોરે સંગાથ
ભોળાની સાથે ભોળો અમારો,ગાયો ચારે નંદલાલ
એય ગોકુલ તારું…

લાલા લાલાની રટ ગમે ને ,હરખે કપાળું કિરતાર
માતા જશોદાના વહાલે વીંધાણો,થાંભલિયે બંધાયો દાતાર
એય ગોકુલ તારું…

અનંત જન્મોના પુણ્યે પામીયા, પ્રગટ પ્રભુનો પ્યાર
રાધેની બંસરીના નાદે ખૂલ્યાં,વ્રજ વન્દાવન ભાગ્ય
એય ગોકુલ તારું…

લેણદેણથી ના તોલાતો, મારો કામણગારો કાન
યમુના ઘાટે વહાલો વરસાવે, સ્નેહ સુધાનાં પાન
એય ગોકુલ તારું….

ધન્ય ધન્ય ગાય ગોપીઓ ઘેલી,હેતે રમાડ્યો ગોપાલ
જશોદાના લાલ જગના વહાલા, થાઓ ફરી મહેમાન

એય ગોકુલ તારું કેવું રે ભાગ્ય બલવાન
નારાયણ નાથ પધાર્યા તારે આંગણે થઈ મહેમાન

રમેશ પટેલ(આકાશદીપ)

ચક્રવાત

.તાજેતરમાં અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં એટલન્ટા અને જેક્શનવીલની
આસપાસ ટોર્નેડોની ચેતવણી વેધર ચેનલો પર ધમધમી ઉઠી.અંધારપટ
વૃક્ષોનું ધરાસાયી અને ઉડતાં છાપરાનાં દૃશ્યો જાણે વિનાશની આંધી.
અમારા ધરની પાછળ,તળાવ કિનારે નવજાત બચ્ચાંને લઈને
કુદરતના કોપથી અજાણ માતા ફરી રહી હતી.
અમને સૌને દૂરદર્શન ઘરના સૌથી નીચેના ભાગમાં ઈમર્જીન્સી
કીટ સાથે આશ્રય લેવા માહિતી આપી રહ્યું હ્તું….શું થશે? પણ
વ્યથાનો સારો અંત એટલે ‘ચક્રવાત’

ચક્રવાત
કલમ ઉપાડી કવિ નીકળ્યા
બસ કુદરત ખોળે રમશું
નર્તન કરતી જોઈ વનરાજી
ટહૂંકે ટહૂંકે ભમશું
જળચર પંખી સરવર ર્તીરે,
ચણ દઈ બોલાવશું
રેશમ પીંછે સ્પર્શ કરીને,
બાળા પંખી રમાડશું
મસ્ત ઘટાઓ છાયી ગગને
હરખે કવિ મસ્તાના
વાહ! કુદરત તારી કરીશ્મા
પાવન તારા શરણા
ત્યાંતો ચેતવણીના સૂરો ગૂંજ્યા
ચક્રવાત ધાયે વિકરાળા
ઉડશે છાપરા અંધારા થાશે
ધમરોળશે વિનાશના ઓળા
ભાગ્યા કવિ સૌની આગળ
અંતરિયાળ થયા કલ્પન ખટોલા
સૌની સાથે છૂપાયા ખુણે
વિચારે કેમ જીવશે પંખી રુપાળા
શરમ મૂકીને સૌને ગજબ દોડાવે તું કિરતાર
કુદરત તાંડવ આગળ દીઠા સૌને રે લાચાર
કવિ કહે ઓ નિષ્ઠુર વિધાતા
આ બાળા પંખી શું જાણે
ચેતવણીથી અમે ખૂણે ભરાણા
દિધા પંખીને ઘર ,વૃક્ષ ટોચે શું અજાણે?
સુણી સંવેદના મારી જાગ્યો ભગવંત દૂર ગગને
તાંડવ લીલા સંકેલી હાલી નીકળ્યો સાગર વાટે
ખુમારીથી કવિએ કલમ ઉપાડી
ખુશ થયા ટોર્નેડોને ભગાડી
ધીરે ધીરે છાયાં ગગને મસ્ત ઘટાથી વાદળ
બાળા પંખી નાનાં બે ઘૂમતાં કેવાં માની પાછળ

રમેશ પટેલ(આકાશદીપ)

આ વગડાનો છોડ

આ વગડાનો છોડ
ગૃહ મંદિરે ફૂલ છાબ ધરીને,બેઠો પ્રભુને દ્વાર
વંદુ ચરણે પુષ્પ સમર્પી,હરખે અંતર અપાર
પ્રસન્ન ચીત્તે ભાવ ભરીને, થઈ ગર્વિલો ગાઉં
ધૂપ દીપથી મંગલ શક્તિને, કેવો હું વધાવું

જોડાયા તારને થયો ઝણઝણાટ ,અંતરયામી બોલ્યો
ભક્ત મારા જા, પૂછ છોડને,કેમકરી ખીલવ્યાં ફૂલો?

ખૂલ્લા દેહે ઝીલ્યાં છોડવે, બહું થંડી બહું તાપ
ત્રિવિધ તાપે તપિયાં ત્યારે,આ ફૂલડાં આવ્યાં પાસ

બોલ હવે મોટો તું છે કે આ વગડાનો છોડ?
ને હાથ જોડી હું શરમાયો, સુણી પ્રભુનો તોડ

જય જવાન જય કિસાનને આજ વંદતો દાસ
મહેંકાવી જીવનચર્યાથી જઈશ પ્રભુની પાસ

દિધી દાતાએ શક્તિ તનમને, ઉપકારી બડભાગી
ધરી નિઃસ્વાર્થ શ્રમ સુગંધ ,થાશું પ્રભુ ચરણે યશભાગી

રમેશ પટેલ(આકાશદીપ)

ગુજરાતી છોગાળા

ગુજરાતી છોગાળા
અમે તમારા તમે અમારા
વિશ્વે રમીએ થઈ રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
દીધું દાતાએ ભરી તિજોરી
હરખે કરીએ મહેમાન નવાજી
વહે દાન પૂણ્યની ધારા
છીએ અમે ભાઈ ગુજરાર્તી છોગાળા
રાષ્ટ્ર પ્રેમથી ધરણી છલકે
વલ્લભ ગાંધી વદતાં મલકે
સિંહની ધરણીના અમે લાલા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
પૂણ્ય ભુમિ સુખ દુખના સંગાથી

સપ્ત સમંદર સવારી અમારી

આયખે સાહસના સથવારા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા
ધરતી મેઘના મિલન મધુરાં
એવા સ્નેહના બંધન અમારા
ફતેહના ડંકા સદાએ દેતા
જન્મ ભૂમિના રતન રુપાળા
છીએ અમે ભાઈ ગુજરાતી છોગાળા

રમેશ પટેલ(આકાશદીપ)

શ્રાવણી પૂનમ

શ્રાવણી પૂનમે હસતા ઉપવન
સ્નેહ સુમનથી મહેંકે આંગણ
આંખ ધરે પ્રેમ મોતીના થાળા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ફૂલ હસે ને હસે બહેનડી
તારા હસે ને હસે ભાઈલો
સ્નેહે છલક્યા સરોવર સારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ઝરમર વરસે મેઘ આભલે
બહેનનાં હૈયાં હરખે હેતે
મીલન મધુરાં મોંઘાં ભાળ્યાં
કે આજ ખીલ્યાં પૂનમનાં અજવાળા
રેશમનો દોરો સ્નેહનો ગોટો
ભાલે તીલક કરી હેતે બાંધ્યો
આરતી કરે સ્નેહ ફૂવારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
ખોલ રે મુખ, ઓ મારા ફૂલ
આશીષ પ્રસાદે ઓવારું સુખ
જુગજુગ જીવજો ભાઈલા મારા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા
મંગલ જોડી ભાઈ બહેનની
વીરો પૂરસે આશડી તારી
છલકાવું અમર પ્રેમના પ્યાલા
કે આજ ખીલ્યા પૂનમના અજવાળા

રમેશ પટેલ ‘આકાશદીપ’

તરુ આપણું સહિયારું

તરુ આપણું સહિયારું
ડાળે બેસી પંખી ટહૂંક્યું
ધરતી તારી ગગન અમારું
પણ ભલું તરુ આપણું સહિયારું

ફરફર ફરકે પર્ણ સજીલાં
છેડંત અનીલ ગીત મજાંનાં
શોભે રતુંબલ લઈ હીંચોળાં
ભૂલશું કહેવાનું ભલા મારુંતારું
મહાદાતા તરુ આપણું સહિયારું

અમ વનપંખીનો આશરો મોટો
બાંધ હવેલી,તું મળે ના જોટો
ભરી હરખ, ગહે સંતાનો પલશું
લીલુંડું નવલું અનઘ રુપાળું
માવતર તરુ આપણું સહિયારું

ૠતુઋતુ ના કામણ ખીલતા
ખાટા મીઠા ફળો મ્હેંકતા
આવ નીરખ મંગલ રુંપાળું
અર્પે વિસામો કરુણાથી છલકતું
અન્નકૂટ તરુ આપણું સહિયારું

ગગન ગોખથી વહેતી ધારા
લીલાછમ હરખે ડુંગર ક્યારા
શોભંત વનમાળે રુપલું સુંવાળું
સવાયા સંતસા ધરે નઝરાણું
જગદાધાર તરુ આપણું સહિયારું

રમેશ પટેલ(આકાશદીપ)

યશવંતી ગુજરાત

GUJગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન , ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત ,શોભે યશચંદ્ર તવ ભાલ
જનમ્યા ગુર્જર દેશ ,સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડ્મે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત ,તવ ચરણે મલ્યો અવતાર
રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવન દીપને, જગત જનની નો સાથ
ધરતી મારી કુબેર ભંડારી,ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ
રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહિસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત,ધન્ય ધન્ય ગુર્જરી માત
પાવન તીર્થ ,તીર્થંકરની કરુણા,અર્પે ગ્યાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે,જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે,સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર ,ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત , શોભે યશચંદ્ર તવ ભાલ
ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગિરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત,આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)

રમેશ પટેલ(આકાશદીપ)

રંગોની વણઝાર

રંગમાં રમીએ રંગે રમીએ, લઈ રંગીલી આશ

સાત રંગોને પરોઢ્રે પાથરી,ઉષા સજાવે આકાશ

રંગ માં રંગ ભળે ને હાલે,રંગોની વણઝાર

રંગ રંગોળી સુંદર મજાની, દે મીઠા આવકાર

પૂરે પ્રેમથી પ્રભુ પુષ્પે , પ્યારા રેશમીયા રંગ

વેણી ગજરા સુગંધી ગુલદસ્તાએ, હરખે મનને અંગ

રંગીલા ઉત્સવ મલકી આંગણીયે,છલકાવે રંગ ગુલાલ

પંચરંગી પોષાકે પ્રગટે, નયન નીતરતા વ્હાલ

લાલ લગાડે પીળાની માયા, નારંગી થઈ છાયે

વાદળી વરસાવે વહાલ પીળા પર, ધરતી લીલુડી ગાયે

શ્યામલ રંગ હસતો કહેતો,જોજો લાગે ના કોઈ દાગ

શ્વેત રંગે શોભા ઝીલજો , દઈ શાન્તી પૈગામ

જળ જેવા થઈ નીત ઝીલીએ સૃષ્ટિના સર્વે રંગ

મેઘ ધનુષ્યના રંગો માણી દઈએ દુનિયાને ઉમંગ

રમેશ પટેલ(આકાશદીપ)

મમતાના મોલ

અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર

જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર

નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી,એના અંતરે સ્નેહની સુગંધ

સાંભળી કંઠે હાલરડાંના બોલ,ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ

સાગર સરીખાં માનાં હેતડાં,જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ

સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં,માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ

ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ

જાણે રમે ચાંદની છોડી ગગન,એવા માના છે શીતળ રુપરંગ

માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ

માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ

કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ

માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ

સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ્

મા જશોદાને ખોળે ભૂલ્યોતો શામળો, વૈકુંઠના વૈભવના તોલ

રમેશ પટેલ(આકાશદીપ)

%d bloggers like this: