છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,

અમે રસ લેવા માંડ્યો જે ઘડીથી એક છોરીમાં,
નથી પડતો હવે ઇન્ટરેસ્ટ પેટીસમાં કચોરીમાં.

પ્રિયે, એવી મને તું પ્રેમરસથી ભરી ભરી લાગી,
કદી ચટણીપુરી લાગી, કદી પાણીપુરી લાગી.

થતી તુજ વાત ને તેમાં ય તારા રૂપની ચર્ચા,
જાણે ગરમાગરમ ભજીયા અને હો સાથમાં મરચા.

અમારો તે છતાં ના થઈ શક્યો મનમેળ તારી સાથ,
નકામી ગઈ જે રોજેરોજ ખાધી ભેળ તારી સાથ.

હવે મનમાં છવાયો એ રીતે આલમ હતાશાનો,
હું પેંડા ખાઉં છું તો સ્વાદ આવે છે પતાસાનો.

અમે સાથે અમારી કમનસીબી લઈ મરી જાશું,
કફનમાં ફાફડા સાથે જલેબી લઈ મરી જાશું.

– ડો. રઇશ મનીઆર

નથી એ વાત કે મેં શક્યતાઓ નાણી નથી

નથી એ વાત કે મેં શક્યતાઓ નાણી નથી
વ્યથાઓ એવી ઘણી છે કે જેને વાણી નથી

નથી થયો હજુ અહેસાસ એવાં દુઃખ છે ઘણાં
ઘણી ખુશીઓ મળી છે, છતાંય માણી નથી

ક્ષણોને ઊજવી લેવાય એ જરૂરી છે
ક્ષણોથી ભિન્ન બીજી કોઈ ઉજાણી નથી

દિવસ તો આવ્યો છે સંગ્રામ થઈ ફરી એકવાર
ને રાબેતા મુજબ તલવાર મેંય તાણી નથી

એ એકએક કરી આવરણ હટાવે છે
હજુ સુધી મેં ગઝલને પૂરી પિછાણી નથી

– રઈશ મનીઆર

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

– રઈશ મનીઆર

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે

લોકો મળે નહીં અને બસ આબરૂ મળે

ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર

ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે

હું તું – હતા ને સામે તો સેના ઊભી હતી

કેવો હતો  સમય અને  કેવી ઘડી હતી ?

માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો

             તારો જ રથ હતો અને  આ આંગળી હતી              

રઈશ મણિયાર 

પોત જ હું ગમાર હતો, કોણ માનશે?

પોત જ હું ગમાર હતો, કોણ માનશે?
એનો તો બહુ વિચાર હતો, કોણ માનશે?

ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલનો એ પ્રહાર હતો, કોણ માનશે?

લિપસ્ટિક ને લાલીઓ મહીં વપરાઈ જે ગયો,
મારો પૂરો પગાર હતો, કોણ માનશે?

જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
સળિયો એ ધારદાર હતો કોણ માનશે?

 -રઈશ મનીઆર

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે ;
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળાગાવી મૂકે સઘળું,
વ્યથાનાં વાદળો વાતાવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણાને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે.

– રઇશ મણિયાર

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

ઘણું છોડી પછી થોડાની સાથે જીવવાનું છે,

ઘણું  છોડી  પછી થોડાની  સાથે   જીવવાનું   છે,
ફગાવી દે વજન નૌકાની   સાથે   જીવવાનું   છે.

વિકટ જ્યાં એક પળ પોતાની સાથે જીવવાનું  છે,
જીવનભર ત્યાં સતત બીજાની સાથે જીવવાનું છે.

દિવસનો  બોજો  લઈ રાતે સૂવાનો ડોળ કરવાનો,
ઊઠી, આખો દિવસ, શમણાંની સાથે જીવવાનુંછે.

બધાએ    પોતપોતાની  જ  બારીમાંથી  દેખાતા,
ભૂરા આકાશના    ટૂકડાની    સાથે જીવવાનું  છે.

જીવનના ચક્રને   તાગી   શકે તું પણ સરલતાથી,
તલાશી  કેન્દ્રને, ત્રિજ્યાની  સાથે   જીવવાનું  છે.

તું સાચું બોલજે, ઈશ્વર! તને શ્રદ્ધાછે માણસ પર?
ને   માણસજાતને   શ્રદ્ધા   સાથે   જીવવાનું  છે.

ડૉ. રઈશ મનીઆર

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

–  રઈશ મનીઆર

નિહાળું હું કદી ચહેરા સતત,

નિહાળું હું કદી ચહેરા સતત,
ને મને દેખાય છે ડાઘા સતત.
હાથથી રેતી ખરી તો જાણ થઇ,
હાથમાં વહેતા નથી દરિયા સતત.
પંખી માટે જિંદગીભર ઝૂરનાર…
સાંભળી શકતા નથી ટહુકા સતત.
માણસોને હું મળી શકતો નથી,
રોકી રાખે છે આ પડછાયા સતત.
દાવ સંકેલી ઊઠે તું, એ પછી ય –
જિંદગી તો ફેંકશે પાસા સતત.
મૌનમાં ડૂબી રહ્યો છું દમ-બ-દમ,
શબ્દના નીકળે છે પરપોટા સતત.

– રઇશ મનીઆર

સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે

સંગેમરમરનો નહીં આજ મલાજો તૂટે
આ કલમ મૌન થશે શિલ્પ જરા જો તૂટે

રસ્મ તૂટે કે ભલે રીત રિવાજો તૂટે
તૂટે માણસ ન કદી, ચાહે સમાજો તૂટે

ચાલ એવી કોઈ સરહદમાં પ્રવેશી જઈએ
જ્યાં પ્રકાશો ન તૂટે, જ્યાં ન અવાજો તૂટે

હા, હવે બેઉને બસ એ જ ઘડીની તૃષ્ણા
તારી દિલેરી તૂટે, મારો તકાજો તૂટે.

શબ્દ બસ લાકડાની જેમ તણાઈ આવ્યા
લોહીમાં દર્દભર્યાં રોજ જહાજો તૂટે

એક માણસથી ‘રઈશ’ કેટલા શેરો નીપજે ?
એક જીવતરમાં ‘રઈશ’ કેટલી સાંજો તૂટે ?

– રઈશ મનીઆર

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?

મને ભાવની હો તલાશ તો પછી ભવ્યતાનું હું શું કરું ?
ઊભું સત્ય આવીને બારણે હવે માન્યતાનું હું શું કરું ?

હું અલગ રહું, તું અલગ રહે, એ વિશાળતાનું હું શું કરું ?
જવું એકમેકમાં ઓગળી હવે ભિન્નતાનું હું શું કરું ?

જે જહાજ પાર ઉતારશે એ વજન વધુ ન ખમી શકે
કરી એકઠી જે મેં ઉમ્રભર હવે એ મતાનુ હું શું કરું ?

છે કમાન તારા મહાલયે કે નમ્યા વિના ન પ્રવેશ હો
હું બહાર ઊભો વિચારતો હવે ઉચ્ચતાનું હું શું કરું ?

હશે હાથ ખાલી તો લાભ છે કે શરણ મળે તો ગ્રહી શકું
ભરી હાથ જે કરી દે અપંગ એ સહાયતાનું હું શું કરું ?

મારું શ્રેય શું, મારું ધ્યેય શું ? છું હું બેખબર છે તને ખબર
તું સજાગ છે, તું સચેત છે તો સભાનતાનું હું શું કરું ?

તું કૃપા કરે છે જો મારા પર તો ઉપેક્ષા અન્યની થાય છે
કે સમાનતાનો જ્યાં ભંગ હો , એ ઉદારતાનું હું શું કરું ?

-રઈશ મનીઆર.

મત્ત છે વાતાવરણ વરસાદમાં,

મત્ત છે વાતાવરણ વરસાદમાં,
યુગ, સદી, દિવસો ને ક્ષણ વરસાદમાં.

મનને શું કરવું કઠણ વરસાદમાં ?
તું ત્યજી દે આવરણ વરસાદમાં.

કંઈ પુરાણા બંધ તૂટતા જાય છે,
કંઈ નવા ફૂટે ઝરણ વરસાદમાં.

ઉચ્ચતા ખુદની ત્યજીને આખરે,
નભ ધરાનું લ્યે શરણ વરસાદમાં.

મન કરે તો મન મૂકી ભીંજાઈ જા,
આમ ટીપાંઓ ન ગણ વરસાદમાં !

હું ઉકેલું છું આ વાદળની લિપિ,
ના ! નથી રહેવું અભણ વરસાદમાં.

લ્યો, ફરીથી આ વખત પણ જઈ મળ્યાં-
અશ્રુબિંદુ બે કે ત્રણ વરસાદમાં.

મેઘ મૂશળધાર અંદર ને બહાર,
યાદ આવે એક જણ વરસાદમાં.

– રઈશ મનીઆર

તને ગીત દઉં કે ગુલાબ, દઈ દે આજે મને તું જવાબ.

તને ગીત દઉં કે ગુલાબ, દઈ દે આજે મને તું જવાબ.

કંઠમાં ફસાયેલી લાગણીને સંભાળી
ટહુકો બનાવીને આપું,
ઊડું ઊડું થાય છે જે આંખોમાં
એની પાંખો બનાવીને આપું..

ઘૂંટવું હો નામ તારે કોરાં એક પાનાં પર,
આપી દઉં દિલની કિતાબ,
દઈ દે આજે મને તું જવાબ..

સદીઓ લાગી છે મને હોઠ ઉપર લાવવામાં,
એવો પૂછું છું સવાલ,
મારા ખયાલ બાબત તારો ખયાલ શું છે?
કહેવામાં થાય નહીં કાલ..

આજે ને આજે મને, ન્યાલ કર મીઠું હસી,
કહે છે તું તો છે હાજર જવાબ,
દઈ દે આજે મને તું જવાબ..

તને ગીત દઉં કે ગુલાબ,
દઈ દે આજે મને તું જવાબ

– રઈશ મનીયાર

જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે-રઈશ મનીઆર

જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘

સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે 

-રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,-રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

માત્ર ત્રણ અક્ષર છે તું, ઈશ્વર છે તું;

માત્ર ત્રણ અક્ષર છે તું, ઈશ્વર છે તું;
લાગણીથી પર છે તું, ઈશ્વર છે તું.

ઘર મને, ભીંતો મને, સગપણ મને;
મુક્ત છે, બેઘર છે તું, ઈશ્વર છે તું.

પ્રશ્ન છું, કૂટપ્રશ્ન છું, માણસ છું હું;
ક્યાં કોઈ ઉત્તર છે તું ? ઈશ્વર છે તું.

હું જ નર્તન છું અનાદિ ને અનંત,
માત્ર એક ઝાંઝર છે તું, ઈશ્વર છે તું.

પગ મૂકી તો જો ધરા પર એકવાર !
ક્યાં હજી પગભર છે તું ? ઈશ્વર છે તું.

સ્વસ્થ હું હોઉં તો તું હોતો નથી,
ને ક્વચિત્ કળતર છે તું, ઈશ્વર છે તું.

– રઇશ મનીઆર

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા

હું ને ચંદુ છાનામાના કાતરીયામાં પેઠા
લેસન પડતું મુકી ફિલમ ફિલમ રમવા બેઠા

મમ્મી પાસે દોરી માંગી પપ્પાની લઇ લુંગી
પડદો બાંધી અમે બનાવી ફિલમ એની મુંગી

દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધા કાચ
એનાથી ચાંદરડા પાડ્યા પડદા ઉપર પાંચ

ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું
હું ફિલમ પાડુ ત્યારે જોવા આવે છે ચંદુ

કાતરીયામાં છુપાઇને બેઠી તી બિલ્લી એક
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક

ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી
બિક લાગતા ચંદુડીયાએ બુમાબુમ ચગાવી

 ઓ મા… ઓ મા……

દોડમ દોડ ઉપર આવી પહોચ્યા મમ્મી પપ્પા
ચંદુડીયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા

– રમેશ પારેખ


એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે

ને પછી ભરતો રહયો’તો હોટેલોનાં બિલ, હજુયે યાદ છે 

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે 

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે 

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે 

-રઈશ મનીયાર

%d bloggers like this: