દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તા કાલ અહીં,
સૈયરના દાવ ન’તા ઊતર્યા;

સૈયરનાપકડીને હાથ ફર્યા ફેર-ફેર -ફેર
હજી એય ન’તા ઊતર્યા;

આમ પાનેતર પહેર્યુને ઘૂંઘટમાં ડોકાયું જોબનનું
થનગનતું ગાન !

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;

કુંવારા દિવસોએ ચોરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં !

પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતુ
ચોરી ગયું રે કોક ભાન !

પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

માધવ રામાનુજ

એક એવું ઘર મળે આ વિશ્વમાં

એક એવું ઘર મળે આ વિશ્વમાં
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું
એક એવું આંગણું કે જ્યાં મને
કોઈ પણ કારણ વગર શૈશવ મળે !

એક બસ એક જ મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
’કેમ છો?’ એવુંય ના કહેવું પડે
સાથ એવો પંથમાં ભવ ભવ મળે !

એક એવી હોય મહેફિલ જ્યાં મને
કોઈ બોલાવે નહિ ને જઈ શકું !
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે
પાનખરના આગમનને રવ મળે !

તોય તે ના રંજ કૈં મનમાં રહે-
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે…..

– માધવ રામાનુજ

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,-માધવ રામાનુજ

એકવાર યમુનામાં આવ્યું’તુ પૂર,
મથુરાથી એકવાર માથે મુકીને કોઈ લાવ્યું’તું વાંસળીના સૂર…

પાણી તો ધસમસતા વહેતા રહે ને એમ ગોકુળમાં વહેતી થઈ વાતો;
એમ કોઈ પૂછે તો કહી ના શકાય અને એમ કોઈ ભવભવનો નાતો,
ફળિયામાં, શેરીમાં, પનઘટ કે હૈયામાં, બાજી રહ્યા છે નુપૂર… એકવાર યમુનામાં…

ઝુકેલી ડાળી પર ઝુક્યું છે આભ કંઈ, જોવામાં થાય નહીં ભૂલ;
એવું કદંબવૃક્ષ મહેંકે છે ડાળી પર, વસ્ત્રો હશે કે હશે ફૂલ,
પાણી પર અજવાળું તરતું રહે ને એમ, આંખોમાં ઝલમલતું નૂર… એકવાર યમુનામાં…

કાંઠો તો યમુનાનો, પૂનમ ગોકુળીયાની, વેણ એક વાંસળીના વેણ;
મારગ તો મથુરાનો, પીંછુ તો મોરપિચ્છ, નેણ એક રાધાના નેણ,
એવા તો કેવા ક’હેણ તમે આવ્યા કે લઈ ચાલ્યા દૂર દૂર દૂર… એકવાર યમુનામાં…

– માધવ રામાનુજ           

%d bloggers like this: