જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,-મન્સુર કિસ્મત કુરેશી

જીવન મારું મહેકેં તો મને અત્તર ન માની લે,
નિહાળી મારું મન મોટું મને સાગર ન માની લે.

હંમેશા ફૂલ જેવા થઈ નથી જિવાતું આ જગતમાં,
સખત બનવું પડે છે મારે તો તું પથ્થર ન માની લે.

તમારી પારખું દ્રષ્ટીનું પણ છે પારખું આજે,
હું પાણીદાર મોતી છું, મને કંકર ન માની લે.

કર્યુ છે ડોકીયું તેં કયાં કદી મુજ શ્યામ ભીતરમાં?
હું જો દેખાવું સુંદર તો મને સુંદર ન માની લે.

જે હૈયે હોય છે તેને ન હોઠે આવવા દઉં છું,
મધુર મારા વચનને, તારો તું આદર ન માની લે.

કહ્યું માનું છું ડાહ્યાનું – વખત વરતીને ચાલું છું,
જો બેસું સમસમીને તો મને કાયર ન માની લે.

જનમ સાથે જ જગને કાજ હું પેગામ લાવ્યો છું,
છતાં એ વાત પરથી મુજને પેગમ્બર ન માની લે.

કૃપાથી એની, ધારું તો હું જ ‘કિસ્મત’ ને વાંચી દઉં,
પરંતુ ડર છે મુજને ક્યાંક તું ઈશ્વર ન માની લે.

આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,

આંખોના દ્વાર ખોલીને શમણા સુધી ગયા,
હોવા પણાનો ડર લઈ, ઘટના સુધી ગયા.

એમાં નવાઈ શું , જો નિરાશાઓ સાંપડે!
મીઠપની આશે કાં , અમે દરિયા સુધી ગયા?

પાગલપણાથી પર હશે ના, એની જિંદગી
ઈચ્છા જે ફૂલની લઈ સહરા સુધી ગયા?

મરવાની ઈચ્છા એટલે ‘મન્સુર’ ફળી નહીં
ડૂબી જવાની આશ લઈ, તરણા સુધી ગયા.

-મન્સુર કિસ્મત કુરેશી

ફૂલોની હાજરી નથી ને મઘમઘાટ છે,

ફૂલોની હાજરી નથી ને મઘમઘાટ છે,
એના મકાન પાસે પવન સડસડાટ છે.

રાખી લીધી છે એમણે ઉત્સવની આબરૂ,
યૌવનના આંગણામાં બધે તરવરાટ છે.

પાગલપણાનો બોજ ઉપાડીને ચાલું છું,
જોનાર સૌનું હાસ્ય કેવું ખડખડાટ છે!

મેદાને જંગ તો હવે ભૂતકાળ થઇ ગયો,
અશ્વોનો શાને તો ય હજી હણહણાટ છે?

કોલાહલોથી એમ છે ભરપૂર આ જગત,
મધમાખીઓનો જાણે બધે ગણગણાટ છે.

-મન્સૂર કુરેશી

%d bloggers like this: