સાદ પાડી તને હું બોલાવું

સાદ પાડી તને હું બોલાવું
એટલી ક્યાંથી દૂરતા લાવું ?

બેઉનું એક હોય સરનામું
તું અહીં આવ કે હું ત્યાં આવું !

આ હથેળી ઉપરથી વાંચી દે
કઈ દિશામાં હું હાથ લંબાવું ?

એક વ્યક્તિ હવે નદી થઈ ગઈ
માર્ગમાં એને કેમ અટકાવું ?

તારી સમજણની હદમાં ઊભો છું
હું તને શું નવીન સમજાવું ?

-ભરત વિંઝુડા

તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં

તારી સુંદરતાને કોઈ ડાઘ લાગી જાય નહીં
તું બહુ માસુમ મુલાયમ છે, તને સ્પર્શાય નહીં !

તું નજીક આવી અને બોલે કે કંઈ બોલાય નહીં
અર્થ એનો એ જ છે કે વાત પૂરી થાય નહીં !

કોઈ આવીને પૂછે કે શું થયું તો શું કહું
જે તને સમજાય છે એ કોઈને સમજાય નહીં !

આવ, કોઈ ઘર બનાવીને રહીએ કે અહીં
પંખીઓ માળો કરે છે તે વિષય ચર્ચાય નહીં !

વાહનો ટકરાય છે તે માર્ગ ઉપર માણસો
આવ જા કરતાં રહે પણ એ રીતે અથડાય નહીં !

પળ પછી પળ, દિન પછી દિન વીતતાં હોવાં છતાં
આપણી પાસે નથી ને આ સમય જીવાય નહીં !

– ભરત વિંઝુડા

શર્ટમાં કાચ જેવો સીનો છે

શર્ટમાં કાચ જેવો સીનો છે
સામે ઊભો તે જણ કમીનો છે !

થઇ જવાયું છે માત્ર કેલેંડર
આયખું સાલ કે મહિનો છે !

કંઇકની આંખમાં છે આંસુઓ
કંઇક ચહેરા ઉપર પસીનો છે !

છાતી વચ્ચે રડ્યાં કરે છે એ
એથી એનો અવાજ ભીનો છે !

– ભરત વિંઝુડા

કાચની જેમ આરપાર હતો

કાચની જેમ આરપાર હતો
તો ય સૌની સમજ બહાર હતો !

માત્ર હૈયું ચિરાતું લાગે છે
એમ અંદરથી ધારદાર હતો !

દૂર લગ કોઇ પણ ન દેખાતું
એમ હું એકલો અપાર હતો !

સ્વપ્નને બારીકાઇથી જોતાં
ઊંઘમાં આવતો વિચાર હતો !

આંખમાંથી દડી પડ્યા પહાડો
કેટલો આંસુઓનો ભાર હતો !

– ભરત વિંઝુડા

એકબીજામાં વાદળ ભળે એ રીતે

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

આવનારા ખયાલની વાતો

આવનારા  ખયાલની વાતો
તેં કરી કંઇ  કમાલની વાતો !
 તું સરી જાય  ભૂતકાળ તરફ
હું  કરું  છું જો હાલની વાતો !

 આજ પણ યાદ આવી જાય મને
એવી  મીઠી  છે  કાલની વાતો !

હું  તને  પૂછતો  રહ્યો જે  કંઇ
તેં   કરી  એ  સવાલની વાતો !

તારા મનમાં ને મારા ખિસ્સામાં
રહી  ગઇ  છે  રૂમાલની વાતો !

– ભરત વિંઝુડા

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

– ભરત વિંઝુડા

પાન લીલાં ઊગે છે ને પીળાં ખરે,

પાન લીલાં ઊગે છે ને પીળાં ખરે,
ઝાડમાં ઝાડ જન્મ્યાં કરે ને મરે !

પગથી માથા સુધી હું સળગતો રહું,
ને તને જોઉં તો માત્ર આંખો ઠરે !

એકબીજાના વક્તા ને શ્રોતા બને,
ચાંચ પર ચાંચ મૂકીને વાતો કરે !

મીણ જેવાં છીએ એ જ ભૂલી ગયાં,
એમ ભેટ્યાં કે છૂટ્યાં નહીં આખરે !

શીખવી છે કળા કોઈ એવી હવે,
જીવતાં થાય બે પંખી એક કાંકરે !

-ભરત વિંઝુડા

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,
વચ્ચે કદી સમસ્ત પ્રજાની ગઝલ કહે.

એક ખાસ જણ મળે તો પછી એના કાનમાં,
બસ સાંભળે તે એમ મજાની ગઝલ કહે.

જાણે કે ઓગળી જ ગયો છે હવા મહીં,
તે જણ જડે તો કેવી દશાની ગઝલ કહે.

કોઈ નથી બીમાર બધા ખુશખુશાલ છે,
ત્યારે ફકીર કેમ દુઆની ગઝલ કહે.

વાદળની વાત છે કે તારી ઝુલ્ફની,
જો દિલ વરસતી કાળી ઘટાની ગઝલ કહે.

માણસ છે શ્વાસ લઈને સતત જીવતો રહે,
એથી સુગંધની ને હવાની ગઝલ કહે.

ભરત વિંઝુડા

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,
વચ્ચે કદી સમસ્ત પ્રજાની ગઝલ કહે.

એક ખાસ જણ મળે તો પછી એના કાનમાં,
બસ સાંભળે તે એમ મજાની ગઝલ કહે.

જાણે કે ઓગળી જ ગયો છે હવા મહીં,
તે જણ જડે તો કેવી દશાની ગઝલ કહે.

કોઈ નથી બીમાર બધા ખુશખુશાલ છે,
ત્યારે ફકીર કેમ દુઆની ગઝલ કહે.

વાદળની વાત છે કે તારી ઝુલ્ફની,
જો દિલ વરસતી કાળી ઘટાની ગઝલ કહે.

માણસ છે શ્વાસ લઈને સતત જીવતો રહે,
એથી સુગંધની ને હવાની ગઝલ કહે.

ભરત વિંઝુડા

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,

ખુદની કહે કદીક ખુદાની ગઝલ કહે,
વચ્ચે કદી સમસ્ત પ્રજાની ગઝલ કહે.

એક ખાસ જણ મળે તો પછી એના કાનમાં,
બસ સાંભળે તે એમ મજાની ગઝલ કહે.

જાણે કે ઓગળી જ ગયો છે હવા મહીં,
તે જણ જડે તો કેવી દશાની ગઝલ કહે.

કોઈ નથી બીમાર બધા ખુશખુશાલ છે,
ત્યારે ફકીર કેમ દુઆની ગઝલ કહે.

વાદળની વાત છે કે તારી ઝુલ્ફની,
જો દિલ વરસતી કાળી ઘટાની ગઝલ કહે.

માણસ છે શ્વાસ લઈને સતત જીવતો રહે,
એથી સુગંધની ને હવાની ગઝલ કહે.

ભરત વિંઝુડા

%d bloggers like this: