અજવાળું ખભ્ભે નાખીને ફાનસ ભાગે,

અજવાળું ખભ્ભે નાખીને ફાનસ ભાગે,
મૃત્યુના ચશ્મા પ્હેરીને માણસ ભાગે !

શૂન્યોના સરવાળા કરતા રાત પડે છે ,
દીવો સળગવા બેસો ત્યાં બાકસ ભાગે !

દિગંતોની વાટ પકડવા સંધ્યાટાણે,
ઢળતા સૂરજનું ઓઠું લઇ સારસ ભાગે !

એક ફરાળી શમણું વ્હેંચી દો મંદિરે
કોરા ઉપવાસીઓની અગિયારસ ભાગે !

સારા – નરસાનાં લેખાંજોખાં કયાં સુધી ?
સંસ્કૃતિની ખંડણી ભરતા વારસ ભાગે !

એની સામે બાળક જેવા થઇ જાઓ તો,
તીણા તીણા પોકાર કરી રાક્ષસ ભાગે !

– ભરત પટેલ

અંધારનો ગઢ જીતવા અજવાળું કયાં સુધી જશે ?

અંધારનો ગઢ જીતવા અજવાળું કયાં સુધી જશે ?
આ દેહનું લઇ ભાન મન પાંખાળું કયાં સુધી જશે ?

દરિયા ગયા છે દુઃખ પ્રગટ કરવા હરણના મોત પર ,
વ્હેતી નદીને પૂછ જળ ખડકાળું કયાં સુધી જશે ?

નિજ કેન્દ્રમાં રાખી મને રાખે સતત એ તાણમાં ,
આઠે પ્રહર વિસ્તરતું આ કુંડાળું કયાં સુધી જશે ?

મેં કોતરી લીધી છબી એની હવામાં હૂબહૂ ,
રંગો ભરલું આવરણ સુવાળું કયાં સુધી જશે ?

ઊંચા શિખર ઊંચી ધજા ઊંચા પ્રભુજી ઓટલા ,
દીવો હથેળીમાં ધરી શ્રદ્ધાળું કયાં સુધી જશે ?

– ભરત પટેલ

%d bloggers like this: