નાગર નંદજીના લાલ ! – નરસિંહ મહેતા

નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !

કા’નાને માખણ ભાવે રે

કા’નાને માખણ ભાવે રે
કા’નાને મીસરી ભાવે રે

ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ
મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ
કા’નાને …

શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ
ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ
કા’નાને …

જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ
છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ
કા’નાને …

સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું રાય
ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવી નૈ
કા’નાને …

એક ગોપીએ જમવાનું કીધું ને થાળ લૈ ઉભી રૈ
વળતા વ્હાલો એમ વદ્યા પણ માખણ જેવા નૈ
કા’નાને …

એક ગોપીએ માખણ ધર્યુંને હાથ જોડી ઉભી રૈ
દીનાનાથ તો રીઝ્યા ત્યારે નાચ્યા થૈ થૈ થૈ
કા’નાને …

લોકગીત

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,જુજવે રુ૫ અનંત ભાસે,

દેહમાં દેવ તું,તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

૫વન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા ,વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે.

વિવિધ રચના કરી ,અનેક રસ લેવાને ,શિવ ૫છી જીવ થયો એજ આશે.અખિલ…….

વેદ તો એમ વદે,શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનકકુંડળ વિશે ભેદ ન હોય,

દ્યાટ દ્યડીયા ૫છી,નામરુ૫ જૂજવાં,અંતે તો હેમનું હેમ હોય. અખિલ..

ગ્રંથ ગરબડ કરી,વાત ન કરી ખરી ,જેહને જે ગમે તેને પૂજે,

મન કર્મ વચનથી ,આ૫ માની લહે,સત્ય છે એજ મન એમ સૂજે. અખિલ……

વૃક્ષ માં બીજ તું ,બીજમાં વૃક્ષ તું ,જોઉં ૫ટંતરો એજ પાસે,

ભણે નરર્સૈયો જે ,ભેદ જાણી જુઓ ,પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે.  અખિલ……

નરસિંહ મહેતા

મંગલ મંદિર ખોલો, દયામય !

મંગલ  મંદિર  ખોલો, દયામય !
મંગલ  મંદિર  ખોલો,

જીવનવન અતિ વેગે વટાવ્યું
દ્વાર  ઊભો  શિશુ  ભોળો ;
તિમિર  ગયું  ને  જ્યોતિ  પ્રકાશ્યો,
શિશુને  ઉરમાં  લો,  લો, દયામય !

નામ  મધુર  તમ  રટ્યો  નિરંતર
શિશુસહ  પ્રેમે  બોલો ;
દિવ્ય  તૃષાતુર  આવ્યો  બાલક,
પ્રેમ – અમીરસ  ઢોળો, દયામય !

મંગલ મંદિર ખોલો !

 – નરસિંહરાવ દિવેટિયા

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી

મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી
મારુ મનડું છે ગોકુળ વનરાવન
મારા તનના આંગણિયામાં તુલસીનાં વન
મારા પ્રાણ જીવન….મારા ઘટમાં.

મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી
મારી આંખો દીસે ગિરિધારી રે ધારી
મારુ તન મન ગયું છે જેને વારી રે વારી
હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં.

હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા
મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન
મારું મોહી લીધું મન…..મારા ઘટમાં.

હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું
હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું
મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું
જીવન સફળ કર્યું … મારા ઘટમાં.

મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો
મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો
મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો
હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં.

આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે
વારે વારે માનવદેહ ફરી ન મળે
ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે
મને મોહન મળે … મારા ઘટમાં.

મારી અંત સમય કેરી સુણો રે અરજી
લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી
મને તેડાં રે યમ કેરાં કદી ન આવે
મારો નાથ તેડાવે … મારા ઘટમાં

હરિ વસે છે હરિના જનમાં,

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ..

મીરાંબાઈ      

હરિને ભજતાં

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…

ગેમલ

હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,

હો મહાકાળી, તું પાવાવાળી, તું વહેલી પધારજે,
મારા ભોજનીયા જમવાને વહેલી આવજે…
મહાકાળી, તું પાવાવાળી…

ખાજા કરીને જલેબી-પુરી છે, માતાજી ઓ માતાજી !
બરફી, પેંડા ને હલવો મેસુર છે, માતાજી ઓ માતાજી !
બાજઠ મુકી… બાજઠ મુકી થાળી કીધી જળ જમનાનાં લાવી…
મહાકાળી, તું પાવાવાળી…

કંસાર ઘીની વેઠમી બનાવી, માતાજી ઓ માતાજી !
દાળભાત શાક રસ રોટલી બનાવી, માતાજી ઓ માતાજી !
ચટણી પાપડ… ચટણી પાપડ લીંબુ અથાણા- જે જોઈએ તે લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

પકવાન પુરી ને દહીંતરા શ્રીખંડ છે, માતાજી ઓ માતાજી !
પાતરા કચોરીને ભજીયા ગરમ છે, માતાજી ઓ માતાજી !
દહીંને ભાંગી… દહીંને ભાંગી છાશ બનાવી ફડકો મારી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

ચોસઠ પાનનાં બીડલાં બનાવ્યાં, માતાજી ઓ માતાજી !
લવિંગ સોપારી ને એલચી મંગાવ્યાં, માતાજી ઓ માતાજી !
અત્તર ખુશ્બુ… અત્તર ખુશ્બુ તેલ સુગંધી રૂમાલ માંગી લેજો…
મહાકાળી, તું પાવાવાળી…

દાસ દલપત તારો થાળ ધરાવે, માતાજી ઓ માતાજી !
દાસ દલપત તારો થાળ ગવડાવે, માતાજી ઓ માતાજી !
ભાવે જમજો… ભાવે જમજો ગરબે રમજો ભૂલની માફી દેજો…
મહાકાળી, તું પાવાવાળી…

-દલપત પઢિયાર

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. -મારો૦

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું -મારો૦

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં-મારો૦

-મીરાંબાઈ

રંગાઇ જાને રંગમાં…..

રંગાઇ જાને રંગમાં…..
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં…..રંગાઇ…..

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં…..રંગાઇ…..

જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, યમનું જાણજે, જાવું પડશે સંગમાં…..રંગાઇ…..

સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં…..રંગાઇ….

ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં…..રંગાઇ…..

બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં…..રંગાઇ…..

રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં…..રંગાઇ…..

લોકગીત

હરિ, કેટલી વાર ?

હરિ, કેટલી વાર ?
ઝટ્ટ પધારો,
કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બહાર…

પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?
પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહી
ગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર… હરિ o

ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળું
સાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળું
તમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર… હરિ o

તુલસીદળ પર આંસુ મૂકી કરે વિનંતી જોશી
તમે આવતા ભવમાં મારા બનજો ને પાડોશી
સાદ પાડતાંવેંત તમે હાજર ને હું તૈયાર… હરિ o

મુકેશ જોષી

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.

આટલું તો આપજે ભગવન મને છેલ્લી ઘડી.
ના રહે માયા તણા બંધન મને છેલ્લી ઘડી.

જિંદગી આ તેં દીધી એ જીવનમાં સમજ્યો નહીં,
અંત સમયે એ રહે સમજણ મને છેલ્લી ઘડી.

જીવનભર સળગી રહ્યો સંસારના સંતાપમાં,
આપજે તું શાંતિમય નિધન મને છેલ્લી ઘડી.

મરણશૈયા પર પડી મીંચાય છેલ્લી આંખ જ્યાં,
આપજે ત્યારે પ્રભુમય મન મને છેલ્લી ઘડી.

અજ્ઞાત,

ખમ્મા, મારા નંદજીના લાલ,-નરસિંહ મહેતા

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

હું રે સૂતી’તી મારા શયનભવનમાં,
સાંભળ્યો મોરલીનો નાદ … મોરલી … ખમ્મા …

ભર રે નીંદરમાંથી ઝબકીને જાગી,
ભૂલ ઈ ગૈઅ સુધ ભાન સાન … મોરલી … ખમ્મા …

પાણીડાંની મસે જીવન જોવાને હાલી,
દીઠાં મેં નંદજીના લાલ … મોરલી … ખમ્મા …

દોણું લૈઅને ગૌ દો’વાને બેઠી,
નેતરાં લીધાં હાથ … મોરલી … ખમ્મા …

વાછરુ વરારે મેં તો છોકરાંને બાંધ્યાં
નેતરાં લૈઅને હાથ
મોરલી ક્યાં રે વગાડી?

ખમ્મા, મારા નંદજીના લાલ,
મોરલી ક્યાંરે વગાડી?

પાયોજી મેને રામ-રતન ધન પાયો

પાયોજી મેને રામ-રતન ધન પાયો

વસ્તુ અમોલીક દી મેરે સતગુરૂ,
કિરપા કર અપનાયો … પાયોજી મેને

જનમ જનમકી પુંજી પાઇ,
જગમેં સભી ખોવાયો … પાયોજી મેને

ખરચૈ ન ખુટે, વાકો ન લૂટે,
દિન દિન બઢત સવાયો … પાયોજી મેને

સતકી નાવ, ખેવટિયા સતગુરૂ,
ભવ-સાગર તર આયો … પાયોજી મેને

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
હરખ હરખ જસ ગાયો … પાયોજી મેને

– મીરાં બાઇ (

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

 – નરસિંહ મહેતા (

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ. ઘડપણ ટેક.

ઘડપણ કેણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ.                     ઘડપણ  ટેક.

ઊમરા તો ડુંગરા થયા રે, પાદર થયાં પરદેશ,
ગોળી તો ગંગા થઇ રે, અંગે ઊજળા થયા છે કેશ.                    ઘડપણ.

નહોતું જોઇતું ને શીદ આવિયું રે, નહોતી જોઇ તારી વાટ,
ઘરમાંથી હળવા થયા રે, એની ખૂણે ઢળાવોને ખાટ.                 ઘડપણ.

નાનપણે ભાવે લાડવા રે, ઘડપને ભાવે શેવ,
રોજ ને રોજ જોઇએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ.       ઘડપણ.

પ્રાત:કાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,
ઘરના કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય ?                ઘડપણ.

દીકરા તો જૂજવા થયા રે, વહુઓ દે છે ગાળ,
દીકરીઓને જમાઇ લઇ ગયા રે, હવે ઘડપણના શા રે હાલ.         ઘડપણ.

નવ નાડો જૂજવી પડી ને આવી પહોંચ્યો છે કાળ,
બૈરાંછોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ.                     ઘડપણ.

અંતકાળે વળી આવિયા રે, દીકરા પધાર્યા દ્વાર,
પાંસળીએથી વાંસળી રે, પછી છોડીને આપી બા’ર.                   ઘડપણ.

એવું સાંભળી પ્રભુ ભજો રે, સાંભરજો જગનાથ,
પરઉપકાર કીધે પામશે રે, ગુણ ગાય નરસૈંયો દાસ.                 ઘડપણ.

-નરસિંહ મહેતા

પિતાનો પુત્ર ને વારસો

જેક્સન બ્રાઉન નામના એક માણસે પોતાના જીવનના નીચોડમાંથી ઉમદા જીવનના પથદર્શક ઉપાયો તેના પુત્રના માર્ગદર્શન માટે સૂચવેલા, તેમના કેટલાંક મુદ્દાઓ સૌને વાંચવા-વિચારવા અને સમજવા ગમશે.

૦૧. સારાં સારાં પુસ્તકો વસાવતો રહેજે, ભલે પછી એ કદી નહિં વંચાય તેમ લાગે.
૦૨. કોઈના પણ વિશે આશા સમૂળગી ત્યજી દેતો નહિં, ચમત્કારો દરરોજ થતાંજ રહે છે.
૦૩. દરેક બાબતમાં ઉત્તમતા રાખજે અને તેની કિંમત ચૂકવવા તૈયાર રહેજે.
૦૪. આપણાંથી જે પણ સારૂં થઈ શકે તેમ હોય તો અવશ્ય કરવું, કશુંજ ન કરવું એમ ન રહેવું.
૦૫. સંપૂર્ણતા માટે નહિં પણ શ્રેષ્ઠતા માટે મથજે.
૦૬. જે તુચ્છ છે તેને પારકિ લેતા શીખજે, ને પછી તેની અવગણના કરજે.
૦૭. પોતાની જાતને સતત સુધારતા રહેવાની પ્રતિજ્ઞા કરજે.
૦૮. લોકોમાં જે સારપ રહેલી હોય તે ખોળી કાઢજે.
૦૯. પોતાની જાતમાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો આંક ઓછો ન આંકવો, બીજામાં પરિવર્તન લાવવાની આપણી શક્તિનો વધુ પડતો આંક ન આંકવો.
૧૦. ક્યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે, કયારે મૂંગા ન રહેવું તેનો પણ ખ્યાલ રાખજે.
૧૧. એવી રીતે જીવન જીવજે કે કયારેક પણ તારી ઈમાનદારી, નિષ્ઠા અને પ્રમાણિકતા સૌ સાંભરે.
૧૨. જેમને એ વાતની કદી પણ જાણ ન થવાની હોય એવા લોકો માટે કશુંક સારૂં કરતાં રહેવાની આદત કેળવજે.
૧૩. વિચારો મોટા કરજે પણ નાના આનંદો માણી જાણજે.
૧૪. કોણ સાચું છે તેની ફિકર કરવામાં ઓછો સમય ગાળજે, અને શું સાચું છે તે નક્કી કરવામાં વધારે સમય ગાળજે.
૧૫. જે ગાંઠ છૂટી શકે તેને કદાપિ કાપતો નહિં.
૧૬. દરેક ચીજ જે હાલતમાં આપણને મળી હોય તેના કરતાં જરાક સારી સ્થિતિમાં તેને મૂકતાં જવું.
૧૭. એટલું સમજજે કે સુખના આધાર માલ-મિલકત, સત્તા કે પ્રતિષ્ઠા ઉપર નહિં પણ આપણે જેમને ચાહતા અને સમજતા હોઈએ તેવા લોકો સાથેના આપણા સંબંધો ઉપર છે.
૧૮. “મને ખબર નથી” એમ કહેતા ડરતો નહિં, “મારાથી ભૂલ થઈ” એમ કહેતાં અચકાતો નહિં અને “હું દિલગીર છું” એટલું બોલતા ખચકાતો નહિં.

અજ્ઞાત

ગુજરાતીમાં પ્રશાતભાઇ શાહના બ્લોગ પોસ્ટંમાંથી

વિણેલા મોતી:-

વિણેલા મોતી:-

પોતાનું “મકાન” ઉભું કરવા માટે…… ઇંટ, રેતી, સીમેંન્ટ, મજૂરી અને બુધ્ધિપૂર્વકના પ્લાનીંગની જરુર પડે છે…તે જ રીતે સારું “ધર” ઉભું કરવા, સંસ્કારી કુટુંબ સ્થાપવાની જરૂર પડે છે. સાચા પ્રેમની, ઉચ્ચ ભાવનાની, એકબીજાને આવકારવાની ભાવના, તથા સાચા સાથ અને સંસ્કારી સથવારાની જરૂર પડે છે…..

-આ ચાર વાત પાછી ફરતી નથી..
[1] બોલેલા બોલ
[2] વીતેલો સમય
[3] ગુમાવેલી તક
[4] ફેંકેલું તીર

-બીજાના દોશજ જોતા રહેવું તે તમારી નિર્બળતા છે. બીજાના સદ્દ્ ગુણો તરફ જોવાથી તમને સુખ અને શાંતિ જરૂર મળશે. આગળજ વધવું હોયતો યાદ રાખો.. સદ્દ્ ગુણ, વિનય અને સેવા ઉત્તમ સાધનો છે. હઠીલાપણું , ઇર્ષા અને દોષારોપણ એ પીછેહઠ કરાવતાં પરિબળો છે.

-કોઇના ધા પર મીઠું ભભરાવવું એ ખરાબ કામ છે.તેના પર ધા રુઝાય તેવો મલમજ લગાવવો એ સારું કામ છે.

જીનનમાં કાતર પાસેથી ક્યારેય પ્રેરણાં ન લેશો.પરંતું નાની એવી સોય પાસેથી પ્રેરણાં લેવાનું ક્યારેય ચુકશો નહિં.

– ખાઇમાં પડેલો કદાચ પોતાની મહેનત અને બુધ્ધિથી બચી શકે છે. પણ અદે-ખાઇમાં ફસાયેલો આદમી મુશ્કેલીમાંથી બહાર નીકળી શકતો નથી.

-Rashmika Khatri

http://gujarati

પ્રાર્થના

હે પ્રભો !
વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી,
પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે.
દુ:ખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઇ જાય ત્યારે
મને સાંત્વના ન આપો તો ભલે,
પણ દુ:ખ પર હું વિજય મેળવી શકું એવું કરજો.
મને સહાય ન આવી મળે તો કાંઇ નહિ,
પણ મારું બળ તૂટી ન પડે.
સંસારમાં મને નુકસાન થાય,
કેવળ છેતરાવાનું જ મને મળે,
તો મારા અંતરમાં હું તેને મારી હાનિ ન માનું તેવું કરજો.
મને તમે ઉગારો – એવી મારી પ્રાર્થના નથી,
પણ હું તરી શકું એટલું બાહુબળ મને આપજો.
મારો બોજો હળવો કરી મને ભલે હૈયાધારણ ન આપો,
પણ એને હું ઊંચકી જઈ શકું એવું કરજો.
સુખના દિવસોમાં નમ્રભાવે તમારું મુખ હું ઓળખી શકું,
દુ:ખની રાતે, સમગ્ર ધરા જ્યારે પગ તળેથી ખસી જાય
ત્યારે તમે તો છો જ –
એ વાતમાં કદી સંદેહ ન થાય, એવું કરજો.

અજ્ઞાત

ગણપતિબાપા ના જીવન પ્રતીકો

ganeshchaturthiwallpaper2_B

ગણ-પતિ એટલે સમૂહના પતિ..એટલે કે નેતા.નેતા પાસે બાહ્ય રૂપ ન હોય તો ચાલે પણ આંતરિક રૂપ…અર્થાત .ગુણો હોવા જરૂરી છે જ.અને કયા ગુણો તે તેમનું વિશિષ્ટ રૂપ દ્વારા દર્શાવ્યું છે. ગણપતિનું મસ્તક હાથીનું છે.હાથી ના જીવનમાં તેજસ્વિતા છે.તે બુધ્ધિમાન છે.હાથી પોતે ખાતા પહેલાં પ્રથમના બે-ત્રણ કોળિયા આમતેમ ઉડાડે છે.કારણકે રાજા જેવો ગજરાજ જમતો હોય ત્યારે બીજા જીવજંતુઓનું પેટ ભરાવું જોઇએ.એવી ઉદાર વ્રુતિ છે.આમ નેતામાં અન્યને ખવડાવીને ખાવાની વ્રુતિ હોવી જોઇએ..એવું સૂચન છે.
ગણપતિના કાન પણ હાથીની જેમ સૂપડા જેવા છે.સૂપડાની જેમ સાર રાખીને ફોતરા ઉડાડી દેવા જોઇએ .એવું સૂચન અહીં સમાયેલું છે.વળી મોટા કાન ઉત્ક્રુષ્ટ શ્રવણ-ભક્તિ સૂચવે છે.
ગણેશજીની હાથી જેવી ઝીણી આંખો માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવાની પ્રેરણા આપે છે.
હાથીની જેમ ગણપતિનું મોટું નાક દૂર સુધીનું સૂંઘવા સમર્થ છે.અર્થાત નેતામાં દૂરદર્શિતા હોવી જરૂરી છે.
ગણપતિને બે દાંત છે.એક આખો અને બીજો અડધો..આખો દાંત શ્ર્ધ્ધાનો અને અડધો બુધ્ધિનો સૂચક છે.જીવનમાં બુધ્ધિ કદાચ થોડી ઓછી હોય તો ચાલે પણ શ્ર્ધ્ધા તો સંપૂર્ણ જ હોવી જોઇએ.
ગણપતિ ને ચાર હાથ છે.એક હાથમાં અંકુશ,બીજામાં પાશ,ત્રીજામાં મોદક અને ચોથો આશીર્વાદથી સભર છે.અંકુશ દર્શાવે છે કે વાસના,વિકારો પર જીવનમાં અંકુશ..અર્થાત સંયમ હોવો જરૂરી છે.જયારે પાશ સૂચવે છે કે..જરૂર પડે ત્યારે ઇન્દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્ય પણ હોવું જોઇએ.મોદક એટલે મોદ કરાવે અર્થાત..આનંદ કરાવે તે.બીજાને ખુશી આપવાનું સૂચન અહીં સમાયેલ છે.ચોથો હાથ આશીર્વાદ નું પ્રતીક છે.
તેઓ લંબોદર કહેવાય છે.બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ ઉદરમાં સમાવી દેવી એનું સૂચન છે.સાગરની માફક નેતા બધી વાતોને પોતાની અંદર સમાવી દેવા સમર્થ હોવો જોઇએ.
તેમના પગ નાના છે.તેથી તેઓ જલ્દી દોડી શકતા નથી.”ઉતાવળા સો બાવરા,ધીરા સો ગંભીર”નું સૂચન કરી રહ્યા છે.પ્રુથ્વી પ્રદક્ષિણાની શરતમાં માતા-પિતાની પ્રદક્ષિણા કરી ને,બુધ્ધિ નો ઉપયોગ કરીને પોતાના ભાઇ કાર્તિકેય આગળ શરત જીત્યા હતા તે વાત થી આપણે સૌ પરિચિત છીએ જ.
વળી તેમનું વાહન ઉંદર છે.જે સહેલાઇથી દરેક ના ઘરમાં પ્રવેશી શકે.અર્થાત મહાપુરૂષોના સાધનો એવા નાના અને નમ્ર હોવા જોઇએ કે જે ઘરઘરમાં પ્રવેશ પામી શકે.
ગણેશને દુર્વા પ્રિય છે.લોકોને મન જેનું કોઇ મહત્વ નથી એવા ઘાસને તેમણે પોતાનું માન્યું ને તેની કિંમત વધારી.અર્થાત નાના લોકોની અવગણના કરવાને બદલે તેમને પણ યોગ્ય સન્માન આપવું જોઇએ.
તેમને લાલ ફૂલ પ્રિય છે.લાલ રંગ ક્રાંતિ નો સૂચક છે.નેતાને હમેશા ક્રાંતિ પ્રિય હોવી જોઇએ.તેમને આપને અક્ષત અર્થાત ચોખા ચડાવીએ છીએ.અક્ષત એટલે જે અખંડ છે.દેવ પ્રત્યે આપણી ભક્તિ અખંડ હોવી જોઇએ.
ગણપતિને વક્રતુંડ કહે છે.આડે અવળે ચાલનાર ને જે દંડ આપે છે તે વક્રતુંડ.
ગણેશ ચતુર્થી ને દિવસે આપણે જે ગણપતિ લાવીએ છીએ તે ગણપતિનું વિસર્જન આપણે અનંત ચર્તુદશી ને દિવસે કરીએ છીએ.અર્થાત જે શાંત છે તેને અનંતમાં,સાકાર ને નિરાકારમાં અને સગુણ ને નિર્ગુણમાં વિલીન કરીએ છીએ.જીવનમાં પણ અંતે નિરાકાર એટલે કે ઇશ્વર તરફ પ્રયાણ કરવાનું સૂચન સમાયેલ છે.
આવી વિઘ્નહર્તા ગણપતિના જીવન નો સાચો સંદેશ સમજીને જીવનમાં ઉતારી શકીએ તો જીવન સાર્થક બની શકે.આજે આ નવી દ્રષ્ટિ થી ગણપતિના દર્શન કરીશું?
કોટિ કોટિ નમન ગણપતિબાપાને! અંતે ગણપતિ બાપા મોર્યા …કહેશું ને?

નીલમ દોશી
Posted by kamal barot in gujarati

ભક્તિ

ભક્તિની શક્તિ અજબ ગજબ ની છે.
શબ્દમાં ભક્તિ ભળે તો સ્તવન/ભજન બને,
ભોજનમાં ભક્તિ ભળે તો પ્રસાદ બને,
પથ્થરમાં ભક્તિ ભળે તો મુર્તિ બને,
ચાલવામાં ભક્તિ ભળે તો યાત્ર બને, અને
આત્મામાં ભક્તિ ભળે તો ‘પરમાત્મા’ બને.

-પ્રશાંત શાહ ના સુવિચાર સગ્રહમાંથી

રુક્મિણી નો પત્ર શ્રી કુષ્ણ ને( કવિતા રૂપે)

શ્રોતા તણા શ્રવણ દ્વારથી શ્યામ પેસી,

પ્રત્યંગના સકળ તાપ હરો ગુણોથી;

ને દર્શને સકલ મંગળ સિધ્ધ હેતુ ,

આવી જજો છુપી રીતે લૈઇ સૈન્ય સાથે

માની પતિ મનથકી વરી આપને હું,

આત્મા સમર્પણ હરે કરી હું ચુકી છું;

રે, સિંહ ભાગ શિશુપાલ સમો શૃગાલ,

સ્પર્શી ન જાય ધરજો કમલાક્ષ ખ્યાલ.

કીધેલ હોય નિયમે વૃત પુન્ય લેશ,

પૂજેલ હોય ગુરૂદેવ દ્વિજ પરેશ;

તો આવી આંહિ ગ્રહજો મુજ પાણિ કૃષ્ણ,

થાજો ન આપ વિણ રે, શિશુપાલ સ્પર્શ.

શ્રીમદ્ ભાગવત

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોલે અણમોલો
પાગલ ના બનીએ ભેરુ, કોઈના રંગ રાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

માન માન ઓ પંખીડા નથી રે સાજનની રીત
આવું જો કરવું હતું તો નહોતી કરવી પ્રીત
ઓછું શું આવ્યું સાથી સથવારો ત્યાગે
બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પીંજરુ માંગે

અવિનાશ વ્યાસ

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે…
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

મારા બાલુડાં ઓ બાળ, તારા પિતા ગયા પાતાળ,
હાંરે મામો શ્રીગોપાળ, કરવા કૌરવકુળ સંહાર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પહેલે કોઠે કોણ આવી ઊભા હશે રે ?
પહેલે કોઠે ગુરુ દ્રોણ, એને જગમાં જીતે કોણ
કાઢી કાળવજ્રનુ બાણ, લેજો પલમાં એના પ્રાણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, બીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
બીજે કોઠે કૃપાચાર્ય, સામા સત્યતણે હથિયાર,
મારા કોમળઅંગ કુમાર, એને ત્યાં જઈ દેજો માર…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ત્રીજે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ત્રીજે કોઠે અશ્વસ્થામા, એને મોત ભમે છે સામા,
એથી થાજો કુંવર સામા, એના ત્યાં ઉતરવજો જામા…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, ચોથે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
ચોથે કોઠે કાકો કરણ, એને દેખી ધ્રુજે ધરણ,
એને સાચે આવ્યાં મરણ, એનાં ભાંગજે તું તો ચરણ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, પાંચમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
પાંચમે કોઠે દૂર્યોધન પાપી, એને રીસ ઘણેરી વ્યાપી,
એને શિક્ષા સારી આપી, એના મસ્તક લેજો કાપી…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, છઠ્ઠે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
છઠ્ઠે કોઠે મામો શલ એ તો જન્મોજનમનો ખલ,
એને ટકવા નો દઈશ પલ, એનું અતિ ઘણું છે બલ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

હે… માતા, સાતમે કોઠે કોણ આવીને ઊભા હશે રે ?
સાતમે કોઠે એ જયદ્રથ ઈ તો લડવૈયો સમરથ,
એનો ભાંગી નાંખજે દત, એને આવજે બથ્થમબથ…
કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.

 

મારા શ્રીનાથજી ને સોના ની ધંટિ

મારા શ્રીનાથજી ને સોના ની ધંટિ
એમા દળાય નહિ બાજરો ને બંટિ

હો કેસર ધરુ તો સામગ્રી થાય
એલચી ધરિ ને મારા કાન ને ધરાય

હઠ કરિ ને વ્હાલો માખણિયા માંગે
માંખણ આપો તો મિસરિ લઈ ભાગે

માડિ તારા કાનુડા ની એવી છે ટેવો
મોટો થયો તોય એવો ને એવો

રમતો જાય રમાડતો જાય
સુતેલા બાળ ને જગાળતો જાય

જશોદા ના લાલ તને ઝાઝુ શુ કહેવુ
ગુણલા ગાઈ મારે રાજી થઈ રહેવુ

-unknown

%d bloggers like this: