તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું
ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું

મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ
ને આમ તમે આંખોને કરી દીધી અંધ
તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ
ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું.

હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી
ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી
અછાંદસ જેવો છે આપણો આ પંથ
ને એનું તે નામ તને છંદ રાખ્યું…

– પન્ના નાયક

અમને તમારી અડખેપડખે રાખો

અમને તમારી અડખેપડખે રાખો
ખૂબ પાસે રાખીને
અમને હળવે હળવે ચાખો
સંગત, રંગત, સોબત, મહોબ્બત
આ તો અમથાં અમથાં લટકણિયાં છે નામ
અંગત એવું એક જણ પણ હોય નહીં
તો નથી કોઇનું કામ
મૌનને મારા ખબર પડે નહીં એવી રીતે
ફૂટે શબદ શબદની પાંખો
અમને તમારી અડખેપડખે રાખો.
કોણ આવે કોણ જાય, કોણ ચૂપ રહે કોણ ગાય
એની અમને લેશ નથી પણ પરવા
કારણ અકારણ કાંઇ કશું નહીં
અમે તમારી સાથે નીકળ્યા
ખુલ્લા દિલથી ફરવા
એક વાર જો સાથ હોય ને
હાથમાં ગૂંથ્યા હાથ હોય
તો મારગ મીઠો લાગે હોય
ભલેને ધુમ્મસિયો ને ઝાંખો
અમને તમારી અડખેપડખે રાખો.

– પન્ના નાયક

નાની હતી ત્યારે-પન્ના નાયક

નાની હતી ત્યારે
મારા બા
મારા વાળ ઓળતા
હાથમાં અરીસો આપીને
એમની આગળ પલાઠી વાળીને બેસાડતા
છુટ્ટા વાળમાં
એ ઘસી ઘસીને
ઘેર બનાવેલું બ્રાહ્મીનું તેલ નાખતા.
કાંસકાથી ગુંચ કાઢી
વિરાટ વનની પગથી જેવી
સેંથી પાડતા
ને
પછી
લાંબા કાળા ભમ્મરિયા વાળને
બે લટોમાં ગૂંથી લઇ
રંગીન રીબન
કે
ચાંદીના ઘૂઘરિયાળા ફુમતાથી શોભાવતા

વાળ ઓળાઇ જાય
એટલે
મને એમની સામે બેસાડતા
ને
તપાસતાં
કે
વાળ બરાબર ઓળાયાં છે કે નહીં !
મને પૂછતા :
ગમ્યા ને ? .
હું મરક મરક હસતી.
કેટલીય વાર
વ્હાલના આવેશમાં
આવી જઇ
સરસ ઓળેલા વાળમાં
એમનો હાથ ફેરવી ફેરવી
એને અસ્તવ્યસ્ત કરી દેતા
હું
થોડો ખોટો
થોડો સાચો
ગુસ્સો કરતી.

આજે
મારા વાલ સાવ ટૂંકા છે
તેલ વિનાના સૂકા, બરછટ છે.
ઓળ્યા વિનાના અસ્તવ્યસ્ત ઊડે છે.
નપુંસક ગુસ્સાથી પીડાતી હું
શોધું છું
બા…
બાનો હાથ…

– પન્ના નાયક

તું અને હું

તું અને હું
આપણા દેહ બે પણ પ્રાણ એક-
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ
પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું
અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં સામસામાં બે પૃષ્ઠો-
સંપૃક્ત પણ અલગ
અલગ
માત્ર સિવાઈ ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી !

-પન્ના નાયક

સાહ્યબો મારો ગુલાબનો છોડ – પન્ના નાયક

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઇ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવી ને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તું અને હું

તું અને હું
આપણા દેહ બે પણ
પ્રાણ એક-
એ વાતને
સાચી ઠરાવવાના
લાખ પ્રયત્ન કરીએ છીએ
પણ
આપણી ભીતર
તો
સતત રણક્યા કરે છે
અસ્વીકારનું અસ્તિત્વ!
આપણે તો છીએ
પુસ્તકનાં
સામસામાં બે પૃષ્ઠો-
સંપૃક્ત પણ અલગ અલગ
માત્ર સિવાઈ
ગયેલાં
કોઈ
ઋણાનુબંધના દોરાથી !

-પન્ના નાયક

%d bloggers like this: