દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,

દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,
અશ્રુઓ માછલીનાં ક્યારે લુછી શકો છો?

જુદા કરી શકો છો કાંટાને ફૂલથી પણ,
ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?

જુદા ભલેને પાડો વ્રુક્ષોનાં નામ અહીંયા,
છાયાનું નામકરણ ક્યારે કરી શકો છો?

લહેરાય રણમાં એવું કે હાલ પી શકો છો,
મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?

જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,
પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?

નરેન્દ્ર જોશી

%d bloggers like this: