જટિલ કે સરલ મનમાં જ હોય છે !
ચલિત કે અચલ મનમાં જ હોય છે !
એનું સ્વરૂપ શું? જેનું નથી સ્વરૂપ –
સઘન કે તરલ મનમાં જ હોય છે !
વાંચી શકાય તો એ ખબર પડે-
શુષ્ક કે સજલ મનમાં જ હોય છે !
સરખું જ હોય છે ત્વચાનું આવરણ
શણ કે મલમલ મનમાં જ હોય છે !
યુગોથી એ ધખે ; ચાલે નદી થઇ;
સલિલ કે અનલ મનમાં જ હોય છે !
ચિત્રમાં બધા જ; રંગ મેં પૂર્યા ;
હરિત કે ધવલ મનમાં જ હોય છે !
ફકીરને તો શું, પામવું કહો?
મુકામ કે મજલ મનમાં જ હોય છે !
તર્કબદ્ધ હો બધું : દ્રશ્યદ્રશ્યમાં-
પૃથક કે સકલ મનમાં જ હોય છે !
– દીપક ત્રિવેદી
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, દીપક ત્રિવેદી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જટિલ કે સરલ મનમાં જ હોય છે !, દીપક ત્રિવેદી, ghazal, gujarat, gujarati, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »