અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને,

પછીથી પાંગર્યુ હળી મળી ને,

અટક્યું એક વાર ‘પછી મળશું’ કહીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહી ને…

આંખોમાં રહ્યું એ ‘પ્રતિક્ષા’ બનીને,

દ્રષ્ટીમાં વસ્યું એ ‘હરખ’ કરીને,

પછી ધીમેથી ટપક્યું એ ‘વિરહ’ બનીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને..

શ્વસનમાં મહેક્યું એ ‘સુવાસ’ બનીને,

યાદોમાં આવ્યું ક્યારેક ‘હાંફ’ ચઢીને,

પછી ધીમેથી છટક્યું એ ‘નિશ્વાસ’ બનીને,

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને..

કાગળ પર લખાયું એ ‘પ્રેમ-પત્ર’ બનીને,

રાહમાં જોવાયું ‘પ્રત્યુત્તર’ બનીને,

પછી ધીમેથી રચાયું કોઇ ‘કવિતા’ બનીને.

અનોખું બંધન જામ્યું ‘કેમ છો?’ કહીને..

દિગીશા શેઠ-પારેખ           

કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું,

કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું,
એમનું તો કંઈ નહીં પણ સ્વપ્ન મારું રુંધઈ ગયું,

શ્વાસની સરગમ પર જાણે પાંજરું બંધાઈ ગયું,
રક્ત પણ વહેવું મૂકી ને કાળજે ગંઠઈ ગયું,

સમયના સળિયાની પાછળ જીવન એવું પૂરાઈ ગયું,
કોઈ બન્યું હતું ક્યારેક અશ્ક એ યાદ પણ ના રહ્યું,

હોય છે સંજોગનો ખેલ આખરે સમજાઈ ગયું,
કોઈ મારા માંથી જાણે અશ્કની જેમ વહી ગયું.

દિગીશા શેઠ પારેખ

%d bloggers like this: