તમારા પ્રેમની ચોપાટમાં લો,ચાંદ પણ હારી ગયા;

તમારા પ્રેમની ચોપાટમાં લો,ચાંદ પણ હારી ગયા;
ને જાત કોરાણે મુકી આખી ય પરબારી ગયા.

હજારો સૂર્ય ઓગાળી બનાવ્યો એક પડછાયો,
અને એ એટલો નક્કર થયો,કે જાત પર વારી ગયા.

તમારા એક હિસ્સાની હજુયે સાંજ રાખી છે;
અને હમણાં જ ઠંડાગાર હાથો તાપણું ઠારી ગયા.

હથેળીમાં ઘણાં બરછટપણાનાં વન ઉગાડ્યાં છે;
સમયનાં દોરડાં સાલ્લાં છતાં આબાદ પડકારી ગયા.

હજુ ’ફિરદૌસ’!આજે પણ નથી છાંડી ખુમારી પણ,
બધા એ રોફ સરકારી ગયા,એ ઠાઠ દરબારી ગયા.

ડો.ફિરદૌસ દેખૈયા

ભાવનગર

તીખા બટેટાઓ,ભૂંગળા,ને ભજિયા,
હીરાને હોંકારે ભાણાંઓ તજિયા.

ગાયોએ ગાંડાને ગાંઠિયો ખવરાવ્યો;
લીંબુની સોડાનો પ્યાલો પધરાવ્યો.

આખી ગંડેરિયું ને પાંત્રિશિયા માવા,
મોટી મોટી દેરિયું ને મોંઘેરા બાવા.

રૂડા ગધેડિયામાં બેટ-દડો રમતા,
દિવસે તો ઠીક ભાઈ,રાતે ય ન ખમતા.

બરકો,તો હોંકારો દેશે આખું ગામ,
બરકો,તો તનમનથી આવીશું કામ;
આવું છે ભાઈ,મારું ભાવનગર ગામ.

-ડૉ.ફિરદૌસ દેખૈયા

જીંદગીમાં કો’ક વળગણ જોઈએ;

જીંદગીમાં કો’ક વળગણ જોઈએ;
સાવ સાદું એક પ્રકરણ જોઈએ.

છે મજાની મસ્ત ચાલે જીંદગી,
એટલા માટે પળોજણ જોઈએ.

બેઉની દ્રષ્ટિ ખરેખર એક હો,
બેઉ પાસે એક સમજણ જોઈએ.

રક્તમાં પૂરેપુરૂં વ્યાપી રહે;
સ્વસ્થ એવું એક સગપણ જોઈએ.

એમ આ દુનિયા મહીં ખ્યાતિ રહે,
આપ વિષે કંઈક ચણભણ જોઈએ.

સાવ ધોળા ધફ્ફ ભાંગે દીવસો,
રંગવાને એક ફાગણ જોઈએ.

કેટલી ઈશ્વર વિશે ચર્ચા હતી;
એ બધીનું એક તારણ જોઈએ.

કેમ પ્રેમીની કથા નિષ્ફળ રહી;
સાવ સાચું એક કારણ જોઈએ.

છાપ આ ‘ફિરદૌસ’ની દુનિયા મહીં,
દેખવાને એક દર્પણ જોઈએ.

ડૉ.ફિરદૌસ દેખૈયા

વિહરવું,રઝળવું મજલનો વિષય છે;

વિહરવું,રઝળવું મજલનો વિષય છે;
શમા જેમ ગળવું ગઝલનો વિષય છે.

ઠરી થાંભલો થઇ ગયેલી ગલીમાં
તમારું નીકળવું કતલનો વિષય છે.

વિચારો ફરજ છે,ને મક્તા’ છે સુન્નત;
‘લગાગા’નું મળવું નફલનો વિષય છે;

કલાકાર ઘુંટે,તલબગાર લૂંટે,
ઉભયનું પલળવું અમલનો વિષય છે.

થયે બાગ-’ફિરદૌસ’ સદીઓ ગઇ છે;
પલકભરમાં ફળવું અતલનો વિષય છે.

–ડૉ.ફિરદૌસ દેખૈયા

પ્રસંગોપાત બોલું છું,

પ્રસંગોપાત બોલું છું,
હું ખુલ્લી વાત બોલું છું.

નથી ડર કોઇનો મુજ ને,
વિના જઝબાત બોલું છું.

સમય ના સાજ ને છેડી
સૂરોમાં સાત બોલું છું.

તમે શું વાર કરવાના!
તમારી ઘાત બોલું છું.

ગઝલમાં સામટો પ્રગટું;
જલાવી જાત બોલુ છું.

–ડૉ.ફિરદૌસ દેખૈયા

અશ્રુઓ સારો નહીં

અશ્રુઓ સારો નહીં
મોત ને મારો નહીં

આગ થૈ ને વાગશે,
જખ્મ ને ઝારો નહીં

ને કફનમાં યાદ ના
શિલ્પ કંડારો નહીં

ગૂંગળાવે છે કબર,
શ્વાસ !પરવારો નહીં

મોત ની કોને ખબર?
કોઇ અણસારો નહીં

તા-કયામત બોલશે,
પાપ,છૂટકારો નહીં

ના અઝાબો છોડશે,
ઈશ પણ તારો નહીં

મોત પરવારી જશે,
હોંસલા હારો નહીં

—-ડો.ફિરદૌસ દેખૈયા

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;

હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.

એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.

પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.

રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.

જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.

– ડો.ફિરદૌસ દેખૈયા

%d bloggers like this: