પામ્યા તેને માપ્યું નહીં
ને માપીને ના પામ્યા,
માણ્યું તેનું ગાણું નહીં
ને રહ્યું તેની ખજવાળ
………………….. મન તું ભીતરને અજવાળ
વરસ્યું એથી વિશ્રામ નહીં
ને કોરાનો કચવાટ,
મળ્યું તેની મસ્તી નહીં
ને ખૂટ્યું તેનો કકળાટ
………………….. મન તું ભીતરને અજવાળ
ઝંખતા ઝંખતા ઝાંખ પડી
ને શોધતાં શોધતાં સાંજ,
જડ્યું તેને જાળવ્યું નહીં
ને ખોયું તેનો ચચરાટ
………………….. મન તું ભીતરને અજવાળ
ગાયું તે તો ગીત નહીં
ને સુણ્યું નહીં સંગીત
અલખના જ્યારે સૂર રેલાયા
સૂનો હતો દરબાર
………………….. મન તું ભીતરને અજવાળ
Filed under: આધ્યાતમિક, કાવ્ય, ગુજરાતીકવિતા, ડૉ. વસંત પરીખ, ભજન | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડૉ. વસંત પરીખ, મન તું ભીતરને અજવાળ – ડૉ. વસંત પરીખ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a comment »