એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,

એક સપનું મા-બાપનું જોને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક અમારા પ્રેમનો અક્ષર ગીત બનીને ગૂંજે,
એક કળી અમ બાગની આજે બહાર બનીને ઝૂમે;
જકડી રાખું ઝરણું હાથમાં પણ એવું ક્યાં થાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

અમ અંતરના આશિષ બેટા, રહેશે તારી સાથે,
એક પ્રભુની બાદ અમારો હાથ છે તારે માથે;
માનાં દિલનો ટુકડો દીકરી પારકી કહેવાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ઘર આંગણમાં કાલે બેટા, આંખ ન તુજને જોશે,
હોઠો રહેશે હસતા મારાં અંતર મારું રોશે;
થયું’તું દુ:ખ જે મારી માને આજ મને સમજાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

એક સપનું મા-બાપનું જો ને આંસુ લઈને જાય છે,
સુખની સાથે દુ:ખની છાયા ચહેરા પર લહેરાય છે.

ડૉ.નિલેશ રાણા

વાવો તેવું લણો

ઢળતી સાંજે
એક કાશ્મીરી બાળક
ગયું દોડતું મા પાસે…
લઈ હાથમાં લીલી ગ્રેનેડ
હરખે પૂછ્યું:
મા… મા…
આ ફળ વાવું તો શું ઊગશે ?
અશ્રુભીની આંખે
બાળકના માથે ફેરવતા હાથે
ચીંધી આંગળી
પતિની કબર તરફ.. !

– નીલેશ રાણા

%d bloggers like this: