આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.

આંખોનો ભેદ આખરે ખુલ્લો થઇ ગયો.
બોલ્યા વિના જ હું બધે પડઘો થઇ ગયો.

આ એ જ અંધકાર છે કે જેનો ડર હતો.
આંખોને ખોલતાં જ એ તડકો થઇ ગયો.

જળને તો માત્ર જાણ છે, તૃપ્તિ થવા વિષે.
મૃગજળને પૂછ કેમ હું તરસ્યો થઇ ગયો.

તારી કૃપાથી તો થયો કેવળ બરફનો પહાડ
મારી તરસના તાપથી દરિયો થઇ ગયો.

મસ્તી વધી ગઇ તો વિરક્તિ થઇ ગઇ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઇ ગયો.

– જવાહર બક્ષી

ભર વસંતે આમ ઉનાળો ન કર

ભર વસંતે આમ ઉનાળો ન કર
હિમકણચ છું ઝાઝો હૂંફાળો ન કર

જે બધું છૂંટયું એ ભૂલી જા હવે
બાદબાકીઓનો સરવાળો ન કર

માત્ર પડછાયા જ ફેલાશે અહીં
ગામ વચ્ચે ખુદને ઉજમાળો ન કર

માનસરનાં મોતી બોલાવે તને
હંસ થઇને વ્રુક્ષ પર માળો ન કર

શબ્દ સોનેરી મળ્યો છે મૌનમાં
આમ એ લખ કરી કાળો ન કર

-જવાહર બક્ષી

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ,

જ્યારે હું તારા ખ્યાલમાં આવી ગયો હઇશ,

દુનિયાથી દૂર, આપમાં આવી ગયો હઇશ.

આપું નહીં હું આમ કદી કોઇને વચન,

નક્કી હું તારી વાતમાં આવી ગયો હઇશ.

સાચે જ તારી સૂક્ષ્મ નજર હોવી જોઇએ,

અમથો શું તારી આંખમાં આવી ગયો હઇશ!

લાગે છે દૂરતા સમી આત્મીયતા હવે,

લાગે છે પાછો ભાનમાં આવી ગયો હઇશ.

મારા વિષે તને ઘણા પ્રશ્નો થતા હશે,

એ માનીને જવાબમાં આવી ગયો હઇશ.

-જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે…. સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં

જવાહર બક્ષી

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

ઘરમાં જ વસું તોય  ભટકતો રહી જાઉં

જો પ્રેમ મળે છે  તો  પ્રતિબિંબની જેમ

પાણીમાં પડું  તોય  હું સુક્કો રહી જાઉં 

ભવભાવથી   ચણેલ   શબ્દના  બંધ  તૂટે

તોપણ  શી  મજાલ  છે કે  કશે  છંદ તૂટે?

જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?

જાળવવા  છતાં   પણ  અહીં  સંબંધ  તૂટે 

જવાહર બક્ષી 

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું

રાત, પ્રતીક્ષા, ઊંઘનું ઝોલું
શ્રદ્ધા જેવા લયથી ડોલું

હું ઝાકળના શહેરનો બંદી
બોલ, ક્યો દરવાજો ખોલું ?

થાય સજા પડઘા-બારીની
ત્યાં જ તમારું નામ ન બોલું

આવરણોને કોણ હટાવે ?
રૂપ તમારું આખાબોલું !

સ્વપ્નાંઓ સંપૂર્ણ થયાં છે
આપ કહો…તો આંખો ખોલું

– જવાહર બક્ષી

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે

કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે
દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે
આકાશના એ રંગ તને યાદ તો હશે
રંગીન એટલું જ એ તારા વિનાય છે
હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું
જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે
અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની
રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે
અહીં ‘હું જીવી રહ્યો છું’ ના જાહેર ચોકમાં
ક્યારેક ‘તું નથી’ ની હવા સંભળાય છે
જવાહર બક્ષી

અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,

અજવાળાંનો આવો શું નુસખો કરવાનો,
વૃક્ષો કાપીને કેવો તડકો કરવાનો.

સંબંધો ને સંજોગો તો પડછાયા છે,
પડછાયા પર શુંયવળી ગુસ્સો કરવાનો.

સૌના મંતવ્યોની ખીણ અને ટેકરીઓ,
કંઈ બોલીને અહીંયા શું પડઘો કરવાનો.

પર્વત, દરિયા, વન કે રણ તો પાર કરી દઉં,
અહીં તો સ્વપ્નાં વચ્ચેથી રસ્તો કરવાનો.

એ જાણે છે એનું રૂપ બધે નિખર્યું છે,
તોય નિયમ ક્યાં તોડે છે પડઘો કરવાનો.

– જવાહર બક્ષી

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ

ફરી ન છૂટવાનું બળ જમા કરે કોઇ
પ્રસંગ, નહિ તો મિલનના જતા કરે કોઇ

મને ઘણાય તમારો સંબંધ પૂછે છે
તમારી પણ કદી એવી દશા કરે કોઇ

તમારી પાસ જવાની નથી થતી ઇચ્છા
મને ફરીથી જવાની મના કરે કોઇ

ભલે અવાજની ક્ષિતીજમાં જઇ ન શકાય
વિચારને તો જતા – આવતા કરે કોઇ

કોઇ નજીક નથી – એ વિષે હું કૈં ન કહું
આ સંકડાશ વિષે સ્પષ્ટતા કરે કોઇ

ગુન્હા કર્યા તો ‘ફના’ મેં ગુન્હા તમારા કર્યા
મને એ માન્ય નથી કે સજા કરે કોઈ.

– જવાહર બક્ષી

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,

તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.

લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.

ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.

અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.

          – જવાહર બક્ષી

રૂપજીવિનીની ગઝલ

એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે
રોજ બત્તીનો સમય છે અને અંધારું છે.

ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી
ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે

ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે
ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે

કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં
સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે

આ નગરમાં તો સંબંધોના ધૂમાડા જ ખપે
અહીંયાં ઊર્મિ તો અગરબત્તીનું અજવાળું છે.

– જવાહર બક્ષી

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

-જવાહર બક્ષી

%d bloggers like this: