પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,-– ગૌરાંગ ઠાકર

પથ્થરને ઈંટનું ભલે પાકું મકાન છે,
એ ઘર બને ન ત્યાં સુધી કાચું મકાન છે.

વાતોનાં છે વિસામાને મીઠા છે આવકાર,
પૂછે છે પગરવો મને કોનું મકાન છે?

મારા મકાનનું તને સરનામું આપું, લખ,
ખુલ્લા ફટાક દ્વાર તે મારું મકાન છે.

તારા જ ઘર સુધી મને કેડી લઈ ગઈ,
પહેલા હતું જ્યાં ઘર ત્યાં તો ઊચું મકાન છે.

કોયલ કમાડે આવીને ટહુક્યાં કરે છે રોજ,
અફ્સોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.

એક બે ફલાગેં બહાર હું જઈ શકું છું પણ,
ભીતરની ભીંત ઠેકતા લાંબું મકાન છે.

જન્મ દઇ પહેરાવી ખુદની ચામડી,

જન્મ દઇ પહેરાવી ખુદની ચામડી,
રોજ સીવતી હૂંફની બા ગોદડી.

એમ જોયું બા વગરનું ઘર અમે,
જળ ગયું ને કાંઠે રહી ગઇ નાવડી.

અમને ચાંચે ચણ ને પાંખે પીછાં દઇ,
તું અચાનક કેમ બહુ ઊંચે ઉડી?

જીવતી ગીતા હતી બા ક્રૃષ્ણની,
કર્મથી એ ના કદી છૂટી પડી,

સાવ સાદું ને સરળ જીવન જીવી,
એણે પગમાં પહેરી ન્હોતી પાવડી.

હે પ્રભુ..હર જન્મમાં આ બા મળે,
તું કહે તે રાખું બાધા–આખડી.

બા વિષે આગળ હું તમને શું કહું?
લ્યો મને ઓછી પડી બારાખડી..

ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે,

રોજ મારાથી મને વાંધો પડે,
એટલે મારે મને જોવો પડે.

આ ઝરણ એમ જ નદી બનતા નથી,
દોસ્ત પાણીનેય પરસેવો પડે.

કૈંક તો સારું બધામાં હોય છે,
લીમડાનો છાંયો ના કડવો પડે.

તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,
સાંજે પડછાયો ઘણો મોટો પડે.

સૂર્ય સાથે ચંદ્રને જોશો નહીં,
એક સાથે બેઉનો મોભો પડે.

તું અડે ને એમ લાગે છે મને,
જાણે સૂકા ઘાસ પર તણખો પડે.

તું હવે સરનામું પાકું આપ બસ,
રોજ મંદિરનો મને ધક્કો પડે.

ગૌરાંગ ઠાકર

તમે વ્હાલ ઘરની દીવાલમાં,અમે બારસાખનાં તોરણો,

તમે વ્હાલ ઘરની દીવાલમાં,અમે બારસાખનાં તોરણો,
ચલો આંગણાંમાં મનાવીએ,હવે હેત હૂંફનાં અવસરો.

હું તો માત્ર શ્વેત લકીરને,તમે સાત રંગનો સાથિયો,
હું ભળી શકું બધા રંગમાં,મને બેઉ હાથે મિલાવજો.

ભલે જાય સૂર્ય કિરણ લઇ,તમે બાગથી ન જશો પ્રિયે,
હું તો રાતરાણીનું ફૂલ છું,તમે બસ સવાર સુધી રહો.

મને કોયલો એ કહી ગઇ,અમે રોજ આવી ટહુકશું,
તમે આસપાસ કમાડની,જરા ઝાડ જીવતું રાખજો.

હતું મૂલ્ય સ્વપ્નનું એટલું,અમે પાઇ પાઇ ચૂકાવી છે,
અમે આંખ આંસુથી ધોઇ છે,કીધો બંધ આંખે ઉજાગરો.

ગૌરાંગ ઠાકર

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !

છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !

પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !

આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !

એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !

– ગૌરાંગ ઠાકર

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,

બધા ફૂલોનું ઝાકળ પાછું આપે,
નહી તો સૂર્ય રાજીનામું આપે.

અમે ચારે તરફ પૂછી વળ્યા પણ,
હવા ક્યાં ખુશ્બુનું સરનામું આપે?

તું પહેલા વેંત નીચો તો નમી જો,
તને એ બેઠો કરવા માથું આપે.

ખરી ઈશ્વર કૃપા એને ગણી લ્યો,
કદી કોઈના માટે આંસુ આપે.

આ પડછાયો દિવસમાં ભુસીયે ચાલ,
પછી તો રાત પણ અજવાળું આપે.

– ગૌરાંગ ઠાકર

અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ,

અલગ રીતે હવે ઓ જીવ દુનિયાથી જુદા પડીએ,
હ્રદયમાં કોઇને રાખી અમારાથી જુદા પડીએ.

આ ઝાકળ થઇને ફૂલે મ્હાલવું શું બે ઘડી માટે?
બને તો ચાલને આવા અભરખાથી જુદા પડીએ.

મને ટોક્યો નહીં,વાર્યો નહીં ને જાતમાં રાખ્યો,
ખુશામતખોર આ દર્પણની ઘટનાથી જુદા પડીએ.

કોઇ રોકાઇ જા બોલે,કોઇ ખેંચાઇ જા બોલે,
હવે આ મન હ્રદયનાં બેઉ રસ્તાથી જુદા પડીએ.

આ ભરતી ઓટ જોયા પણ હવે કરનાર જોવો છે,
અમારો જીવ જળમાં છે શું દરિયાથી જુદા પડીએ?

ગૌરાંગ ઠાકર

સાંજ ડૂબી એકલી તારા વગર

સાંજ ડૂબી એકલી તારા વગર
એટલે છે આંખ મારી તરબતર

શ્વાસ કાંટાળો ફરે છે દેહમાં
થાય અટકાવી દઉં એની સફર

જો પ્રતિક્ષા બારણે ટોળે વળ
આવશે તું એમ આવી છે ખબર

જિંદગીને વેચવા દુનિયા ફર્યા
ચોતરફ બસ લાગણીની કરકસર

લઇ ઉદાસી કેટલું ચાલ્યા કરે
એકલો માણસ અને ભરચક નગર

ગૌરાંગ ઠાકર

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,

આ તડકાને બીજે ગમે ત્યાં ઉતારો,
નહીં તો હરણને ન રણમાં ઉતારો.

હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.

તમારી નજર મેં ઉતારી લીધી છે,
તમે મારા પરથી નજર ના ઉતારો.

આ પર્વતના માથે છે ઝરણાનાં બેડાં,
જરા સાચવી એને હેઠાં ઉતારો.

ફૂલો માંદગીનાં બિછાને પડ્યાં છે,
બગીચામાં થોડાક ભમરા ઉતારો.

ભીતરમાં જ જોવાની આદત પડી ગઈ,
હવે ભીંત પરથી અરીસા ઉતારો.

-ગૌરાંગ ઠાકર

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,

ભીડ સાથે ચાલવાનું આપણાથી નહી બને,
બધા જેવાં થવાનું આપણાથી નહી બને.

તું હ્રદય મારું તપાસી દોસ્તી કરજે અહીં,
જાતને શણગારવાનું આપણાથી નહી બને.

હું અઢી અક્ષરની વાતો જાણવા મંડ્યો બધી,
પણ તને સમજાવવાનું આપણાથી નહી બને.

તું ભલે વરસાદ જોજે બારીએથી દોસ્ત પણ,
સાવ કોરા રહી જવાનું આપણાથી નહી બને.

આપણું અળગા થવું મંજૂર રાખું પણ તને,
કાળજેથી કાપવાનું આપણાથી નહી બને.

ગૌરાંગ ઠાકર

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?

આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.

જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?

બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?

તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?

તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?

– ગૌરાંગ ઠાકર

આ જગતને ચાહવાનું મન થયું,

આ    જગતને   ચાહવાનું મન  થયું,
લ્યો     મને માણસ થવાનું મન થયું.

એક   કૂપળ    ફૂટતી   જોયા   પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું

આ   પવન  તો  ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.

આ   તરસ  સૂરજની છે કહેવાય ના,
એમને    નદીઓ ઢાંકવાનું મન થયું.

જાળને    જળ  એક  સરખાં લાગતાં,
માછલીને    ઊડવાનું      મન થયું.

કોણ   જાણે  કંઈ રમત રમતાં હતાં,
બેઉં   જણને     હારવાનું મન થયું.

મન  મુજબ જીવ્યા  પછી એવું થયું,
મન વગરનાં થઈ જવાનું મન થયું.

-ગૌરાંગ ઠાકર

મારી દીવાનગીને તમે છેતરો નહીં,

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલીને હવે છત્રી ધરો નહીં.

કોરું કપાળ લઈ પૂછે વિધવા થયેલ સાંજ,
અવસાન સૂર્યનું ને કશે ખરખરો નહીં.

એવું બને કે હું પછી ઊંચે ઊડ્યા કરું,
પાંખોમાં મારી એટલા પીંછા ભરો નહીં.

ક્યારેક ભયજનક વહે અહીંયા તરસના પૂર,
મૃગજળ કિનારે વ્હાલ તમે લાંગરો નહીં.

હું મ્હેક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મૂળથી મને અળગો કરો નહીં.

ગૌરાંગ ઠાકર

ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે,

ક્યારેક તને આંખથી કહેવાઈ ગયું છે,
કેવી રીતે દુનિયાને એ સમજાઈ ગયું છે.

તું કેમ સ્મરણ, જીદ હજી રોજ કરે છે ?
જે નામ હવે હોઠથી વીસરાઈ ગયું છે.

શોધી રહી છે ચાંદની આ તારલાની સાથ,
સૂરજનું કશું, સાંજથી ખોવાઈ ગયું છે.

વરસાદ તું પણ આજ હવે મન મૂકીને પડ,
એક જણ જતું ‘તું ઘર, હવે રોકાઈ ગયું છે.

હું પણ મને ના ઓળખું ‘ગૌરાંગ’ના નામે,
એ નામ હવે તારામાં જોડાઇ ગયું છે.

– ગૌરાંગ ઠાકર

આ જગતને ચાહવાનું મન થયું,

આ જગતને ચાહવાનું મન થયું,
લ્યો, મને માણસ થવાનું મન થયું.

એક કૂંપળ ફૂટતી જોયા પછી,
ભીંત તોડી નાંખવાનું મન થયું.

આ પવન તો ખેરવી ચાલ્યો ગયો,
પાન ડાળે મૂકવાનું મન થયું.

આ તરસ સૂરજની છે, કહેવાય ના,
અમને નદીઓ ઢાંકવાનું મન થયું.

કોણ જાણે કઇ રમત રમતાં હતાં ?
બેઉ જણને હારવાનું મન થયું.

જાળને જળ એક સરખાં લાગતાં,
માછલીને ઊડવાનું મન થયું.

શ્વાસ રૂંધે છે કદી ખુશ્બુ છતાં,
ફૂલ કોટે ખોસવાનું મન થયું.

મન મુજબ જીવ્યા પછી એવું થયું,
મન વગરના થઈ જવાનું મન થયું.

– ગૌરાંગ ઠાકર

એ રીતે હું આપણો સંવાદ રાખું છું…..

અહીંયા એ રીતે હું આપણો સંવાદ રાખું છું,
બધું ભૂલી જવામાં પણ તને અપવાદ રાખું છું….

તને આપી જવી છે એટલે હું યાદ રાખું છું,
નહીંતર હર ખુશીમાં જાત મારી બાદ રાખું છું…..

સરળતાથી મને વાંચી શકે તું એટલા માટે,
હું મારી વારતાનો અશ્રુમાં અનુવાદ રાખું છું….

જો ભીના થઇ શકાતું હોય તો મારી તલાશી લ્યો,
હું મારા એક ખિસ્સામાં સતત વરસાદ રાખું છું…..

– ગૌરાઁગ ઠક્કર                                         

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

 

– ગૌરાંગ ઠાકર

%d bloggers like this: