નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું

નદીમાં પગ ઝબોળી બાળપણ પાછું અમે માંગ્યું
અમે રે રેતદાર રમનાર જણ પાછું અમે માંગ્યું

અનાગત શબ્દનો એકાદ કંપનની જ લીલા છે
ગઝલના રૂપમાં તારું સ્મરણ પાછું અમે માંગ્યું

દિશાઓ ધૂંધળી ચોપાસ ધુમ્મસનો હતો દરિયો
અદીઠાં ઝાંઝવા માંગ્યા, હરણ પાછું અમે માંગ્યું

પવનની જેમ ઊડી આવતી આ સાંજની પીડા
વિહગની જેમ ટહુકાનું વલણ પાછું અમે માંગ્યું

અહિ અસ્તિત્વનો પર્યાય કેવળ એક પરપોટો
કદી ઝાકળ સ્વરૂપે અવતરણ પાછું અમે માંગ્યું

– ગોપાલ શાસ્ત્રી

%d bloggers like this: