અશ્રુઓ સારો નહીં

અશ્રુઓ સારો નહીં
મોત ને મારો નહીં

આગ થૈ ને વાગશે,
જખ્મ ને ઝારો નહીં

ને કફનમાં યાદ ના
શિલ્પ કંડારો નહીં

ગૂંગળાવે છે કબર,
શ્વાસ !પરવારો નહીં

મોત ની કોને ખબર?
કોઇ અણસારો નહીં

તા-કયામત બોલશે,
પાપ,છૂટકારો નહીં

ના અઝાબો છોડશે,
ઈશ પણ તારો નહીં

મોત પરવારી જશે,
હોંસલા હારો નહીં

—-ડો.ફિરદૌસ દેખૈયા

ગઝલ-બે શબ્દ વચ્ચેની જગા, મારી ગઝલ હશે

બે શબ્દ વચ્ચેની જગા, મારી ગઝલ હશે

આકાશથી વરસે દુઆ, મારી ગઝલ હશે.
છે વેદ,ગીતા,બાઈબલ ને,એ કુરાનમાં

આયાત,મંત્ર કે ૠચા,મારી ગઝલ હશે.
‘ને આભ,જળ,અગ્નિ,પવન,માટી થકી બની

એ પંચમહાભૂતી કથા, મારી ગઝલ હશે.
સ્વીકૃત થશે,ઝંકૃત થશે,વિસ્તૃત થશે વળી

અમૃત બની વરસે ઘટા,મારી ગઝલ હશે.
મારી ગઝલ, તારી ગઝલ ના ફેર કૈં હશે

મા શારદે! તારી કૃપા, મારી ગઝલ હશે.                       

  વિનોદ માણેક ‘ચાતક’

ગઝલ-અંશ એનો તો બધાં માં એજ છે

અંશ એનો તો બધાં માં એજ છે

ના દિશે તોયે , બધાં માં છે જ છે.
ક્યાં કહું છું, પણ ચહું છું હરપળે

એજ ઈશ્વર કે ખુદા સાચે જ છે.
એજ આભા,એજ એનું નૂર છે

થાય ઝળહળ,દિવ્ય જેનું તેજ છે.
બેસ લે તું બે ઘડી દરબારમાં

જિંદગી જાણે ફૂલોની સેજ છે.
આ ગઝલ પરિસર ભલે રણ હોય

પણતોય કુંપળ ફૂટશે, જ્યાં ભેજ છે.


વિનોદ માણેક ‘ચાતક’

સોનેટ ગઝલ-છંદ ઈન્ર્દૃવૃજા

ગિરીરાજધારી

પુષ્પો મહીં ભ્રમરછે વિહારી

વૃક્ષો,લતાએ શબનમ પ્રસારી

આવી વસંતે ઋતુ શમ્બરારી

આવો ,પધારો ગિરીરાજધારી.
કેવી મનોહર છબી છે તમારી

જાણે હૃદયકુંજ મહીં મુરારી

વેણું વહાવે મધુરા સુરોમાં

રાધા પુકારે ગિરીરાજધારી.
શાને તમે કુંજ ગલી વિસારી

છોને કહે સૌ વ્રજનાં વિહારી

ગોકુળ,મથુરા નગરી મજાની

ભૂલી ગયાં છો ગિરીરાજધારી.
‘ચાતક’ રૂદિયે બિરાજો સદાયે

પાછા પધારો ગિરીરાજધારી.


        —વિનોદ માણેક,’ચાતક’             

અંજાર–કચ્છ      મો. 9428080596

ગઝલ-આંખ સામે કરગરે ચ્હેરો ફરી

આંખ સામે કરગરે ચ્હેરો ફરી

યાદનો સાગર ધરે ચ્હેરો ફરી.
પાંપણે મોતી લટકતાં જે કદી

અશ્રુ તોરણ છાવરે ચ્હેરો ફરી.
ભૂલવાની વાત કયાં ભૂલાય છે?

યાદનાં ઝરણાં ઝરે ચ્હેરો ફરી.
ઈશ્વરે તો મોકલાવી માતને

તીર્થ જેવો સાંભરે ચ્હેરો ફરી.
ના મળે એનો કદી પર્યાય કૈં

માવડીનો તરવરે ચ્હેરો ફરી.
લ્યો બનાવી શી મુલાયમ રાહને

ફૂલ માર્ગે પાથરે ચ્હેરો ફરી.
પ્યાસ ‘ચાતક’ તૃપ્ત આજે થાય છે

જેમ કુંપળ પાંગરે ,ચ્હેરો ફરી.                 

વિનોદ માણેક,ચાતક

સાધો.. ગીત

સાધો,હર પલ મસ્તી મેં રહેના

કિસીસે કુછ ભી ન કહેના…


સુખ-દુખ:ના વણ્યા છે

,કૈં કેવા તાણાવાણા.

.મુક્તિ-બંધનના રચ્યાં છે

કૈં કેવા આટા-પાટા..

ગુરુજીએ તો કીધું ભૈ જીવન રૈન બસેરા..


ભરતી -ઓટ સંસાર સાગરે

તરાવજે તું તરાપો..

વધુ મમત ના રાખજે

જીવનછે ઝુરાપો..

લખ-ચોર્યાસી યોની મેં  રહેગા આના-જાના…


સાધો, હર પલ મસ્તી મેં રહેના.           

  —વિનોદ માણેક,’ચાતક’

કટારી કાળજે વાગી તમારી યાદ

કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે,

રહું છું રાતભર જાગી તમારી યાદ આવે છે.


દિવસ તસ્વીર જોઊં રાતભર આવો તમે સ્વપ્ને,

મને લગની જ છે લાગી તમારી યાદ આવે છે.


કદી શું ફૂલ ને ફોરમ જુદા હો એક બીજાથી,

ચકોરે ચાંદની માગી તમારી યાદ આવે છે.


કદી સરખામણી થાયે તમારા સમ કહી દઊછું,

કિશન રાધા જ અનુરાગી તમારી યાદ આવે છે.


ઉખાડી ચાંચ ને રાખી પીવા વરસાદને ‘ચાતક’

મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે.


વિનોદ માણેક “ચાતક”    અંજાર કચ્છ

ગઝલ-આંખ સામે કરગરે ચ્હેરો

આંખ સામે કરગરે ચ્હેરો ફરીયાદનો સાગર ધરે ચ્હેરો ફરી.


પાંપણે મોતી લટકતાં જે કદીઅશ્રુ તોરણ છાવરે ચ્હેરો ફરી

.
ભૂલવાની વાત કયાં ભૂલાય છે?યાદનાં ઝરણાં ઝરે ચ્હેરો ફરી.


ઈશ્વરે તો મોકલાવી માતનેતીર્થ જેવો સાંભરે ચ્હેરો ફરી.

ના મળે એનો કદી પર્યાય કૈંમાવડીનો તરવરે ચ્હેરો ફરી.


લ્યો બનાવી શી મુલાયમ રાહનેફૂલ માર્ગે પાથરે ચ્હેરો ફરી.


પ્યાસ ‘ચાતક’ તૃપ્ત આજે થાય છેજેમ કુંપળ પાંગરે ,ચ્હેરો ફરી.                 

વિનોદ માણેક,ચાતક

ગઝલ -સ્પર્શ આપે વેદના

સ્પર્શ આપે વેદના,સંવેદના ને શુન્યતા

ટેરવાનાં કોણ જાણે કેટલા આયામ છે

. કાનને એ વાત રાધાએ કહી શું કાનમાં?

કાનનાં તો કેટલાયે સાવ નોખા કામ છે.

છે જણસ એતો મહામૂલી ,રતન છે આંખનું

બોલે,જુએ,સાંભળે એ તો નજરનાં જામ છે.

આમતો રસના ભરી છે કૈંક નોખા સ્વાદથી

એમ લૂલી ને લડાવો ,લાડનું શું નામ છે?

નાકની આ વાત ,કૈં કાચું કપાઈ જાય ના

એમ આબરૂ સાચવીને રાખજે તો હામ છે.

વિનોદ માણેક,’ચાતક’

રાધા માધવ -ગીત

રાધાનું નામ જરીક લીધું જ્યાં વ્રજમાં
ત્યાં માધવની વેણું ઉઠી વાગી
બંસીના સૂરોથી ગ્હેકયાં કૈં મોરલાંને,
રાધા પણ ઝબકીને જાગી…

મારા રૂદીયામાં તારી ઝાંખીની ઝંખના
ને,રહું આઠે પ્રહર હું આનંદમાં
અભરખાના વન તો અડાબીડ ઉગ્યાં
તને પામવાં દોડું વૃંદાવનમાં
ગોકુળ ,મથુરાની આવજામાં ક્યાંથી
દ્વારિકાની લગની તને લાગી….

કોયલ સમ બંસીનાં મધુર ટહુકારે
મ્હેકીં ઉઠ્યું વાંસવન
રાધાના રોમરોમે કૃષ્ણના વિરહથી
વ્યાકુળ થૈ ગ્યું તન,મન
રાજા રણછોડ ક્યારે વૃજમાં પધારશો
રાધાની અરજી અનુરાગી…       

વિનોદ માણેક, ચાતક

ReplyForward

*વિનોદ માણેક, ચાતક*

જાણીતા ગુજરાતી સર્જક શ્રી કરસનદાસ માણેકના પરિવારમાં જન્મેલ કવિ વિનોદ માણેક,જેઓ  ‘ચાતક’ ઉપનામથી સાહિત્ય સર્જન કરે છે. આ એક એવી પ્રતિભા છે કે જેમની કલમ સહજ ,સરળ અને બળુકી છે.  મૂળ વતન જામનગર જીલ્લાનું નાનું એવું હડિયાના ગામ પણ વર્ષોથી શ્રી દુલેરાય કુરાણી અને શ્યામજી કૃષ્ણ વર્માની ભૂમિ એવી કચ્છની ધરતી- ‘કચ્છ કચ્છડો બારે માસ’ ગણાતી ગમતીલી આ ધરાને કર્મભૂમિ બનાવીને હાલ જેસલ તોરલની પવિત્ર સમાધિ સ્થળ એવા રૂડા અંજાર શહેરમાં વસે છે.મૂળ વિજ્ઞાનના વિદ્યાર્થી પણ સાહિત્ય સાથે બચપણથી જ ઉંડો લગાવ. બેન્કમાં સર્વિસ કરતાં કરતાં સરસ્વતીની સાધના કરતા રહ્યા છે. વિજ્ઞાન વાણિજ્ય અને સાહિત્યનો ત્રિવેણી સંગમ એવા કવિ વિનોદ માણેક ‘ચાતક’નો જન્મ 16/11/1959 ના રોજ જામનગર જિલ્લાના હડિયાણા ગામે થયેલો.     તેમણે પ્રાથમિક શિક્ષણ તથા માધ્યમિક શિક્ષણ હડિયાણા ગામે તથા બી.એસ.સી. (કેમેસ્ટ્રી સાથે)  રાજકોટમાં કોટક સાયન્સ કોલેજમાંથી કર્યું અનેઅને એ.એમ.પી.લૉ કોલેજમાં એલ એલ બી. થયા .    માર્ચ 1982 થી દેનાબેન્કમાં કચ્છ જિલ્લામાંતેમની કારકિર્દી ને શરૂઆત થઈ અને નવેમ્બર 2019માં સેવા નિવૃત થયા છે. પ્રેરણાત્મક સાહિત્ય દ્વારા સમાજને કઈંક પાછું આપવાની ઇચ્છા ધરાવતા આ સર્જકશ્રીનાથજી બાવા ભગવાન શ્રીરામ અને જલારામબાપામાં અપાર શ્રદ્ધા ધરાવતા કવિ વિનોદનો પરિવાર સુખી છે ધર્મ પત્ની સરયુબેનનો સહયોગ બંને પુત્રો અને પુત્રવધુ ડોકટર છે.   કવિ શાંત સરળ સહજ અને માનવતાવાદી અભિગમ ધરાવતા ઇન્સાન  અને મળવા માણવા જેવા માણસ છે. 

કટારી કાળજે વાગી તમારી યાદ આવે છે .

રહુ છું રાતભર જાગી તમારી યાદ આવે છે

આ અને આવી અનેક ગઝલોના રચયિતા ગઝલકાર ગીતકાર,કવિ,વાર્તાકાર,નિબંધકાર, નાટયલેખક એવા આ સર્જક પ્રસન્નતા ,ઉલ્લાસ અને મોજને માણનારા ખરા સાહિત્યસેવી છે. માણેકની જેમ જ ગઝલમાં ચમકતા એવા ગુજરાતી સાહિત્ય જગતમાં જેમનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા કવિ વિનોદ માણેક  સરસ મજાની ગઝલો લખે છે.તેઓ સંપૂર્ણ પણે ગઝલને સમર્પિત છે. ડગલેને પગલે બેસતા ઉઠતા ગઝલમાં જીવે છે, ગઝલમાં ગાય છે ગઝલમાં ખાય છે. એમના પ્રત્યેક વ્યવહારમાં ગઝલ ડોકાય છે. એમની ગઝલ પ્રત્યેની સક્રિયતા સમર્પિતતા અને સૌમ્યતા દાદ માંગી લે તેવી છે.    સાવ નાની ઉંમરથી જ લેખન સર્જન કરતા રહેલા આ સર્જકને અભ્યાસ સાથે સાથે કવિતાઓ પાંગરતી આવી છે. ધોરણ નવમાં અભ્યાસ દરમ્યાન જામનગર જિલ્લામાં કાવ્ય સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવીને પોતાની કલમનો પરચો બતાવેલ. કવિતાની બારાક્ષરીની પૂરતી સમજ નહોતી એ વેળાએ રણ(કચ્છ)ના નિવાસી હોઈ હંમેશાં સાહિત્યપિપાસુ રહેલા આ સર્જકે તખલ્લુસ પણ સાર્થક એવું ‘ચાતક’ રાખ્યુ. જોકે તેમને સાહિત્ય વારસામાંજ મળેલ છે એમ કહીએ તો એ પણ ખોટું નહી ગણી શકાય. તેમની સાહિત્ય સાધનાના પરિણામરૂપ સાત જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલ છે. જેમાં પ્રસન્નતા’, ઉલ્લાસ’,’મોજ’,’તારી આંખમાં મારા આંસુ’,રાજીપો’, એન્ડલેસ લવ!’,અને હિન્દી ભાષામાં ‘ખુશી ભરે લમહે’ નો સમાવેશ થાય છે.તેમની 180 જેટલી કાવ્ય કૃતિઓ વિવિધ સામયિકો અને અખબારોમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે.તેઓ આકાશવાણી – દુરદર્શનના માન્ય કલાકાર હોઈ અનેક કાર્યક્રમો પણ પ્રસારિત થયેલ છે, એટલું જ નહી અનેક સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં નિર્ણાયક તરીકે  અથવા વક્તા સંચાલક તરીકે તેઓએ સેવા આપી છે. તેઓની કૃતિઓનું મૂલ્યાંકન પ્રભાશંકર ફડકે ડો.અરૂણ કક્કડ કવિ મદનકુમાર અંજારીયા રણછોડભાઈ પંચાલ દ્વારા થયું છેતેઓની 150 જેટલી રચનાઓ ઓસમાણ મીર, કલીમખાન, કાજલ છાયા, કીર્તિભાઈ હાથી, અનિલ વોરા, નિરંજન અંતાણી, જેવા સ્વરકારોએ સુગમ સંગીતમાં કંપોઝ કરી છે.તેઓની રચનાઓ પૂજય મોરારીબાપુ ,ઓસમાણ મીર કીર્તિદાન ગઢવી, જીજ્ઞેશ દાદા સહિતના મહાનુભાવો પ્રસંગોચિત અવસરે ગાય પણ છે.

કર ખુદા કી બંદગી રમઝાનમાં,

 રુહ થાશે પાકીઝગી રમઝાનમાં.

આ રચના  જાણીતા ગાયક ઓસમાણ મીરે કંપોઝ કરેલ છે જે ખૂબ લોકપ્રિય બની છે. તેમને નાના મોટા 125 થી વધુ પુરસ્કારો મળ્યા છે. એથી વધુ મુશાયરા માટે વિનોદ માણેક ‘ચાતક’ નામ ભાવકો- ચાહકોમાં લોકપ્રિય અને ગણમાન્ય છે. તેમનો પોતાનો પણ કંઠ સરસ હોઈ મુશાયરાઓમાં  ગઝલ પઠન અને થી ભાવકો ચાહકોને ડોલાવી જાણે છે. તેમની ‘ કટારી કાળજે વાગી’ રચના 45 જેટલા સિદ્ધહસ્ત ગાયકોએ ગાઈ છે. આવી ખ્યાતિ બહુ જૂજ ગુજરાતી કવિઓને મળી હશે. હમણાં ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુરત દ્વારા તેમની ગઝલ ‘કટારી કાળજે વાગી’ને બેસ્ટ ગુજરાતી ગઝલનેરેકોર્ડઝ બુકમાં સ્થાન મળ્યું છે, તેઓને ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી તેમના લલિત નિબંધ  માટે દ્વિતીય કક્ષાનું  પારિતોષિક એનાયત કરવામાં આવેલું. કવિની રચનાઓમાં જિંદગીના વિવિધ આયામો અધ્યાત્મ ભક્તિ  રંગ જોવા મળે છે અને તેઓ સર્જક શ્રી કરસનદાસ માણેકના વારસાને આગળ ધપાવી રહ્યા છે.અસંખ્ય મુશાયરા કવિ સમેલનોમાં ભાગ લઈ ચૂકેલ છે લોક ડાઉન દરમ્યાન ઓનલાઇન ફોન ઇન મુશાયરામાં ભાગ લઈને ગુજરાતી સાહિત્યને નવો મુકામ આપ્યો છે. જીંદગી,પ્રેમ,પ્રભુ, કોમી એકતા વિષય પર  કવિતા લખવી ગમે છે એવા આ સર્જકની સુંદર રચનાઓના થોડાક શેર માણીએ.

લ્યો, ચેતના ઝોલું જરા ખાઈ ગઈ,

ને નામ એને તો મરણ આપ્યું તમે

ન વર્ષા, ન ઝરમર, ન ફોરા કશું,

ના છતા આભમાં સપ્તરંગી છે

ના બંને કૈં , તું ફકત માનવ બને,

તો પછી આનંદ ગામે ગામ છે

હર એક ભીતર રામ છે એજ,

ઈશ્વર કે ખુદા બસ નામ છે

ભટકતી વણઝાર જેવો આ સમય,

ને નસીબે કાંખઘોડી ક્યાં જવું

ReplyForward

પવન ફરકે તો એ રીતે ફરકજે પાન ના ખખડે !
કોઈને સ્વપ્નમાં માંગી અમર હમણાં જ સૂતો છે.

દવા તો શું હવે સંજીવની પણ કામ નહીં આપે,
જીવનના ભેદને પામી અમર હમણાં જ સૂતો છે.

ગયો એ હાથથી છટકી, હવે શું બાંધશે દુનિયા-
બધાંયે બંધનો ત્યાગી, અમર હમણાં જ સૂતો છે.

ન જાગે એ રીતે ઊંચકીને એને લઈ જજે, દુનિયા !
સમયની કૂચમાં થાકી, અમર હમણાં જ સૂતો છે.

-’અમર’ પાલનપુરી

ભુલ

ભુલને એનો ભરમ ના સમજાય રે કદી;

ભુલને એનો મરમ ના સમજાય રે કદી.

ભુલને એનાં મુલની કશી કીંમત ભલા ?

પસ્તાવાનો ધરમ ના સમજાય રે કદી.

 ભુલ ને ભુલ ને ભુલ તો આ જીવતરનો મુદ્દો,

મુળમાં રહ્યાં કરમ ના સમજાય રે કદી.

 મુળમાં જઈ નીદાન કરે સમજાય, છતાંયે

હાથમાં ઓસડ પરમ; ના સમજાય રે કદી.

 ભુલને દાબી દૈ, મથે સંતાડવા ભલે,

ઉપસી આવે વરમ; ના સમજાય રે કદી !

 ભુલ સામાની ભીંત ઉપર દેખાય રે ચોખ્ખી,

આપણી તો એ શરમ, ના સમજાય રે કદી.

 આંગળી ચીંધી એક, બતાવી ભુલ બીજાની;

આપણી સામે ત્રયમ્, ના સમજાય રે કદી !

 – જુગલકીશોર.

https://jjkishor.wordpress.com/

 

12063448_1071886916166238_6181035739325322850_n (1)

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે

અટકાવ તું ભલે ને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ સ્હેજ એને છેટા રહે નહીંતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે, અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળુ પસાર થાશે

પંખીની જેમ હું પણ બેસીશ એની માથે
સંજોગ જ્યારે જ્યારે વીજળીનો તાર થાશે

કુલદીપ કારિયા

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું

સૂર તો નથી પરંતુ સૂરનો ઉઘાડ છું
ભાષા ન ઓળખે એ શબ્દનો પ્રકાર છું

ચટ્ટાન તોડી માર્ગ કાઢશે જરૂર એ
ધીમા છતાં સતત હું બિંદુનો પ્રહાર છું.

જૂનો થશે પરંતુ ફાટશે નહીં કદી
પહેરી શકો નહીં તમે હું એ લિબાસ છું.

શોધ્યા કરું છું કોઈ પોષનારને અહીં
આવીને ઓસરી જતો નવો વિચાર છું.

કુમકુમ અક્ષતે બધા વધાવજો હવે
જે ભાગ્ય ફેરવી શકે હું એ સવાર છું.

તકરાર કોઈ સાથ ક્યાં રહી હવે કહો
મારી અપૂર્ણતા તણો પૂરો સ્વીકાર છું.

બદલી ચૂકી છું વસ્ત્ર દેહરૂપ કેટલાં
ને તોય શાશ્વતી તણો નર્યો પ્રચાર છું.

મારામાં આથમી અને ઊગી શકે બધું
હું પૂર્ણ છું છતાંય પૂર્ણનો વિકાસ છું.

– મધુમતી મહેતા

જરા ધ્યાન રાખ જો-મુસાફીર પાલનપુરી

jaradhyanrakhajo

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

લોક જુદા, ભાર એના એ જ છે,– દર્શક આચાર્ય

લોક જુદા, ભાર એના એ જ છે,
શ્વાસ જુદા, સાર એના એ જ છે.

રંગજીવનના ભલે જુદા હતા,
મૃત્યુના આકાર એના એ જ છે.

સ્વપ્ન જુએ તું ભલે આકાશનાં,
આંખના વિસ્તાર એના એ જ છે.

ફેરવી લીધું ભલે મોં એમણે,
આપણા વે’વાર એના એ જ છે.

આપણા ઝખ્મો ભલે જુદા હતા,
દિલ ઉપરના વાર એના એ જ છે.

ગુમાવી બેઠો છું – અશરફ ડબાવાલા

કલમ લઈ હાથની થાપણ ગુમાવી બેઠો છું.
પટોળું લાવતાં પાટણ ગુમાવી બેઠો છું.
હજી અજવાસને મેં સાચવીને રાખ્યો છે,
ભલેને જ્યોતનું તારણ ગુમાવી બેઠો છું.
તમે શાશ્વત સ્વયંભૂ થઈ બિરાજો પથ્થરમાં,
હું મારા ભીતરે ફાગણ ગુમાવી બેઠો છું.
હતું એ મૌન મારું ગીરના જંગલ જેવું,
કરીને ગર્જના સાસણ ગુમાવી બેઠો છું.

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,-રશીદ મીર

સાવ અજાણી ભાષા જેવું હું પણ બોલું તું પણ બોલ,
ભેદ ભરમના તાણાવાણા હું પણ ખોલું તું પણ ખોલ.

ક્યાંય નહીં અવચેતન જેવું વીસરાતાં ચાલ્યાં ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ હું પણ ખોલું તું પણ ખોલ.

સાલ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટ ની ચાલ જ ન્યારી; વણપ્રીછયું પ્રીછે કૈં વાર,
પલમેં માસા પલમેં તોલા હું પણ તોળું તું પણ તોળ.

શબ્દોના વૈભવની આડે અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા હું પણ પોલું તું પણ પોલ.

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,-મરીઝ’,

જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.

ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.

ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!

પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.

આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!

આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી…..!!!!

તું ઝરૂખેથી જરા ડોકાય છે,

તું ઝરૂખેથી જરા ડોકાય છે,
વિશ્વ આખુ ચાંદનીમાં ન્હાય છે.

જે તરફ તારા મળે પગલાં મને ;
ત્યાં જવાનું મન વધારે થાય છે.

જે લખી’તી મે ગઝલ તારા વિશે,
આજ લાખો પ્રેમીઓ એ ગાય છે.

એક તારા રૂપની જોવા ઝલક ;
આયખું આખુ’ય વીતી જાય છે.

-દિલેર બાબુ,

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં,
આવી જજો ન આપ ફરી દરમિયાનમાં…

એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા,
જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં…

કોઈ સહાય દેશે એ શ્રધ્ધા નથી મને,
શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં…

એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ,
સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં…

એનો હિસાબ થશે કયામતના દિવસે,
ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં…

હો ગુર્જરીની ઓથ કે ઉર્દુની ઓ મરીઝ,
ગઝલો ફક્ત લખાય છે દિલની જબાનમાં…

– ‘મરીઝ’

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.
છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.
પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.
કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.
પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.
લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.
માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

–ભગવતીકુમાર શર્મા–

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,- ‘આદિલ’ મન્સૂરી

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,
પરિસ્થિતિ વિષે ચૂપ પણ રહી શકાય નહીં…

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે,
હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં…

નથી જગા હવે આગળ કદમ ઉઠાવાની,
ને આ તરફ હવે પાછા ફરી શકાય નહીં…

યુગોની આંખમાં એ ખૂંચશે કણી થઇને,
હવે એ ક્ષણને નિવારીય પણ શકાય નહીં…

નથી તિરાડ કોઇ કે હવા પ્રવેશી શકે,
અને છતાંય અહીં શ્વાસ ગૂંગળાય નહીં…

 

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,

પગરવોમાં માપસરની કરકસર રાખું છું હું,
અજનબી અંદાઝ મારો તરબતર રાખું છું હું.

ઓળખાણોનાં વિનિમયની ઉંમર લંબાય છે,
ને નવોદિત સખ્શ નાં જેવી અસર રાખું છું હું.

જ્યારથી ખારાશ માફક આવતી ગઈ છે મને,
ત્યારથી સાગર કિનારે એક ઘર રાખું છું હું.

વાસ્તવિક્તાનો જ વિશ્વાસુ બનું એવો નથી,
સ્વપ્નનાં વિષયો વિષે પાકી ખબર રાખું છું હું.

પાડશો પગલા નહીં મિત્રો મધુશાળા તરફ,
દર ગઝલ માં કેફનાં તત્વો પ્રખર રાખું છું હું.

ચિન્મય શાસ્ત્રી “વિપ્લવ”

સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે..જો .!- લક્ષ્મી ડોબરિયા

સમયને હાથ જોડ્યા તોય, પાછો ક્યાં વળે છે..જો .!
અને, માંગ્યા વગર પીડા બધી આવી મળે છે.. જો..!

કદી વાસંતી સપનાં આંખમાં રોપ્યા હતાં એથી ,
હવે તો પાનખર પણ , થઈ ગુલાબી ને ફળે છે..જો..!

હથેળી બંધ છે ને , કાલ પણ એમાં સલામત છે ,
છતાંયે બીક રાખી , આજ કેવી સળવળે છે..જો..!

છલોછલ બારમાસી લાગણી કેરા સરોવરમાં ,
અધૂરી ઝંખના, ટોળે વળીને ટળવળે છે..જો..!

સમય, સંજોગને ગ્રહોતણાં. માંડીને વરતારા ,
તું મનગમતી કરીને વાત, ખુદને પણ છળે છે..જો..!

 

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !– અમર પાલનપુરી

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

મોટેથી કહી શકાય, નથી એવી વાત એ;
સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ !

અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે,
રાખીને એ ખયાલ, જરા તો નજીક આવ !

ટાઢક વળે છે દિલને મહોબતની આગથી;
જોવાને એ કમાલ, જરા તો નજીક આવ !

જાવું છે મારે દૂર ને ઝાઝો સમય નથી,
છોડીને સૌ ધમાલ, જરા તો નજીક આવ !

વાગી રહી છે મોતની શરણાઇઓ અમર,
જોવા જીવનનો તાલ, જરા તો નજીક આવ !

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી -સંજુ વાળા

સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી

અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી

છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી

કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગણ મૂકી

તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી

એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?

જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી

ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી

-*-
જોગણ=અશ્વોને તાકાત વધારવા ખવરાવતા અનાજ-કઠોળ.

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,- બરકત વિરાણી ‘બેફામ’

દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…

બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…

ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…

કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…

દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…

ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…

બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…

રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…

કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…

 

ખાલીપાથી ખખડેલો છુ.-સુધીર દત્તા

ખાલીપાથી ખખડેલો છુ.
હું બંધ મકાનનો ડેલો છુ.

ખુદને શોધવાની પાછળ હું,
બહુ જગ્યાએ ભટકેલો છુ.

કોણ હવે સાચવશે મુજને,
હું દોસ્તીનો હડસેલો છુ.

ખબર નહી ક્યારે ફૂટી જઈશ,
ફુગ્ગાની જેમ ફૂલેલો છુ.

થોડો ઢાળ મળે ,વહી જઈશ,
વહેતા પાણીનો રેલો છુ.

કોઈ પૂછે મારે વિષે,
તો કહેજો કે બહુ ઘેલો છુ.

છુ હમસફર ઘણાનો ,કેમકે,
બેગ છુ,બિસ્તર છુ, થેલો છુ.

સાંભળવાનો મોકો જો મળે,
તો સાંભળજો ,ભલે છેલ્લો છુ.

સાવ અનોખી વાત લઈને,
હું ય લાઈનમાં ઉભેલો છુ.

 

યાદનુ એકાદ લીલુ પાન હો-કિરીટ ગોસ્વામી

મન કહે તે માન તો તકલીફ જેવુ કઈ નથી-કિરીટ ગોસ્વામી

લાગણી જ્યારે ખતમ થઇ જાય -કિરીટ ગોસ્વામી

કદી મન આજ પ્‍હેરે છે, કદી ગઇ કાલ પ્‍હેરે છે,- કિરીટ ગોસ્વામી

કદી મન આજ પ્‍હેરે છે, કદી ગઇ કાલ પ્‍હેરે છે,
કદી એ આવનારી કાલનાં કૈં ખ્યાલ પહેરે છે.

બિચારા માણસો ઇચ્છા પડે તે ક્યાં શકે પ્‍હેરી ?
સતત સંજોગ પ્‍હેરે છે, સમયની ચાલ પ્‍હેરે છે.

તમારે હાથ લાગે કઈ રીતે મખમલ પરમસુખનું,
તમારો જીવ કેવળ દુન્યવી જંજાળ પ્‍હેરે છે.

વલણ એ આદમીનું છે અનોખું ને અલગ સૌથી,
તરત એ એટલે સૌની નજરનું વ્‍હાલ પ્‍હેરે છે.

કણેકણમાં સમાયો છે તમારા નામનો જાદુ,
બધાં તવ નામની માળા, થવાને ન્યાલ, પ્‍હેરે છે.

બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે– કિરીટ ગોસ્વામી

બધાંનું કૂળ છે એક જ, બધાંની જાત સરખી છે
છતાંયે ક્યાં બધાંના હોઠ પરની વાત સરખી છે

બધાંની વારતા આગળ જતાં નોખી ઘણી પડશે
બધાંની વારતાની છો અહીં શરૂઆત સરખી છે

નદી, પર્વત અને જંગલ : બધૈ વૈવિધ્ય છે અઢળક
ચિતારો એક છે કિન્તુ બધી ક્યાં ભાત સરખી છે

તમારું મન ફક્ત બદલાય છે સુખમાં અને દુઃખમાં
દિવસે સરખા બધા છે ને અહીં સૌ રાત સરખી છે

તમે આંસુ વહાવો છો, અમે ગઝલો રચી જાશું
મળી છે ભાગ્યવશ જે બેઉને તે ઘાત સરખી છે

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,– કિરીટ ગોસ્વામી

ક્ષણેક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ બંને સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

બધાંની વચોવચ અચાનક પડી જાઉં હું એકલો એમ ક્યારેક;
ન મારું મને પીઠબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ફરી જીવને ઝંખનાઓ રૂપાળી-રૂપાળી કરી દે પ્રભાવિત,
ફરી કોઇ ઇચ્છા પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

લડ્યા હું કરું એકલે હાથ સંસારનાં સર્વ તોફાનો સામે,
ઊઠ્યું ભીતરે એક વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

પઠન જિંદગીની ગઝલનું કદી થાય એકાંતમાં કે સભામાં,
અસલ દાદ દેવાની પળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

આ હાથીભાઇ ને મોજ- કિરીટ ગોસ્વામી

આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,-કિરીટ ગોસ્વામી

આ બધી યે લાગણી આખર તો દુઃખનું મૂળ છે,
સર્વ ઈચ્છા આપણી આખર તો દુઃખનું મૂળ છે;

તૂટશે ત્યારે કણાની જેમ પલ-પલ ખૂંચશે,
સ્વપ્ન કેરી વાવણી આખર તો દુઃખનું મૂળ છે;

એક ટીપું ગેર-સમજણનું પડ્યે થઇ જાય ઝેર,
સગપણોની ચાસણી આખર તો દુઃખનું મૂળ છે;

હોય છે માટી જ કાચ સાવ મનની મૂળ તો,

જે થતી તે બાંધણી આખર તો દુઃખનું મૂળ છે;

મોત સામે હાર એની છે જ છે નક્કી “કિરીટ”;
શ્વાસની આ છાવણી આખર તો દુઃખનું મૂળ છે.

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,- ભીખુભાઈ ચાવડા ‘નાદાન’

વિધાતાથી ઘણી રકઝક કરી, એક જ રટણ માગ્યું,
તમારો પ્રેમ માગ્યો, રાત માગી, જાગરણ માગ્યું…

યુવાનીની ખરી કિંમત સમજવા બાળપણ માગ્યું,
યુવાનીની જ છાયામાં જીવન માગ્યું, મરણ માગ્યું…

બધાં છલબલ થકી નિર્લેપ રહેવા ભોળપણ માગ્યું,
વિના સંકોચ જે દેખાય તે અંત:કરણ માગ્યું…

પ્રણયની વાતમાં બુદ્ધિ ઉપર દિલનું ચલણ માગ્યું,
અને દિલબરનું મુજ પ્રત્યે ગમે તેવું વલણ માગ્યું…

જગત આ હો, અગર જન્નત, અગર દોઝખ, ગમે તે હો,
ખુદા પાસે અમે મહેફિલ તણું વાતાવરણ માગ્યું…

પછી સોડહમ તણા ગેબી મને પડઘાઓ સંભળાયા,
પરમ-આત્મા થકી આત્માનું જ્યાં એકીકરણ માગ્યું…

અમે ‘નાદાન’ રહીને વાત કહેવા માણસાઈની,
ગણો તો શાણપણ માગ્યું, ગણો તો ગાંડપણ માગ્યું…

 

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,- મનોજ ખંડેરીયા

કૈ શૂન્યતાના થર ચડ્યા અંબરની આસપાસ,
એકલતા કેવી વ્યાપી છે ઇશ્વરની આસપાસ…

કૂદી પડે છે કાંટા ઉપરથી પ્રથમ, અને,
રઝળ્યા કરે પળો પછી ટાવરની આસપાસ…

નિંદરની સાથ જીવ તો ઊડી ગયા પછી,
સ્વપ્નોમાં શબ પડી રહ્યાં બિસ્તરની આસપાસ…

એકમેકમાં દીવાલ ઘરોની મળી જશે,
પહેરો સતત ભર્યા કરો ઉંબરની આસપાસ…

હમણાં જ હું હતો ને અચાનક ગયો છું ક્યાં?
રખડું છું શોધવા મને હું ઘરની આસપાસ…

 

નામ તારું કોઈ વારંવાર લે,- ચિનુ મોદી ‘ઈર્શાદ’

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે…

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું?
તું કહે તો થાઉં ખુશ્બોદાર લે…

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં?
તું મરણ છે, હાથમાં તલવાર લે…

હાથ જોડી શિર નમાવ્યું, ના ગમ્યું?
તું કહે તો આ ઊભા ટટ્ટાર લે…

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર?
તું કરે છે ઠીક શિષ્ટાચાર લે…

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર લે…

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’,
ને હતો હું કેવો બેદરકાર લે…

 

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,- બરકત વિરાણી ‘બેફામ’

બીક છે બન્ને તરફ, બન્ને તરફ નુકશાન છે,
દોસ્ત છે દાના બધા, દુશ્મન બધા નાદાન છે…

એ ભલે જોતાં નથી, પણ સાંભળે તો છે મને,
એટલે તો મારા પ્રત્યે આંખ આડા કાન છે…

શી ગરજ સાકીની મારે શી મદિરાની જરૂર?
આમ પણ મારા જીવનનું ક્યાં મને કંઇ ભાન છે?

જે ગુલામી માથું ઊંચકવા નથી દેતી કદી,
નામ એનું સભ્ય ભાષામાં કહું? અહેસાન છે…

જુલ્મ કરનારા મળ્યા છે એટલા નાસ્તિક મને,
કહી નથી શકતો કે મારો પણ અહીં ભગવાન છે…

સર્વમાં ઇન્સાનિયતની શોધ ના કરશો કોઇ,
આ જમાનામાં ફક્ત એકાદ-બે ઇન્સાન છે…

માફ કરજો ઓ મનુષ્યો, હું નહીં માગું મદદ,
એ મહીં તો મારા પાલનહારનું અપમાન છે…

હોય સાગર કે કોઇ રણ, છે બધે સરી હવા,
નીર હો કે રાત, અહિંયા તો બધે તૂફાન છે…

કંઇ બધાં રડતાં નથી બેફામ મારા મોત પર,
કંઇક છે એવાય જેના હોઠ પર મુસ્કાન છે…

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,- મરીઝ

નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે,
ફકીર લોક જમાનાની ચાલ સમજે છે.

પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી,
મને ખબર છે કે એ મારો હાલ સમજે છે.

સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ,
જમાનો એને કવિનો ખયાલ સમજે છે.

આ ભેદ ખોલશે એક દિન ખુદાપરસ્ત કોઈ,
કે કોણ કોને અહીં પાયમાલ સમજે છે ?

હસીખુશીથી જે વાતો નિભાવું છું તેથી,
આ લોક મારા હૃદયને વિશાલ સમજે છે.

મળે તો એમની આશાને સો સલામ કરું,
કે વર્તમાનને પણ જેઓ કાલ સમજે છે.

અમે એ જોઈને દિલની વ્યથા નથી કહેતા,
કે એને ઐશની દુનિયા સવાલ સમજે છે.

તને બતાવી શકે કોણ ઉડ્ડયનની કલા,
કે તું હવાને શિકારીની જાલ સમજે છે !

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.

ખબર ખુદાને કે જન્નતમાં દુ:ખ હશે કેવાં !
કે ત્યાંના લોક મદિરા હલાલ સમજે છે.

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.

 

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,- મરીઝ

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.

જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.

ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.

જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.

સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.

એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,- મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

 

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,- કૈલાશ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાશ પંડિત

સાંજના ડૂબી જતાં સૂર્યને- કૈલાશ પંડીત

સાંજના ડૂબી જતાં સૂર્યને
કે પછી જોયા કરું છું તને.

હું જવા નીકળું તમારે ઘેર ને
બારણાં ખુલ્લા મળી આવે મને … સાંજના

દૂરતા છે એટલી તારી હવે
આવવા છે જ ક્યાં રસ્તા મને … સાંજના

જીવતાં તો હાથ ના દીધો કદી,
ઉચકીને લઈ ગયા ‘કૈલાશ’ને … સાંજના

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું

જેને ખબર નથી કે સુરા શું ને જામ શું
એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ?

સાકી જે મયકશીની અદબ રાખતા નથી
પામી શકે એ તારી નજરનો મુકામ શું ?

અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો
ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું ?

મળશે તો ક્યાંક મળશે ગઝલમાં એ મસ્તરામ
જે ‘શૂન્ય’ હોય એને વળી ઠામબામ શું ?

– શૂન્ય પાલનપુરી

%d bloggers like this: