તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી
બીજાની આંખોમાં તરવાનું છોડ.
વાયદાનાં ફૂલોની મોસમ તો વીતી ગઇ
વગડે વગડે હવે ફરવાનું છોડ.
તારી આંખોમાં ભલે ખાલીપો ઝૂરતો
બીજાની રાતોને ભરવાનું છોડ.
તારી હથેળીમાં ચડવા દે રંગ કોઇ
મુઠ્ઠીની રેત જેમ સરવાનું છોડ.
પગલાંની છાપ હવે ક્યાંય નથી પડવાની
છોડ બધું, નીકળી જા… ડરવાનું છોડ.
એની સુગંધે ક્યાં લગી જીવીશ તું?
એક એક શ્વાસ માટે મરવાનું છોડ.
તારી ભીતર આખો ઝાકળનો દેશ છે
તડકાના ટુકડા સંઘરવાનું છોડ.
તારી ભીનાશ એની સમજણની બહાર છે
રૂંવે રૂંવેથી નીતરવાનું છોડ.
બાવળ તો બાવળ ને થોરડું તો થોરડું
જાણી લે, ફૂલ નથી – ખરવાનું છોડ.
બીજાથી જુદો, પણ એય નર્યો માણસ છે
માગવા-તરફડવા-કરગરવાનું છોડ.
કોણે કીધું કે તને કોઇ નથી ઝંખતુ – ચાહતું
એક પછી એક સાપ ડંખવાનું છોડ.
– કાજલ ઓઝા
Filed under: કાજલ ઓઝા, કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા | Tagged: કાજલ ઓઝા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તારી આંખોમાં તું ડૂબ હવે, ધીમેથી, gujarati, gujarati git, gujarati kavita, gujaratikavitaanegazal | 1 Comment »