ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું,
બે જુદાં શિર છે પરંતુ એક તન છે આપણું;
વર્તુલો રચવા સુધીની છે જુદાઈની વ્યથા,
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું.
*
ડંખ દિલ પર કાળ-કંટકના સહન કીધા વગર,
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર;
કાંસકીને જો કે એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રુયાની જુલ્ફ પર.
*
એમ લાગે છે કે આ કુંજો પણ ખરો પ્રેમી હશે,
કો સનમની રેશમી જુલ્ફોનો એ કેદી હશે;
હાથ આ રીતે વળે ના ડોક પર કારણ વિના,
યારની ગરદનનો મારી જેમ એ ભોગી હશે.
*
અ સનમ-દરબાર છે, ઓ દિલ તજીને સૌ ભરમ,
બાઅદબ દાખલ થઈ જા, ઓગળી જાશે અહમ;
પ્યારના હાથે ફનાનો ઘૂંટ જ્યાં પીધો કે બસ,
થઈ જશે આવાગમનના સર્વ ઝઘડાઓ ખતમ.
-હકીમ ઉમર ખૈયામ નીશાપુરી
Filed under: ‘શૂન્ય’ પાલનપુરી, ઉમર ખૈયામ, રુબાઈ | Tagged: ઉમર ખૈયામ, ઓ પ્રિયે ! પરિકરના જેવું આ જીવન છે આપણું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રુબાઈ – ઉમર ખૈયામ (અનુ. શૂન્ય પાલનપુરી), શૂન્ય પાલનપુરી, હકીમ ઉમર ખૈયામ નીશાપુરી, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a comment »