દૃશ્યથી ધીમા સ્વરોને, લાબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને !

દૃશ્યથી ધીમા સ્વરોને, લાબું અંતર પાર કરતાં વાર તો લાગે જ ને !
આ ગઝલ વંચાઈ ગઈ પણ આંસુઓને કાને પડતા વાર તો લાગે જ ને !

રીસમાં ભીનાં થઈ બિડાઈ ગયેલાં નેણ એનાં, એમ તો ક્યાંથી ખૂલે ?
બોજ ઝાકળનો લઈને પાંખડીઓને ઉઘડતાં, વાર તો લાગે જ ને !

પાંખડીઓને વકાસી, સૂર્યની સામે કમળ જોયા કરે છે ક્યારનું,
ફેરવી લે મોં તિમિરથી એને અજવાળું સમજતાં વાર તો લાગે જ ને !

ઊછળી-ઊછળીને ફોરાં, વારે વારે દઈ ટકોરા, બ્હાર બોલાવી રહ્યાં,
ડોકિયું કાઢીને કૂંપણ એમ કહેતી, હસતાં હસતાં : વાર તો લાગે જ ને !

હા, એ કહેતા તો હતા કે વાડીનું રખવાળું કરવા ટાંકણે આવી જઈશ,
એક એક પતંગિયાની પાંખમાં રંગોળી પૂરતાં વાર તો લાગે જ ને !

– ઉદયન ઠક્કર

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.

ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.

મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.

દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.

પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !

– ઉદયન ઠક્કર

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી

નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી

એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી

કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી

કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી

બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી

આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી

પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી

– ઉદયન ઠક્કર

ટચુકડી જાહેરખબર

ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની, બેદરકારીને કારણે,પલક મીંચવા
ઉઘાડવા વચ્ચેની કોઈ,ક્ષણે…..ગુજરાતી
વાંચતી–લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની : કાનુડાએ
કોની મટકી ફોડી ? એમ પૂછો તો કહેશે,
જેક એન્ડ જિલની ગોતીને પાછી લાવનારને માટે,
ઇનામ……એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.

 

…..ઉદયન ઠક્કર

%d bloggers like this: