સંકટભરી છતાંય મને એ ગમી હતી,

સંકટભરી છતાંય મને એ ગમી હતી,
મેં જિન્દગીને આપની બક્ષિસ ગણી હતી.

બહેલાવી ના શક્યો કદી દિલ આપના વગર,
ચીજોની આ જગતમાં ભલા ક્યાં કમી હતી.

બેઠા હતા અમે અને જલતું હતું હૃદય,
તેથી જ તો એની સભામાં રોશની હતી.

અફસોસ કે દુનિયાએ બનાવી હજાર વાત,
નહિતર અમે તો એક બે વાતો કરી હતી.

દર્શન થયાનહીં એ મુકદ્દરની વાત છે,
આંખો તો ઇંતેજારમાં ખુલ્લી રહી હતી.

-અદમ ટંકારવી

એક પોએટ એટલે મૂંઝાય છે,

એક પોએટ એટલે મૂંઝાય છે,
ભાષાબાઈ એઇડ્સથી પીડાય છે.

વ્હેર ધ શુ પિન્ચીઝ ખબર પડતી નથી,
બ્લડસ્ટ્રીમમાં પીડા જેવું થાય છે.

એઈજ સિક્સટીની થઈ ગઈ એ ખરું,
કિન્તુ તું સિક્સટીન દેખાય છે.

હું લખું ઇંગ્લીશમાં તારું નામ ને,
એમાં સ્પેલિંગની ભૂલો થાય છે.

શી વુડન્ટ લિસન ટુ એનિવન અદમ,
આ ગઝલને ક્યાં કશું કહેવાય છે.

– અદમ ટંકારવી

હું તો માનું છું કે હું છું શાયર-અદમ ટંકારવી

હું તો  માનું છું  કે હું છું  શાયર

કિન્તુ  ડાર્લિંગ  કહે  છે  લાયર

સ્હેજ અડતાં જ  શૉક લાગે  છે

લાગણી હોય છે  લાઈવવાયર

અર્થનો  રોડ  છે  ખાબડખૂબડ

ને વળી  ફ્લૅટ  શબ્દનું  ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ  ગર્લ ઈઝ  સ્પિટિંગ  ફાયર

ફાસ્ટ ફૂડ  જેવી  ગઝલ  વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

અદમ ટંકારવી

મીઠ્ઠી માલિકની દયા જેવી

મીઠ્ઠી માલિકની દયા જેવી
વાત છે ચોખ્ખી દીવા જેવી.

તારા જ શહેરમાં જિન્દગી મારી
તેં જ ફેલાવેલી અફવા જેવી.

છોડ રૂપક ઉશેટી દે ઉપમા
એ નથી કોઇ કે કશા જેવી.

દિલ બન્યું જામ ત્યારથી ઝાહિદ
હરકોઇ ચીજ છે સુરા જેવી.

સ્મરણ તારું છે સાતસોછ્યાસી
યાદ તારી છે શ્રી ૧| જેવી.

ગઝલ લખી દ્યો સીધીસાદી, અદમ
જીવીકાકીની સવિતા જેવી.

– અદમ ટંકારવી

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ
હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો
ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો
બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી
ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ
ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

અદમ ટંકારવી

નફા ને ખોટનો ખયાલ ન કર,

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે તું નથી તારી મિલકત,
દોસ્ત તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત તું એટલી કમાલ ન કર.


– અદમ ટંકારવી

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી

દિલ મેં દીધું આપને દીઠા વિના

દિલ મેં દીધું આપને દીઠા વિના
મંઝિલે પહોંચી ગયો રસ્તા વિના

એમનાં દર્શન થયાં મોકા વિના
સ્વપ્ન એક જોયું હતું નિન્દ્રા વિના

કોઈ માને કે ન માને સત્ય છે
ચાંદ જોયો છે અમે ડાઘા વિના

આપણે પણ મૌનનો દરિયો હવે
પાર કરીએ શબ્દની નૌકા વિના

જાય છે ક્યાં ઘરની દીવાલો બધી
આજ અમને કાંઈ પણ પૂછ્યા વિના

કોણ અચાનક આવ્યું ઘરમાં અદમ
કેમ અજવાળું થ્યું દીવા વિના

– અદમ ટંકારવી

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,

વેમ્બ્લીમાં લડખડે છે ગુર્જરી,
જીન્સ પહેરીને ફરે છે ગુર્જરી.

લેસ્ટરમાં સ્હેજ ઉંચા સાદથી,
શોપમાં રકઝક કરે છે ગુર્જરી.

બ્લેકબર્નમાં ખુબ હાંફી જાય છે,
બર્ફ પર લપસી પડે છે ગુર્જરી.

ક્યાંક વિન્ટર થઈને થીજી જાય છે,
ક્યાંક ઓટમ થઈ ખરે છે ગુર્જરી.

કોક એને પણ વટાવી ખાય છે,
પાંચ પેનીમાં મળે છે ગુર્જરી.

બોલ્ટનમાં જાણે બોમ્બે મીક્સ છે,
ત્યાં પડીકામાં મળે છે ગુર્જરી.

હાળું ઐં હુરતનાં જેવું ની મળે,
બેટલીમાં ગાળ દે છે ગુર્જરી.

સાંધાવાળો સાડલો પહેરી ફરે,
કયાં હવે દીઠી ગમે છે ગુર્જરી.

આર્થરાઈટીસથી હવે પીડાય છે,
લાકડી લઈને ફરે છે ગુર્જરી.

લોક બર્ગર ખાય છે ગુજરાતમાં,
ને ઈંગ્લેન્ડમાં ભજીયા તળે છે ગુર્જરી.

વાસી-કુસી થઈ ગઈ બારાખડી,
ફ્રિજમાં એ સાચવે છે ગુર્જરી.

સાંજ પડતા એને પીયર સાંભરે,
ખુણે બેસીને રડે છે ગુર્જરી.

જીવ પેઠે સાચવે એને ‘અદમ’
ને ‘અદમ’ને સાચવે છે ગુર્જરી.

– અદમ ટંકારવી