કવિ છું હું, બધાને કાજ મારે જીવવાનું છે;
બધાના દર્દ મારાં છે,ને મારું દિલ બધાનું છે.
તમારું દર્દ છે આ, કામ મારે શું દવાનું છે?
કે એ જીવવાનું કારણ છે,એ મરવાનું બહાનું છે.
નહીંતર આંખની સામે જ મશરૂનું બિછાનું છે,
મગર મારા મુકદ્દરમાં હમેશાં જાગવાનું છે.
નજૂમી, આવનારી કાલની ચર્ચા પછી કરજે;
મને છે આજની ચિંતા કે આજે શું થવાનું છે.
હું ધારું છું-સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી,
કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે.
જગા એમાં મને મળતી નથી એમાં નવાઈ શી?
હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે.
હું નીકળી જાઉં છું જ્યાંથી, ફરીથી ત્યાં નથી જાતો;
હજીયે સ્વર્ગ જેવું સ્વર્ગ પણ મારા વિનાનું છે.
મળી છે લોકની કાંધે સવારી એટલે બેફામ,
ખુદાનું ઘરનું તેડું છે, ખુદને ત્યાં જવાનું છે.
—-બેફામ
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ | Tagged: કવિ છું હું, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બધાને કાજ મારે જીવવાનું છે;, બેફામ, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal |
Writer, poet/ghazalkar, singer e bhadhana dardne samjine zindgi jiwata hoi chene?