બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.
સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે,
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે,
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક,
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.
– હિતેન આનંદપરા
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, હિતેન આનંદપરા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, બીજાને શું જીરવશું? જાતને જીરવી નથી શકતા, હિતેન આનંદપરા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો