એક છોકરીના હાથથી રૂમાલ પડે,
તે લેવા આખુંયે ગામ વળે નીચે.
જુવાન આંખ ફાડે,
બુઢ્ઢાઓ આંખ મીંચે.
નામ કોનું રૂમાલમાં છોકરીએ ભર્યું છે,
તે બાબતમાં ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી ખુંજર,
અને નાસ્તિકો થઈ ગયા ધર્મી.
કારણ કે મંદિરમાં જાય છોકરી,
તો લોક શું કરવા ટળવળે બગીચે.
ગંધ છોકરીની આવી જે જીવને,
તે જીવની ગંભીરતામાં પડી ગયો ઘોબો,
સૌ છોકરાને અરીસાઓ ઠપકો આપે કે,
જરા મોઢાઓમાં જો ને શોભો.
કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી,
રોજ એકલી બેસીને હીંચે…
એક છોકરીના હાથથી રૂમાલ પડે…
– રમેશ પારેખ
Filed under: ગુજરાતી ગઝલ | Tagged: એક છોકરીના હાથથી રૂમાલ પડે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રમેશ પારેખ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal |
પ્રતિસાદ આપો