ચલો અગોચર મન ખૂણામાં એકલદોકલ મળીએ

ચલો અગોચર મન ખૂણામાં એકલદોકલ મળીએ
વળ્યા વળાંકે તસુતસુમાં હવે જરા ઓગળીએ

ઘણા વરસની ચહલપહલમાં ઘણું વધ્યું છે અંતર
ચાલ ઠરીને એકબીજાના ધબકારા સાંભળીએ

ઘણા અષાઢો ગયા અને મેં સિંચે રાખ્યા આંસુ
મેં જ ઉમંગો રોપ્યા’તા આભાસી ઘરને ફળિયે

તને મઢૂલી સાદ કરે છે પરભાતી સૂરોમાં
ભીતર પડ્યો છું, આંખ તગે છે તૂટી પડેલા નળીએ

છૂટા પડ્યાના સૂક્ષ્મ સંબંધો એકલતામાં પીગળ્યા
તમે અચાનક વાંકુ પાડ્યું અમે એક ઝળઝળીએ

ભલે મોતની આડશ લઇને સરી પડ્યા અંધારે
હજી ઢબૂરી રાખ્યા છે મેં શ્વાસ સુગંધી તળિયે.

– સુરેન ઠક્કર

Leave a comment