ગુજરાતી ગઝલ વિશ્વને ચોંકાવનારો મરીઝ-તબીબનો કિસ્સો

 • 1966ના વર્ષમાં ગુજરાતી ગઝલ વિશ્વને હચમચાવી નાખનારી એક ઘટના ન બની હોત તો મરીઝની ગઝલોના જોરે કવિ બની ગયેલા અનેક કવિઓની રચનાઓ પુસ્તકો સ્વરૂપે પ્રગટ થતી રહી હોત અને મુશાયરાઓમાં બેરોકટોક વંચાતી રહી હોત.

  મરીઝને પૈસાની તાતી જરૂર હતી અને મરીઝે એક આખેઆખા સંગ્રહ જેટલી ગઝલો એક કવિને વેચી દીધી. એ કવિ પણ સાહિત્ય અને સંસ્કારની દુનિયાના એક મોભાદાર માણસ હતા. એમને નામે આ સંગ્રહ છપાઈ પણ ગયો. શ્રી હરીન્દ્ર દવે અને શ્રી બરકત વીરાણીએ પ્રસ્તાવના પણ લખી આપી. એ કવિએ, ગઝલો તો પોતે લખી નહોતી એટલે કંઈક તો પોતાનું હોવું જોઈએ એમ વિચારી લાંબીલચક પૂર્વભૂમિકા લખી. (પૂર્વભૂમિકાની ભાષા અને ગઝલોની બાનીમાંય આસમાન જમીનનું અંતર ! તરત પકડાઈ જવાય એવું!)

  આ સંગ્રહ વિતરિત થાય તે પહેલા જ શૂન્ય પાલનપુરીએ રહસ્યસ્ફોટ કર્યો. મરીઝની ગઝલો ખરીદી ને સંગ્રહ પ્રકાશિત કરનાર કવિને સકંજામાં લઈ એ સંગ્રહ પાછો ખેંચવાની ફરજ પાડવામાં આવી. આ કિસ્સામાં ભીનું સંકેલાયું હોવાથી બધી કાર્યવાહી ‘ઑફ ધ રેકર્ડ’ થઈ હોવાથી જાણકારો પણ જાહેર માધ્યમો પરથી એ કવિનું અને સંગ્રહનું નામ લેતાં અચકાય છે. પરંતુ તેમની સ્મૃતિમાં સુરતમાં 5 ઑક્ટોબર 1998ના રોજ શ્રદ્ધા કાવ્ય સંસ્થાના ઉપક્રમે યોજાયેલા મુશાયરામાં કવિશ્રી જલન માતરીએ સ્વ. મરીઝ સાથેના પોતાનાં સ્મરણો વાગોળતાં, શ્રોતાઓથી છલકાતાં ગાંધીસ્મૃતિ હૉલમાં એ કવિનું અને એ સંગ્રહનું નામ જાહેર કરી દીધું હતું!

  જનાબ જલન માતરીસાહેબે જણાવ્યું. ‘1966નું વર્ષ હતું. રાત્રે એક મુશાયરો પૂરો કરી હું હોટલ અનુકૂલમાં સૂતો હતો. વહેલી સવારે 6 વાગ્યે મરીઝ રૂમમાં હાજર થઈ ગયા. મને કહ્યું, ‘મારે અગિયાર વાગ્યા સુધીમાં કોઈને પાંચ ગઝલ લખી આપવાની છે. પાંચ ગઝલ આપીને પચાસ રૂપિયા લેવાના છે. ત્રણ હું લખી નાખું, બે તું લખી આપ’ મેં (જલન માતરીએ) ના પાડી, તો વિનંતી-મનામણી કરીને પણ એણે એ દુષ્કૃત્ય મારી પાસે કરાવ્યું. બે ગઝલ મેં પણ લખી આપી અને અગિયાર વાગ્યે અમે જઈને પેલા ખરીદારને પાંચ ગઝલ વેચી આવ્યા. મરીઝે પચાસ રૂપિયા અંકે કરી લીધા.’

  સભામાં સોપો પડી ગયો. મરીઝના પુત્ર, પુત્રી, બહેન વગેરે પણ સભાગૃહમાં હાજર હતાં. સહેજ થોભીને જનાબ જલન માતરી બોલ્યા, ‘એ વ્યક્તિનું નામ જાહેર કરું?’ બે ક્ષણ પછી, ‘એ વ્યક્તિ હતી ચંદ્રશેખર ઠક્કુર ‘તબીબ’! મરીઝ પાસેથી બે હજાર રૂપિયામાં આ વ્યક્તિએ આખો સંગ્રહ ખરીદી લીધો હતો. આખી હકીકત જાણી ગયેલા કવિશ્રી શૂન્ય પાલનપુરીએ મને (શ્રી જલન માતરીને) પત્ર લખ્યો કે આનું શું કરવું? બધી માહિતી ‘મુંબઈ સમાચાર’ પ્રેસ સુધી પહોંચી. ત્યાં શ્રી ચન્દ્રશેખર ઠક્કુરને બોલાવવામાં આવ્યા. એમની પાસે આખેઆખો સંગ્રહ પાછો ખેંચી લેવા, રદ કરવાની કબૂલાત લેવાઈ અને એ પ્રકરણ આમ પૂરું થયું.

  આ બનાવના દિને જ રાત્રે એક મુશાયરામાં શ્રી શૂન્ય પાલનપુરીએ આ મુક્તક રજૂ કર્યું.

  થયો રકાસ પ્રેમનો, વફાની આબરૂ ગઈ,

  પીતા બધા જ થઈ ગયા, સુરાની આબરૂ ગઈ,

  ‘મરીઝ’ થઈ ગયા ‘તબીબ’ ને પતી ગયો ઈલાજ,

  રહી ન શાન ‘દર્દ’ની, દવાની આબરૂ ગઈ.

  (સૌજન્ય: મરીઝ: અસ્તિત્વ અને વ્યક્તિત્વ: રઈશ મનીઆર)

One Response

 1. == ……………….સભામાં સોપો પડી ગયો. મરીઝના પુત્ર, પુત્રી, બહેન વગેરે પણ સભાગૃહમાં હાજર હતાં. સહેજ થોભીને જનાબ જલન માતરી બોલ્યા, ‘એ વ્યક્તિનું નામ જાહેર કરું?’ બે ક્ષણ પછી, ‘એ વ્યક્તિ હતી ચંદ્રશેખર ઠક્કુર ‘તબીબ’! મરીઝ પાસેથી બે હજાર રૂપિયામાં આ વ્યક્તિએ આખો સંગ્રહ ખરીદી લીધો હતો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: