અળગા થવાની વાત, મહોબત થવાની વાત-હરીન્દ્ર દવે

અળગા થવાની વાત, મહોબત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત.

પલળીશ એ ભયેથી હું શોધું છું છાપરું
વરસે છે આસમાંથી ઇનાયત થવાની વાત

ઝાહિદ, કસોટી છે આ, ગમે તે પસંદ કર
સિઝદો છે એક, એક ઇબાદત થવાની વાત

પાસે રહું તો ભય કે વિખૂટાં પડી જશું
આઘે રહીને માંડું છું અંગત થવાની વાત

સ્વપ્નો થવાનું એટલું સહેલું બની ગયું
માણસને આવડી ન હકીકત થવાની વાત.

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,

મ્હેકમાં મ્હેક’ મળી જાય તો મૃત્યુ ન કહો,
તેજમાંતેજ ભળી જાય તો મૃત્યુ ન કહો,
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘયાત્રાની જરૂરતથી સજ્જ થઇ જઇને,
એક મંજિલની લગન આંખે ઊતરવા દઇને,
ભાનને ક્ષણને કાળજીથી સમેટી લઇને,
‘આવજો’ કહીને કોઇ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયાં ન એ તત્ત્વને કળવા,
જે અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા,
દ્રષ્ટિ જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નીરખવા માટે,
ભાનની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે,
કોઇ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.

-હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા;
એના હોઠ બે બિડાયા હજી તોરે, કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું, કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદાને કહો રે, કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

– હરીન્દ્ર દવે

હમણાં હજી મળ્યા અને હૈયા સુધી ગયાં,

હમણાં હજી મળ્યા અને હૈયા સુધી ગયાં,

તમને ખબર નથી કે તમે ક્યાં સુધી ગયાં!

શબ્દોથી જે શરૂ થયું, શાંતિ મહીં વધ્યું,

સંકેત આપણા જો જમાના સુધી ગયા.

જેણે વમળમાં ધીર ધરી’તી એ પ્રેમીઓ,

કહે છે કે છેવટે તો કિનારા સુધી ગયા.

આંખોનું તેજ, વાળની ખુશ્બૂ, અધરનો રંગ,

વાતો શરીરની કરી આત્મા સુધી ગયા.

સાવ જ અજાણ્યા એક વખત જે હતાં, હવે,

જ્યાં કોઈના ચરણ ન હતા, ત્યાં સુધી ગયાં…

– હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

 ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

– હરીન્દ્ર દવે.

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?

– હરીન્દ્ર દવે.

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,

આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.

ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.

છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જોજો કે સાકીનો રંગ છે.

બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એનો એ જ આ ધરતીનો રંગ છે.

કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કોક એમાં ખુદાઈનો રંગ છે.

હરીન્દ્ર દવે

હોઠ મલકે તો મોટી મહેરબાની

હોઠ મલકે તો મોટી મહેરબાની
સાજન, થોડો મીઠો લાગે;
તારી સંગાથે પ્રેમનો અજાણ્યો
મુલક કયાંક દીઠો લાગે!

સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ
કે એકલાનો રાહ એકધારો,
મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો
ભલે આઘો ઠેલાય આ કિનારો!
મધમીઠો નેહ તારો માણું
સંસાર આ અજીઠો લાગે.

રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે
એની આંખમાં ઉજાગરાની લાલી.
લથડીને ચાલતી આ ચંચલ હવાનો હાથ
ઊઘડેલા ફૂલે લીધો ઝાલી;
તારી આંખના ઉજાગરાનો
છલકાતો રંગ જો મજીઠો લાગે!

– હરીન્દ્ર દવે

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,

હું સરેરાશનો માણસ છું, નીકળી જઈશ,
કોઈ ઓળખશે નહીં. સર્વને મળી જઈશ.

યાદના જલતા દીવાઓથી વધ્યું અંધારું,
હું નર્યા મીણનો માણસ છું ઓગળી જઈશ.

છું હવા, ને એ હવાને વળી વિસ્તાર ક્યો ?
નમતી પાંપણમાં થઈ સ્વપ્ન હું ઢળી જઈશ.

મારી ધરતી તો શું આકાશમાંય આવી જુઓ,
હું તો પગલાંથી નહીં ગંધથી કળી જઈશ.

કાંકરી તમે નાહક નહીં શોધો અય દોસ્ત,
જળનાં ટીપાંથી હું આખોય ખળભળી જઈશ.

– હરીન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

તમારી આંખથી ખરતા સમયની વાત નથી

તમારી આંખથી ખરતા સમયની વાત નથી
નથી, આ સુર્યમાં તરતા સમયની વાત નથી

બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા
ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી

સમય મળ્યો છે તો ચાઓ સમય ભૂલી લઈએ
ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી

થયો છું એટલો પાગલ કે સાનભાન નથી
છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી

એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી
સવાર સાંજમાં મરતા સમયની વાત નથી.

હરીન્દ્ર દવે

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,

પ્રેમમાં ચાલને ચકચૂર થઈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થઈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થઈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થઈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થઈ ચાલ્યા કરીએ.

 હરિન્દ્ર દવે

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને  ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો  છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો  સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું  શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?

કોને ખબર તને હશે એ મારી દશા યાદ ?
મુજને તો આ ઘડી સુધી છે તારી સભા  યાદ.

એકાન્તની ક્ષણો, એ અમારે નસીબ ક્યાં ?
સ્વજનો તજીને જાય  તો સરજે છે સભા યાદ.

નાનકડા નીલ વ્યોમથી ટપકી રહી’તી જે,
જલધારા  ફક્ત યાદ ને મોસમ, ન ઘટા યાદ.

વીસરી ગયો’તો એમને બે ચાર પળ  કબૂલ,
આપી ગયા હવે એ જીવનભરની સજા યાદ.

એને પૂછી શક્જો તો  કોઈ સંકલન મળે,
મુજને તો ઝાંખી ઝાંખી ને અસ્પષ્ટ કથા યાદ.

એ  કલ્પના કે સત્ય હવે ભેદ ક્યાં રહ્યો !
પૂછો છો તો આવે છે મને કંઈક કથા  યાદ.

પૂછો તો અંશ માત્ર બતાવી શકું નહીં,
મનમાં તો એની છે  મને એકેક અદા યાદ.

હરીન્દ્ર દવે

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,

શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર  ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.

હમણાં હમણાં આ  શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન  પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.

મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ  છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી  વેરાતાં ક્પૂર.

– હરીન્દ્ર દવે.

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

જેવું  તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો  થાક છે.

મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે  રસ્તાનો થાક છે.

મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને  સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ  ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

-હરીન્દ્ર દવે

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો

મહેકમાં મહેક મળી જાય તો મૃત્યુ ન કહો
તેજમાં તેજ મળી જાય તો મૃત્યુ ન  કહો
રાહ જુદો જો ફંટાય તો મૃત્યુ ન કહો
શ્વાસની લીલા સમેટાય તો મૃત્યુ ન કહો.

દીર્ઘ યાત્રાની જરૂરતથી સજ્જ થઈ જઈને
એક મંઝિલની  લગન આંખે ઉતરવા દઈને
ભાનની ક્ષણને કાળજીથી સમેટી લઈને
‘આવજો’ કહીને કોઈ જાય તો મૃત્યુ ન કહો.

જે નરી આંખે જણાયું ન એ તત્વ કળવા
જે  અગોચર છે એ અસ્તિત્વને હરદમ મળવા,
દૂર દુનિયાના રહસ્યોનો તાગ મેળવવા
દ્રષ્ટી  જો આંખથી છલકાય તો મૃત્યુ ન કહો.

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે
ભાન ની સૃષ્ટીની સિમાને પરખવા માટે
દિલના વિસ્તારની  દુનિયાઓમાં વસવા માટે
કોઈ મહેફીલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો

-હરીન્દ્ર દવે

હોઠ હસે તો ફાગુન

હોઠ હસે તો ફાગુન
ગોરી! આંખ ઝરે તો સાવન,

મોસમ મારી તું જ,
કાળની મિથ્યા આવનજાવન…

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;

એક જ તવ અણસારે
મારા વિશ્વ તણું સંચાલન…

અણું જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;

તવ શ્વાસોનો સ્પર્શ
હ્રદય પર મલયહાર મનભાવન…

કોઇને મન એ ભરમ, કોઇ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યાભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;

પલ પલ પામી રહી
પરમ કો મુદા મહીં અવગાહન…

 

– હરિન્દ્ર દવે

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.

ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમા.
માધવ ક્યાંય નથી મધુવનમાં.

– હરીન્દ્ર દવે

વરસાદની મોસમ – હરીન્દ્ર દવે

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,
ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ.

મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે,
કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ.

આપણે કયાં છે મમત એક જગાએ રહીએ,
માર્ગ માગે છે ઘણાં, ચાલને, ખસતાં જઇએ.

સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,
બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ.

તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

ઉખાણું – હરીન્દ્ર દવે

દૂધે ધોઇ ચાંદની
ચાંદનીએ ધોઇ રાત,
એવામાં જો મળે તો
વ્હાલમ, માંડુ રે એક વાત.

અડધું પિંજર હેમ મઢ્યું ને અડધું રૂપે સહોય,
એમાં બે અલબેલાં પંખી અલગ રહીને રોય.

વાત સમજ તો વ્હાલમ,
ચાંદ-સૂરજની દઉં સોગાત.

વનવગડે એક વાટ ને વાટે ઊગ્યાં રાન ગુલાબ,
વણચૂંટ્યે વીણી લેવાની મળી છે અમને છાબ.

ભેદ સમજ તો તને વસાવું,
કીકીમાં રળિયાત.

મગથી ઝીણાં મરી, ઓ વ્હાલમ, સૌથી ઝીણી રાઇ,
એથી નાજુક ચીજ, નરી આંખે જે ના દેખાઇ;

દાખવ તો ઓ પિયુ !
તને દઉં હૈયાની ઠકરાત.

—— હરીન્દ્ર દવે           

રે મન, ચાલ મહોબ્બત કરીએ… – હરીન્દ્ર દવે

                      રે મન, ચાલ મહોબ્બત કરીએ
નદીનાળામાં કોણ મરે, ચલ, ડૂબ ઘૂઘવતે દરિયે

રહી રહીને દિલ દર્દ ઊઠે ને
દોસ્ત મળે તો દઇએ
કોઇની મોંઘી પીડ ફક્ત
એક સ્મિત દઇ લઇ લઇએ

પળભરનો આનંદ, ધરાના કણકણમાં પાથરીએ.

દુનિયાની તસવીર ઉઘાડી
આંખ થકી ઝડપી લે
છલક છલક આ પ્યાલો મનભર
પીવડાવી દે, પી લે

જીવનનું પયમાન ઠાલવી દઇ શૂન્યતા ભરીએ.

——- હરીન્દ્ર દવે