એજ ગુલાબી ગુલાબ અમને ગમતું ,એજ તમને ગમતું,ગમતું એજ ગુલાબી ગુલાબ

તમે ચૂંટી ,અમને દીધું, પ્રેમપાશનું કામણગારું વહાલ

નયનો ઢાળી,ઝીલી આનંદ ને ખીલી સંધ્યાની લાલી

મોગરો મહેંકે ,કેશ ફરકે,વસંતની વાયરી લાગે વહાલી

કોરા કાગળે ઉરમાં મધ્યે,એક સ્નેહલ શબ્દ તમે દાબ્યો

સાગર ઉછળે,સોમ દર્શને, મારા ઉરમાં જઈ ને લાગ્યો

લજ્જા લહરે,કોમળ અંગે,પ્રસન્નતાના મંગલ ત્રિકોણમાં ઝાંખું

નયનોમાં નચાવી તસવીર તમારી,પવન પાવડી લઈ પોંખું

ગામને પાદરે નાના ઉપવને, તમે કેસરિયા ફૂલ થઈ શોભો

વ્યોમ અટારીએ ઉષા રાણીને,કાયાના રંગ કસુંબલે શરમાવો

તકદીર બનીને આંગણે પધારી,શ્રાવણ ઝૂલે ઝુલાવ્યા બેફામ

પ્રેમ પાલવડે ગુલાબી ગાલે,શમણે શમણે અમે થયા બેહાલ

મીઠા બોલે ગુંજી ગલી, અંતરમાં ગુંજ્યો મધુર મલકાટ

પ્રેમ પારેવાં રમાડે દિલડાં, ગુલાલે રમે જિંદગીનો તલસાટ

રમેશ પટેલ(આકાશદીપ) Tags: GUJARATI, આકાશદીપ’, રમેશપટેલ, ‘

Leave a Reply

You must be logged in to post a comment.